દારૂડી : દ્વિદળી વર્ગમાં આવેલા પેપાવરેસી કુળની એક ઔષધીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agremone mexicana Linn. (સં. પટુપર્ણી, સ્વર્ણક્ષીરી; મ. પિંવળા; ધોત્રા વિલાયતી ધોત્રા; હિં. સત્યનાશી, ભરેબંદ, પીસોલા; બં. શિયાલકાંટા; ક. દત્તુરીગીડ્ડા, મલા. પોન્નમતં; તા. કુટ્ટીપોત્તી; કુરુક્કુમ; અં. મૅક્સિકન પૉપી, પ્રિકલી પૉપી) છે તે ઉન્નત, કાંટાળી, એક વર્ષાયુ, ફેલાતી શાખાઓવાળી 1.2 મી. સુધીની ઊંચાઈ ધરાવતી છોડ-સ્વરૂપ વનસ્પતિ છે અને ભારતમાં 1500 મી.ની ઊંચાઈ સુધી તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયેલું છે. તે પીળાં દૂધ જેવો રસ ધરાવતી વનસ્પતિ છે. પર્ણો અદંડી, અર્ધસ્તંભાલિંગી (semi-amplexicaule), પક્ષવત્ દર (pinnatifid) પ્રકારનું છેદન ધરાવતાં અને ઊંડી તરંગિત પર્ણકિનારીવાળાં હોય છે. પર્ણકિનારી, મધ્ય-શિરા અને શિરાઓ કંટકીય હોય છે. પુષ્પનિર્માણ ડિસેમ્બર–ફેબ્રુઆરીમાં થાય છે. પુષ્પો પીળાં, 2.5થી 7.5 સેમી વ્યાસવાળાં અનેક પુષ્પદંડ છાલશૂળો (prickles) ધરાવે છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, ઉપવલયી કે લંબચોરસ, છાલશૂળવાળું અને ટોચેથી 4.6 કપાટ (valve) દ્વારા ફાટે છે. બીજ નાનાં, ગોળ, કાળાશ પડતાં બદામી અને ઊંડીજાળીદાર-ગર્તમય (reticulate-scrobiculate) હોય છે.
દારૂડી ખેતરાઉ અને ઊષર જમીનમાં મળી આવતું અત્યંત સામાન્ય અપતૃણ (weed) છે. MCPA (2-મિથાઇલ-4- ક્લોરોફિનૉકિસએસેટિક ઍસિડ), 2, 4-D (2, 4-ડાઇક્લોરોફિનૉક્સિએસેટિક ઍસિડ) અને 2, 4, 5-T (2, 4, 5 – ટ્રાઇક્લોરોફિનૉક્સિએસેટિક ઍસિડ)નો 2, 4, 5 – T (2, 4, – ડાઇક્લોરોફિનૉક્સિએસેટિક ઍસિડ)નો છંટકાવ કરવાથી તેનો નાશ થાય છે. આ અંત:સ્રાવી અપતૃણનાશકો છે. તેનો છંટકાવ ધાન્યોમાં થતા અપતૃણો માટે કરી શકાય છે; પરંતુ પહોળાં પર્ણો ધરાવતા પાક પર તેમનો ઉપયોગ કરવામાં આવતો નથી. દારૂડીના છોડ સૂકવી તેના પાઉડરનો ઉપયોગ લીલા ખાતર તરીકે આલ્કેલાઇન જમીનમાં કરી શકાય છે; કારણ કે તે નાઇટ્રોજન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને પોટૅશિયમ સારા પ્રમાણમાં ધરાવે છે. આ જમીનની સુધારણા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
બીજ વમનકારી (emetic) અને મૂર્છાકારી (narcotic) હોય છે. તેમનો ઉપયોગ અતિસાર (diarrhoea) અને મરડામાં થાય છે; પરંતુ તે વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ઝેરી હોય છે. બીજમાંથી પીળાશ પડતું બદામી તેલ (22-37 %) પ્રાપ્ત થાય છે. તેને ‘દારૂડી’(Agremone)નું તેલ કહે છે. તેની ભૌતિક–રસાયણિક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ.ગુ.15° 0.9220-0.9247, વક્રી-ભવનાંક () 1.4660 – 1.4685, સાબૂકરણ–આંક (sap.val) 190-93; આયોડિન-આંક (iod val.) 119-28; ઍસિડ આંક (acid val.) 2.0-22.0, થાયૉસાયોજન આંક 77.7, હાઇડ્રૉક્સિલ–આંક 6.3-40.0, અને અસાબુનીકૃત દ્રવ્ય 1.1-1.6 %. તેલમાં ફૅટી ઍસિડનું પ્રમાણ મિરિસ્ટિક 1 %, પામિટિક 12 %, સ્ટીઅરિક 5 %, એરેચિડિક 1 %, ઑલિક 23 %, અને લિનોલિક 58 % હોય છે. તેમાં લૉરિક, બીહેનિક, લિગ્નોસરિક, હેક્ઝાડીસેનૉઇક અને રિસિનોલીક ઍસિડ પણ હોય છે. વધારામાં બે ફૅટી ઍસિડ, 11-ઑક્સો-ટ્રાઇએકોન્ટેનૉઇક અને 11-હાઇડ્રૉક્સિટ્રાઇએકોન્ટૅનૉઇક પણ પ્રાપ્ત થયા છે. 11-હાઇડ્રૉક્સિટ્રાઇએકોન્ટેનૉઇક ઍસિડ કુદરતી સ્રોતમાંથી પ્રથમ વાર અલગ કરવામાં આવ્યો છે. તેલમાં સેન્ગ્વિનેરિન અને ડાઇહાઇડ્રોસેન્ગ્વિનેરિન નામના બે આલ્કેલૉઇડ હોય છે. તે ગ્રામ-ધનાત્મક અને ગ્રામ-ઋણાત્મક પ્રકારના બૅક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે. તે દીપક (illuminant) અને ઊંજણ (lubricant) તરીકે તથા સાબુ અને ફેક્ટિસ (પ્લાસ્ટિક) તેમજ કલાકારીગરીનાં દ્રવ્યો બનાવવામાં ઉપયોગી છે. તે ઊધઈ સામે રક્ષણ આપે છે. પરિષ્કૃત કરેલા તેલનો અર્ધ-શુષ્ક્ધા (semi-drying) તેલ તરીકે ઉપયોગ થાય છે.
બીજ બાહ્ય ર્દષ્ટિએ રાઈ અને સરસવ સાથે ઘણું સામ્ય ધરાવે છે. તેનાં બીજ અને તેલનો ઉપયોગ રાઈ અને સરસવનાં બીજ તેમજ તેલ સાથે અપમિશ્રિત કરવામાં થાય છે. ભારતના કેટલાક ભાગોમાં આ હેતુ માટે મોટા જથ્થામાં બીજ એકત્રિત કરવામાં આવે છે. દારૂડીનું તેલ ખાવામાં આવે તો ઉચ્ચ તણાવ (high tension) અધિમંથ (glaucoma = આંખના લેન્સની અપારદર્શિતા), જલોદર (dropsy), અતિસાર, ઊલટી અને પાંડુતા (anaemia) થાય છે. તેની વિષાળુતા (toxicity) સેન્ગ્વિનેરિન આલ્કેલૉઇડને આભારી છે. તે કૅન્સરજનક (carcinogenic) પણ છે. તેલની વિષાળુતા અંગે થયેલા અર્વાચીન પ્રયોગો અનુસાર, તેની વિષાળુતા સેન્ગ્વિનેરિન અને 11-ઑક્સો-ટ્રાઇએકોન્ટેનૉઇક ઍસિડની સંયુક્ત અસરને કારણે છે. 11-ઑક્સો-ટ્રાઇએકોન્ટેનૉઇક ઍસિડ સેન્ગ્વિનેરિનની વિષાળુ સક્રિયતાને શક્તિમાન કરતો ઘટક છે.
ખાદ્ય તેલોમાં દારૂડીના તેલનું આકસ્મિક કે યોજના મુજબ અપમિશ્રણ થાય છે. તેથી જલોદર અને અધિમંથનો ફેલાવો થાય છે. દારૂડી ખાતી ગાયોના દૂધનો ઉપયોગ કરતા લોકોમાં અધિમંથ થાય છે. આ છોડનો કે બીજના તેલનો આહાર કે ઔષધ માટે ઉપયોગ કરતાં પહેલાં ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. દારૂડી તેલની પરખ માટે તેલ કે તેના મિશ્રણોમાં સંકેન્દ્રિત નાઇટ્રિક ઍસિડ ઉમેરતાં ગાઢ નારંગી-લાલ રંગ ઉત્પન્ન થાય છે.
દારૂડીના તેલનું નિષ્કર્ષણ દ્રાવક દ્વારા થયું હોય અથવા તેના તેલને 250° સે. તાપમાને 15 મિનિટ માટે ગરમ કર્યું હોય તો તે વિષાળુતા ગુમાવે છે. અલ્પ સાંદ્રતાએ તેનો ઉપયોગ મરડો અને આંતરડાંના રોગો માટે થાય છે. તે મૃદુવિરેચક (aperient) ગુણ ધરાવે છે. તે ત્વચાના રોગો માટે ઉપચાર ગણાય છે.
બીજના ખોળનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. ખોળના રાસાયણિક બંધારણમાં પાણી 9.8 %, તેલ 12.5 %, પ્રોટીન 22.5 %, કાર્બોદિતો 42.7 %, રેસો 5.8 %, અને ભસ્મ 6.6 % હોય છે. ઉપરાંત ખોળમાં રહેલા ઍમિનોઍસિડોમાં (શુષ્કતાને આધારે) હિસ્ટિડિન 0.6 %, લાયસિન 1.5 %, અને ગ્લુટામિક ઍસિડ 6.1 % હોય છે. ખોળનો ગ્લુટામિક ઍસિડના કુદરતી સ્રોત તરીકે ઉપયોગ કરી શકાય છે. ગ્લુટામિક ઍસિડનો મીઠા મસાલામાં સ્વાદ અને સુગંધ માટે તથા નવજાત શિશુઓ અને તરુણોમાં માનસિક ત્રુટીઓ માટેની ચિકિત્સામાં ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાણીઓ જ્યારે આ છોડ ખાય છે ત્યારે તેમને અતિસાર થાય છે અને ઘેન ચઢે છે. તેનો કીટકનાશક તરીકે ઉપયોગ થાય છે. તેની છાલનો નિષ્કર્ષ વિષાણુરોધી (antiviral) ગુણધર્મ ધરાવે છે. તાજાં પર્ણો અને મૂળનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus phogenes ver. aureusની વૃદ્ધિ અવરોધે છે.
છોડનો ક્ષીરરસ ઉપદંશ (syphilis) અને ત્વચાના રોગોમાં વપરાય છે. તે બર્બેરિન (0.74 %) અને પ્રોટોપિન (0.36 %) નામનાં આલ્કેલૉઇડ ધરાવે છે. પ્રોટોપિન દેડકા પર મૂર્છાકારી અસર નિપજાવે છે. તે મૉર્ફિનની જેમ હૃદયાવસાદક (heart–depressant) તરીકે કાર્ય કરે છે. દારૂડીના રસમાં મીંઢળના ફળ ઘસી બનાવેલી લુગદી દાઝ્યા પર લગાવવામાં આવે છે.
સેન્ગ્વિનેરિન, ડાઇહાઇડ્રોસેન્ગ્વિનારિન, પ્રોટોપિન અને બર્બેરિન ઉપરાંત છોડમાં મળી આવેલા અન્ય આલ્કેલૉઇડમાં ચેલેરીથ્રિન, ડાઇહાઇડ્રોચેલેરીથ્રિન, કોપ્ટિસિન, એલોક્રિપ્ટોપિન, નોર્સેન્ગ્વિનેરિન, નોર્ચેલેરિથ્રિન, સાય્પ્ટોપિન, ચેઇલેન્થિફોલિન, – સ્કાઉલેરિન મિથોહાઇડ્રૉક્સાઇડ, – સ્ટાયલોપિન મિથોહાઇડ્રૉક્સાઇડ, – એસિટોનીલ હાઇડ્રોસેન્ગ્વિનેરિન, અને (–)- -ટેટ્રાહાઇડ્રોપામેટિન મિથોહાઇડ્રૉક્સાઇડનો સમાવેશ થાય છે.
આયુર્વેદ અનુસાર આ વનસ્પતિ રેચક, ઠંડી, કડવી તથા સારક છે. તે ચળ, વાતરક્ત (gont), કૃમિ, પિત્ત, કફ, તાવ, મૂત્રકૃચ્છ, પથરી, સોજા દાહ, કોઢ (ત્વચાના રોગો), ઉપદંશ, પત, પરમિયો વગેરે મટાડે છે. તેના બીજમાંથી નીકળતું તેલ ઉપદંશ, રક્તદોષ, કૉલેરા તથા ત્વચાદોષ મટાડે છે. તેલ સખત રેચક છે. બીજ મૃદુરેચક, ઊલટીકર્તા, કફદન, ગરમ તથા દમ અને ફેફસાંનાં દર્દો મટાડે છે.
ભારતમાં દારૂડીની બીજી બે જાતિઓ મળી આવે છે : A. ochroleuca પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં મળી આવે છે. તેનાં પર્ણો ભસ્મ જેવા રંગનાં, પુષ્પો આછાં પીળાં કે સફેદ હોય છે.
A. subfusiformis રાજસ્થાનમાં મળી આવે છે. આછી કાંટાળી જાતિ છે. પર્ણો આછાં લીલાં અને પુષ્પો બંને જાતિઓ કરતાં મોટાં તથા લીબું જેવા પીળા રંગનાં હોય છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ