દામોદરગુપ્ત

March, 2016

દામોદરગુપ્ત : છઠ્ઠી સદીના ઉતરાર્ધમાં થયેલો મગધનો રાજવી. ગુપ્ત સમ્રાટોના શાસન પછી મગધમાં ઉત્તરકાલીન ગુપ્ત રાજાઓએ રાજ્ય કર્યું હતું તેની માહિતી બિહારમાં ગયા પાસેના અફસદમાં આવેલા શિલાલેખમાંથી મળે છે. આ લેખમાંથી આઠ રાજાઓની વિગત મળે છે જેમનાં નામ અનુક્રમે કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત, જીવિતગુપ્ત, કુમારગુપ્ત, દામોદરગુપ્ત, મહાસેનગુપ્ત, માધવગુપ્ત અને આદિત્યસેન છે. આ વંશના રાજાઓ મુખ્ય ગુપ્ત સમ્રાટોના વંશજો હતા કે અલાયદી સ્વતંત્ર શાખા હતી એ વિશે ખાતરીથી કહી શકાતું નથી. તેઓ શરૂઆતમાં ગુપ્ત સમ્રાટોના સામંતો હતા અને પછી સ્વતંત્ર બન્યા હતા. અફસદ અભિલેખમાં એમનો ઉલ્લેખ ‘નૃપ’ તરીકે થયો છે. કયા રાજાએ આ વંશની સ્થાપના કરી એ જાણવા મળતું નથી. પરંતુ અભિલેખમાં જણાવ્યા પ્રમાણે ત્રીજો રાજા જીવિતગુપ્ત તેના લશ્કરને હિમાલય તથા સમુદ્ર સુધી દોરી ગયો હતો. ચોથો રાજા કુમારગુપ્ત ઘણો પરાક્રમી હતો અને એણે મૌખરી વંશના રાજા ઈશાનવર્મનને હરાવ્યો હતો.

કુમારગુપ્ત પછી એનો પુત્ર દામોદરગુપ્ત રાજા બન્યો. તેણે ઈસુની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં મગધમાં રાજ્ય કર્યું હતું. તે ઉદાર અને દાનેશ્વરી હતો. તેણે બ્રાહ્મણોને અગ્રહાર દાનમાં આપ્યા હતા અને તેમની કન્યાઓને આભૂષણો આપી તેમનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. તેના પિતાની માફક તેણે પણ મૌખરી વંશના રાજાને હરાવ્યો હતો, પરંતુ એ રાજા ઈશાનવર્મન હતો કે એનો પુત્ર સર્વવર્મન તે નક્કી થઈ શકતું નથી. દામોદરગુપ્તનો પુત્ર મહાસેનગુપ્ત લશ્કર સાથે બ્રહ્મપુત્રા નદી સુધી આગળ વધ્યો હતો અને એણે કામરૂપ અથવા આસામના રાજા સુસ્થિતવર્મનને હરાવ્યો હતો. એ પછીના આ વંશના રાજાઓએ રાજ્યવિસ્તાર કરી માળવાથી બંગાળ સુધીના પ્રદેશમાં એમની સત્તા મજબૂત રીતે સ્થાપી હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી