દાસ, કુંજબિહારી

March, 2016

દાસ, કુંજબિહારી (જ. 1914, રેન્ચ શસન, ઓરિસા; અ. 1994) : જાણીતા ઊડિયા કવિ અને નિબંધકાર. તેમને તેમની ઊડિયા કૃતિ ‘મો કહાની’ (આત્મકથા) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમણે 1941માં કૉલકાતા યુનિવર્સિટીમાંથી ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ નંબરે પાસ કરી અને ત્રણ સુવર્ણચંદ્રકો મેળવ્યા. 1945માં સંસ્કૃતમાં એમ.એ.ની પદવી મેળવી અને 1954માં વિશ્વભારતીમાંથી લોકકથામાંના તેમના સંશોધન માટે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.

1944માં તેમણે તેમનું વ્યાવસાયિક જીવન ઊડિયાના અધ્યાપક તરીકે શરૂ કર્યું અને 1969ના વર્ષે કટકની રેવનશૉ કૉલેજમાંથી ઊડિયાના પ્રાધ્યાપકપદેથી નિવૃત્ત થયા.

તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકકથાકાર તરીકે જાણીતા છે. તેમનું લેખનકાર્ય 50 વર્ષથી ચાલે છે, અને તેમણે 51 જેટલા ગ્રંથો પ્રગટ કર્યા છે, જે પૈકી થોડા અંગ્રેજીમાં છે. ‘અમેરિકા ટુ યુરોપ આફ્રિકા’ નામક તેમની પ્રવાસકથાને 1972નો ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મો કહાની’ તેની આત્મીયતાભરી સરળ અને સાથે જોરદાર એવી રજૂઆતરીતિ, વ્યાપક માનવસહિષ્ણુતા અને ભાવનાલક્ષિતા માટે ઊડિયા સાહિત્યમાં મહત્વની લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા