દાર, મિયાં બશીર અહમદ (જ. 1 એપ્રિલ 1908; પંજાબ; અ. 29 માર્ચ 1979) : ઉર્દૂ સાહિત્યના સાહસિક નીડર અને વિદ્વાન તંત્રી. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, લાહોરની સેન્ટ્રલ સ્કૂલમાં દાખલ થયા. 1910માં સરકારી કૉલેજમાંથી પ્રથમ વર્ષની પરીક્ષા આપ્યા પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો (ઈ. સ. 1913). કૉલેજમાં પ્રથમ આવ્યા. ઑનર્સ કક્ષાની સ્નાતકની ઉપાધિ મેળવી. આ દરમિયાન તેમણે અરબી-ફારસી ભાષાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો.
ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા પછી 1921માં તેમણે ઉર્દૂ ભાષામાં ‘હુમાયૂં’ નામે સામયિક શરૂ કર્યું. તેમની આગવી લેખનશૈલી, ધારદાર વક્તવ્ય, સ્પષ્ટ અને વિદ્વત્તાપૂર્ણ લખાણ વગેરેને કારણે આ સામયિકે ઉર્દૂ સાહિત્યની શ્રેષ્ઠ પત્રિકાઓની હરોળમાં સ્થાન મેળવ્યું. તેમના વિષયો હતા ઇતિહાસ અને તત્વજ્ઞાન. તેમના નિબંધો અને લેખોએ ઉર્દૂ સાહિત્યજગતમાં આગવું વાતાવરણ ખડું કર્યું હતું. ઉર્દૂ ભાષા અને સાહિત્યના ક્ષેત્રે ‘હુમાયૂં’ની સેવા આજેય બહુમૂલ્ય ગણાય છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા