દાલમિયા, રામકૃષ્ણ (જ. 7 એપ્રિલ 1893, ચિરાવા, રાજસ્થાન; અ. 26 સપ્ટેમ્બર 1978, દિલ્હી) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. દાલમિયાનગરના વતની. પિતા હરજીમલ સામાન્ય વેપારી હતા. કોઈ પણ જાતના ઔપચારિક શિક્ષણ વગર ખાનગીમાં અભ્યાસ કરી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. દસ વર્ષની ઉંમરે પોતાના મામાની પેઢીમાં માસિક રૂ. 10ના વેતન સાથે કારકિર્દીની શરૂઆત કરી અને કોઠાસૂઝ તથા પુરુષાર્થ દ્વારા દાલમિયા-જૈન ઔદ્યોગિક સામ્રાજ્ય નિર્માણ કર્યું. 1931માં તેમણે ખાંડનું કારખાનું શરૂ કર્યું જે સમય જતાં દેશનું મોટામાં મોટું ખાંડનું કારખાનું બન્યું.
1934માં તેમણે બીજું ખાંડનું કારખાનું શરૂ કર્યું. 1936માં ભારત વીમા કંપનીના શૅરો મોટા પ્રમાણમાં ખરીદી તેઓ વીમાવ્યવસાયમાં દાખલ થયા. 1937માં તેમણે બિહારમાં સિમેન્ટનું કારખાનું નાખ્યું અને ત્યારપછી પંજાબમાં ડેન્ડોટ ખાતે તથા કરાંચીમાં સિમેન્ટનાં નવાં કારખાનાં ઊભાં કર્યાં. આઝાદી પહેલાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં તેમણે ઔદ્યોગિક વસાહતો ઊભી કરી : બિહારમાં દાલમિયાનગર, દક્ષિણ ભારતમાં દાલમિયાપુરમ્, પંજાબમાં દાલમિયા દાદરી, રાજસ્થાનમાં રામકૃષ્ણલોક તથા સવાઈ માધોપુર તથા કરાંચીમાં શાંતિનગર. દાલમિયાં-જૈન ઔદ્યોગિક જૂથમાં ખાંડ અને સિમેન્ટના એકમો ઉપરાંત રસાયણ, ઊની કાપડ, સુતરાઉ કાપડ, કાગળ, તથા બિસ્કિટનાં કારખાનાંનો સમાવેશ થયો. સાથોસાથ બૅંકિંગ, હવાઈ ઉડ્ડયન, પ્રકાશન, સમાચારપત્રો, વીમો અને ખાણક્ષેત્રમાં પણ તેમણે જંગી મૂડીરોકાણ કર્યું. 1955માં ભારત ઇન્શ્યૉરન્સ કંપનીનાં નાણાંની તથા 1963માં દાલમિયા-જૈન ઍરવેઝનાં નાણાંની ઉઠાઉગીરી કરવાના આક્ષેપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની ઉદાર સખાવતોથી ભારતનાં જુદાં જુદાં સ્થળે શિક્ષણસંસ્થાઓ, દવાખાનાં, ધર્મશાળાઓ, રાહતકેન્દ્રો તથા ગરીબો માટે આશ્રયસ્થાનો શરૂ કરવામાં આવ્યાં. ઔદ્યોગિક કારકિર્દી શરૂ કરી તે પહેલાં તેમણે સત્યાગ્રહ તથા સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો હતો. આઝાદી પછી ભારતમાં ગૌહત્યાપ્રતિબંધની ચળવળમાં તેઓ મોખરે હતા અને જ્યાં સુધી ગૌહત્યા પર પ્રતિબંધ લાગુ પાડતો કાયદો પસાર થાય નહિ ત્યાં સુધી અનાજ ન ખાવાની તેમણે પ્રતિજ્ઞા (1951) લીધી હતી. 1951–78 દરમિયાન તેમણે આ પ્રતિજ્ઞાનું સંપૂર્ણ પાલન કર્યું હતું અને માત્ર દૂધ, ફળ અને શાકભાજીનું સેવન કરી જીવ્યા હતા.
તેઓ હિંદી, અંગ્રેજી, ગુજરાતી અને બંગાળી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. સારા વક્તા તરીકે પણ તેમની ખ્યાતિ હતી.
ઇન્દુભાઈ દોશી