દાસ, પુષ્પલતા

June, 2026

દાસ, પુષ્પલતા (જ. 27 માર્ચ 1915, લખમીપુર, અસમ; અ. 9 નવેમ્બર 2003, કૉલકાતા) : સ્વાતંત્ર્યસેનાની, પૂર્વસંસદસભ્ય અને અસમનાં જાણીતા સામાજિક કાર્યકર.

માતાનું નામ સ્વર્ણલતા અને પિતાનું નામ રામેશ્વર. શાળા શિક્ષણ દરમિયાન તેમણે ‘મુદ્રિત સંઘ’ની સ્થાપના કરી અને તેનાં સ્થાપક મંત્રી બન્યાં. તેમણે પાનબજાર ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1931માં ભગતસિંહને ફાંસી આપવાના વિરોધમાં કાર્યક્રમ કરવા બદલ તેમને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યાં હતાં. તેમણે ખાનગી અભ્યાસ કરી 1934માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી ઇન્ટરમીડિયેટ પાસ કરી આંધ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયાં. કાયદાનો અભ્યાસ ગુવાહાટીની અર્લ લૉ કૉલેજમાંથી કર્યો. 1940માં કૉલેજ યુનિયનમાં મંત્રી બન્યાં.

આઝાદીની ચળવળમાં સત્યાગ્રહમાં ભાગ લીધો તેથી કેદ થઈ. કૉલેજ શિક્ષણ અધૂરું રહ્યું. જેલમાં બીમાર થતાં સરકારે પેરોલ રજા મંજૂર કરી પણ તેમણે ના પાડી અને જેલમાં જ રહ્યાં.

રાષ્ટ્રીય આયોજન સમિતિની મહિલા પેટા સમિતિનાં સભ્ય તરીકે તેઓ મુંબઈ ગયાં. બે વર્ષના વસવાટ દરમિયાન મૃદુલા સારાભાઈ અને વિજયાલક્ષ્મી પંડિત સાથે કામ કર્યું. 1942માં એમિયો કુમાર દાસ સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી અસમ પરત ફર્યાં.

1951માં તેઓ રાજ્યસભાનાં સભ્ય બન્યાં. તેઓ અસમ વિધાનસભાનાં સભ્ય, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કાર્યકારી સમિતિનાં સભ્ય હતાં. તેમણે કસ્તૂરબા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, અસમ અને રાજ્ય ભૂદાન અને ગ્રામદાન બોર્ડનાં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમણે ‘ચરખાસંઘ’ની સ્થાપના કરી હતી.

1975માં પતિના અવસાન બાદ સમાજસેવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ આસામી સામયિક ‘જયંતી’નાં સંપાદક હતાં. તેમણે લખેલું પુસ્તક 1976માં પ્રકાશિત થયું હતું. ભારત સરકારના સ્વાતંત્ર્યસેનાની તરીકે સન્માન સ્વીકારનો સવિનય ઇન્કાર કરેલો. 1999માં તેમને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં.

કનુભાઈ શાહ