દાસગુપ્તા, બુદ્ધદેવ (જ. 11 ફેબ્રુઆરી 1944, પુરુલિયા) : બંગાળી કવિ અને ફિલ્મનિર્દેશક. તે સત્યજિત રાય, ઋત્વિક ઘટક અને મૃણાલ સેન પછીના મહત્વપૂર્ણ ચલચિત્રસર્જક લેખાય છે. કારકિર્દીનો આરંભ અધ્યાપનથી કર્યો હતો. કૉલકાતા યુનિવર્સિટીમાં 1968થી 1976 સુધી અર્થશાસ્ત્ર ભણાવ્યું. 1978થી ચલચિત્રોની દુનિયામાં આવ્યા. પ્રથમ મહત્વના ચલચિત્ર ‘દૂરત્વ’માં સત્યજિત રાયની ફિલ્મોમાં જોવા મળતી શહેરી જીવનની વાસ્તવિકતાને પડદા પર લાવવાનો પ્રયાસ કર્યો. લોકાર્નો ફિલ્મોત્સવમાં આ ચલચિત્રને સ્પેશિયલ ક્રિટિક્સ ઍવૉર્ડ મળ્યો. ચલચિત્રજગતમાં નવી પ્રતિભાના ઉત્તેજનાપૂર્ણ આગમન તરીકે તેમને વધાવી લેવાયા. બીજા ચિત્ર ‘નીમ અન્નપૂર્ણા’(1979)ને કોર્લોવી વારી ફિલ્મોત્સવમાં સ્પેશિયલ જ્યૂરી ઍવૉર્ડ અપાયો. જાપાનમાં યોજાયેલા ‘ઇન્ડિયા ફિલ્મ વીક’માં આ ચિત્રને ખાસ પ્રવેશ અપાયો. 1981માં તેમણે સર્જેલા ‘ગૃહયુદ્ધ’ને વિવેચકો અત્યાર સુધીનું તેમનું શ્રેષ્ઠ ચિત્ર લેખે છે. વેનિસ ફિલ્મોત્સવમાં આ ચિત્રને મહત્વપૂર્ણ પારિતોષિક મળ્યું. ‘શીત ગ્રીષ્મેર સ્મૃતિ’ (1982) પછી 1984માં તેમણે ‘અંધી ગલી’નું સર્જન કર્યું. ‘ગૃહયુદ્ધ’ની જેમ આ ચિત્ર પણ દિવ્યેન્દ્ર પલિતની નવલકથા પર આધારિત હતું. નકસલવાદી ચળવળ પછી પશ્ચિમ બંગાળની સમકાલીન સ્થિતિને નવા જ સ્વરૂપે રજૂ કરવાનો તેમણે આ બંને ફિલ્મોમાં પ્રયાસ કર્યો. ‘ફેરા’ (1987), ‘બાઘ બહાદુર’ (1989), ‘તહાદેર કથા’ (1992) અને ‘ચરાચર’ (1993) તેમનાં નોંધપાત્ર ચલચિત્રો છે. આ પૈકી ‘અંધી ગલી’ અને ‘બાઘ બહાદુર’ ચલચિત્રો તેમણે હિંદીમાં બનાવ્યાં. ચલચિત્રો ઉપરાંત દસ્તાવેજી ફિલ્મો અને લઘુ ફિલ્મોનું પણ તેમણે નિર્માણ કર્યું. શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘બાઘ બહાદુર’ ચલચિત્રને મળ્યો. પ્રતિષ્ઠિત બર્લિન ફિલ્મોત્સવમાં 1994માં સ્પર્ધાત્મક વર્ગમાં રજૂ કરવા માટે તેમનું ‘ચરાચર’ ચલચિત્ર પસંદ કરાયું. એ પહેલાં 1987માં આ જ વર્ગમાં તેમનું ચલચિત્ર ‘ફેરા’ પસંદ કરાયું હતું. 1987 પછી 1994 સુધી માત્ર તેમનાં જ બે ચલચિત્રો બર્લિન ફિલ્મોત્સવમાં રજૂ થયાં છે. બીજા કોઈ ભારતીય ચલચિત્રને તેમાં સ્થાન મળ્યું નથી. 1997માં તેમના બંગાળી ચિત્ર ‘લાલ દરજા’ને શ્રેષ્ઠ ચિત્રનો ભારત સરકારનો પુરસ્કાર અર્પણ કરાયો. આ ચિત્રમાં તેમણે નગરજીવનની સમતા વિષમતાઓ વચ્ચે અટવાતી માનવીય ભાવનાઓનું ચિત્રણ કર્યું છે. સ્પૅન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, માડ્રિડ તરફથી 2008માં લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ, ઍથેન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ તરફથી 2007માં ગોલ્ડન એવેનો ઍવૉર્ડ એનાયત થયા છે. આ ઉપરાંત તેમને ઘણાં ચલચિત્રોમાં ઉત્તમ ચલચિત્ર, ઉત્તમ દિગ્દર્શક અને ઉત્તમ પટકથાલેખના ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
1961થી તેમણે કાવ્યો લખવાનું શરૂ કર્યું. તેમના પાંચ કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. ચલચિત્રો પરનાં લખાણોનો સંગ્રહ ‘સ્વપ્ન સમય સિનેમા’ 1991માં પ્રગટ થયો હતો.
હરસુખ થાનકી