દાસપ્રથા : સામંતશાહી અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી શોષણની એક પ્રાચીન પ્રથા. મધ્યકાલીન યુરોપમાં તથા અન્યત્ર ચીન જેવા દેશોમાં ગુલામીના રૂપાંતરિત સ્વરૂપે તેનો આરંભ થયો હતો. આ પ્રથા હેઠળ સાંથીઓને જમીનના કોઈ ટુકડા કે ખંડ સાથે વારસાગત રીતે, સામંતની મરજી મુજબ વફાદારીની શરત સાથે કાયમ માટે બંધાઈ રહેવું પડતું હતું. રાજ્યની સત્તાનો અભાવ હતો અથવા જુદા જુદા પ્રદેશો પર રાજ્યની કેન્દ્રીય સત્તાનો પ્રભાવ શિથિલ હતો તે જમાનામાં નાના નાના ખંડોમાં વહેંચાયેલી જમીનોનો વાસ્તવિક કબજો ધરાવતા સામંતો જે તે વિસ્તારો પર શાસકીય અને વહીવટી અંકુશ ધરાવતા હતા. તે ગાળામાં મુખ્યત્વે બે આર્થિક વર્ગો અસ્તિત્વ ધરાવતા હતા : એક સામંતોનો, જમીનો પર કબજો જમાવીને બેઠેલો વર્ગ અને બીજો જમીનવિહોણા અથવા જૂજ જમીન ધરાવતા સાંથિયાઓનો વર્ગ. આમાંથી જમીનવિહોણા લોકોને સામંતોની જમીનોનું ફરજિયાત ખેડાણ કરવું પડતું હતું, જેના બદલામાં તેમને સામંતો દ્વારા કોઈ ખાસ વળતર ચૂકવાતું ન હતું. તે એવો જમાનો હતો જ્યારે જુદા જુદા આર્થિક વર્ગોના અધિકારોનું સ્પષ્ટીકરણ પણ થયેલું ન હતું. પરિણામે દરેક વર્ગના અધિકારો રીતરિવાજ, રૂઢિ કે પરંપરાઓને અધીન હતા. સામંતો જમીન પરના તેમના કબજાની રૂએ તેમની જમીનોનું ખેડાણ કરનારા ભૂમિદાસો તથા તેમના કુટુંબના સભ્યોના રક્ષણદાતા, તેમના વિસ્તારોના ન્યાયાધીશ તથા પ્રશાસક ગણાતા. સામંતો તેમના કબજા હેઠળની જમીનો તથા તેની સાથે સંલગ્ન સ્થાવર અને જંગમ મિલકતના સ્વામી તો ગણાતા જ પરંતુ તેમની દયા અને રહેમનજર પર જીવતા ભૂમિદાસો અને તેમના કુટુંબના સભ્યોના પણ સ્વામી ગણાતા. ભૂમિદાસો સામંતના કબજા હેઠળની જમીન સાથે કાયમી ધોરણે બંધાયેલા રહેતા. સામંતની સંમતિ વિના તેઓ આ બંધનમાંથી મુક્ત થઈ શકતા નહિ અને જે કિસ્સામાં સામંત સંમતિ આપતો તે સંમતિના બદલામાં તે ભૂમિદાસ પાસેથી વળતર વસૂલ કરતો. સામંત પોતે ઇચ્છે ત્યારે તે ભૂમિદાસને તેમની જમીન પરથી મનસ્વી રીતે છૂટા કરી શકતો હતો. સામંતની જમીનના ફરજિયાત ખેડાણ ઉપરાંત ભૂમિદાસોને સામંતનાં અન્ય કાર્યોમાં વળતર વિના મજૂરી કરવી પડતી હતી. તેમની પોતાની ઊપજમાંથી સામંતે નક્કી કરેલ ભાગ વિના મૂલ્યે સામંતને આપવો પડતો. આ બધા ઉપરાંત સામંતને વખતોવખત ભેટસોગાદો પણ આપવી પડતી હતી. કેટલાક કિસ્સાઓમાં ગુલામોની જેમ ભૂમિદાસોનું પણ ખરીદવેચાણ કરવામાં આવતું હતું.
ભૂમિદાસો દ્વારા સામંતોને અપાતી સેવાઓના બદલામાં તેમને સામંતો તરફથી ત્રણ પ્રકારના લાભ મળતા : (1) લૂંટારુઓ, બહારવટિયાઓ તથા હિંસક હુમલા સામે રક્ષણ, (2) દુકાળ જેવી પ્રાકૃતિક આપત્તિ દરમિયાન આર્થિક રક્ષણ તથા (3) ભૂમિદાસોની જમીન ખેડવા માટે સામંતોનાં ઓજારો તથા પશુધનનો ઉપયોગ કરવાની છૂટ.
આ પ્રથાના ઉત્ક્રાંતિકાળ દરમિયાન તેના માળખામાં ફેરફારો કરવામાં આવ્યા હતા; દા. ત., બીજી સદી પછીના ગાળામાં રોમન સામ્રાજ્યમાં જમીનોના મોટા પ્રદેશોનું વિભાજન કરી તેના ટુકડાઓ ગણોતિયાઓને ખેડાણહક સાથે આપવામાં આવ્યા હતા અને આ રીતે ઊભા થયેલ નવા વર્ગને શારીરિક શિક્ષા, હુમલાઓ તથા કરવસૂલાતમાંથી રક્ષણ આપવામાં આવતું. આનાથી ઊલટું ઈ. સ. 332માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને આ પ્રથાને કાયદાની મંજૂરી આપી હતી. તેરમી સદીના અંત સુધી ભૂમિદાસના વર્ગ પરની સામંતની સત્તા નિરંકુશ બની હતી. સામંતોની પૂર્વ સંમતિ વિના ભૂમિદાસો પોતાના તથા જાગીરના વર્તુળની બહાર લગ્નસંબંધો પણ બાંધી શકતા ન હતા; પરંતુ તીવ્ર આર્થિક અને સામાજિક શોષણ પર આધારિત આ વ્યવસ્થા લાંબા સમય સુધી ટકી શકી નહિ. ચૌદમી સદીમાં દાસત્વ હેઠળ જીવતા વર્ગને સ્થાને મુક્ત વર્ગની તરફેણ કરતી વિચારસરણી પ્રચલિત થઈ, જેને પરિણામે સામંતો અને ખેડૂતો વચ્ચે કરાર થવા લાગ્યા. સમય જતાં યુરોપમાં કેન્દ્રીય શાસનવ્યવસ્થાની તરફેણ થવા લાગી. ઉપરાંત, દાસપ્રથા સામે ખેડૂતોના બળવા થયા. યુરોપના કેટલાક પ્રદેશોમાં પ્લેગ જેવો રોગચાળો ફાટી નીકળતાં આ પ્રથા પરની સામંતોની પકડ ઢીલી થઈ. આ બધાંના પરિણામે સામંતશાહી અર્થવ્યવસ્થા તૂટી અને તેને લીધે અઢારમી સદીમાં ઑસ્ટ્રિયા-હંગેરી સામ્રાજ્યમાં, 1861માં રશિયામાં તથા 1949માં ચીનમાં દાસપ્રથાનો અંત આવ્યો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે