દાસ, ચિત્તરંજન (જ. 3 ઑક્ટોબર 1923, બાગલપુર, ઓરિસા) : ઊડિયા સાહિત્યકાર. આત્મવૃત્તાંત, જીવનચરિત્રો. પ્રવાસવર્ણન અને નિબંધોમાં – ચિંતનાત્મક ગદ્યમાં તેમની કલમ ચાલી છે. શિક્ષણ વિશ્વભારતી, શાંતિનિકેતન અને કૉપનહેગન વિશ્વવિદ્યાલય, ડૅન્માર્કમાં.
દર્શન અને તુલનાત્મક સાહિત્યનું અધ્યયન દેશમાં અને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા નૃવંશવિજ્ઞાન(anthropology)નું વિદેશમાં. બલવંત વિદ્યાપીઠ, આગ્રામાં અધ્યાપક. જર્મની, ફિનલૅંડ અને ઇઝરાયલનાં વિશ્વવિદ્યાલયોમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમનું યશસ્વી કાર્ય. તેમણે લખેલા ગ્રંથોની સંખ્યા સો જેટલી છે. તેમાં શ્રી અરવિંદ, સેંટ એક્ઝ્યુપેરી, આલ્બર્ટ શ્વાઇટ્ઝર, બૉરિસ પાસ્તરનાક અને ખલિલ જિબ્રાન જેવા વિશ્વસાહિત્યના સમર્થ સર્જકોના અનુવાદો નોંધપાત્ર છે. આ અનુવાદોમાં 17 ભાગમાં ‘માતૃરચનાવલિ’ઓ મહત્વની કૃતિ છે. સરલા ઍવૉર્ડ, (1989), બિસુરા પુરસ્કાર (બંને ઓરિસાના) અને ઍવૉર્ડ ઑવ્ ધી ઑર્ગેનાઇઝેશન ઑવ્ અંડરસ્ટૅન્ડિન્ગ ઍન્ડ ફ્રૅટરનિટી, ન્યૂ દિલ્હી દ્વારા તેમને સન્માનિત કરવામા આવ્યા છે. ‘જીવન વિદ્યાલય’ એમનો નિબંધસંગ્રહ છે. જેને 1960માં ઓરિસા સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. અનુવાદ ઉપરાંત પ્રવાસ નિબંધો, સંશોધનાત્મક ગ્રંથો અને બાલસાહિત્ય ક્ષેત્રે એમણે પ્રદાન કર્યું છે.
‘વિશ્વકુ ગવાક્ષ્ય’ વિવેચનગ્રંથ છે. તે માટે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 1998નો ઍવૉર્ડ એનાયત થયો છે. આ બુદ્ધિજીવી લેખકે અહીં વર્તમાન રાજનીતિ, જીવનદર્શન અને નૃવંશવિજ્ઞાનની ર્દષ્ટિએ પોતાના સમાજને જોવાનો પ્રયત્ન કર્યો છે. લેખકની અભિવ્યક્તિ બળવાન, અને મર્મસ્પર્શી છે. માનવ-આચરણ અને વિવિધ કાર્યો ઉપરની તેમની ટીકા-ટિપ્પણી અત્યંત તીક્ષ્ણ તો કોઈ વાર કઠોર હોય છે. એમની આ ઊડિયા કૃતિ ભારતીય સમાલોચનાત્મક સાહિત્યમાં એક મહત્વપૂર્ણ પ્રદાન છે.
વિ. પ્ર. ત્રિવેદી