દામોદર : બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી ગંગાની ઉપનદી. તેની કુલ લંબાઈ 625 કિમી. તથા જલવહનક્ષેત્ર 20,700 ચોકિમી. છે. તેનું એક ઉદગમસ્થાન બિહારમાં છોટાનાગપુરના મેદાની વિસ્તારમાં આવેલા રાંચીના ઉચ્ચપ્રદેશ પર પાલામાઉ જિલ્લાના તોરી પરગણાના કુરૂ ગામની ઈશાને 16 કિમી. અંતરે છે. સમુદ્રસપાટીથી તેનું આ ઉદગમસ્થાન આશરે 610 મી. ઊંચાઈ પર આવેલું છે. તેનું બીજું ઉદગમસ્થાન તે જ રાજ્યના હજારીબાગ જિલ્લાના બાલુમથ ગામની દક્ષિણે 3 કિમી. પર આવેલું છે. આ બંને ઉદગમસ્થાનથી 20 કિમી.ને અંતરે આ બંને પ્રવાહોનો સંગમ થાય છે. તેના પ્રવાહના શરૂઆતના 42 કિમી. આ નદી ડુંગરાળ પ્રદેશમાંથી વહે છે, ત્યારપછીના 75 કિમી. પૂર્વ તરફના મેદાની વિસ્તારમાંથી વહે છે, ત્યારપછીના 23 કિમી. તે ઈશાન તરફ વહે છે અને છેલ્લે તે ફરી પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે છે. તેના પ્રવાહ દરમિયાન તે બિહાર અને પશ્ચિમ બંગાળના કોલસાક્ષેત્રને આવરી લે છે. ગોમિયા તથા કોનાર નદીઓનો સંયુક્ત પ્રવાહ એને  ગોમિયા તથા બેર્મો વચ્ચે મળે છે. ઉત્તર તરફથી આવતી બારાકાર નામની મોટી અને મહત્વની ઉપનદી દામોદર નદીને રાણીગંજ કોલસાક્ષેત્રના પશ્ચિમ ભાગમાં મળે છે. ત્યાંથી તે અગ્નિદિશા તરફ વળી પશ્ચિમ બંગાળમાં દાખલ થાય છે તથા આ રાજ્યના બે જિલ્લાઓ બરદ્વાન અને હુગલીમાંથી પસાર થઈ કૉલકાતાની નૈર્ઋત્ય દિશામાં આશરે 56 કિમી. અંતરે ફાલ્ટા મુકામે હુગલી નદીને મળે છે. પશ્ચિમ બંગાળમાં આ નદી તેના વિનાશકારી પૂર માટે જાણીતી બની છે. તેમાં અવારનવાર આવતા પૂરને કારણે બરદ્વાન અને હુગલીનાં સપાટ મેદાનોનો પ્રદેશ વારંવાર તારાજીનો ભોગ બન્યો છે. 1770માં તેના પૂરને કારણે બરદ્વાન જિલ્લામાં મોટા પાયા પર વિનાશ સર્જાયો હતો.

દામોદર નદીના પૂર પર નિયંત્રણ મૂકવા માટે તથા તેની ખીણોના પ્રદેશના બહુદેશીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઝાદી પછી 1948માં એક સ્વાયત્ત દામોદર વૅલી કૉર્પોરેશન(DVC)ની સ્થાપના કરવામાં આવી. આ નિગમની સ્થાપના અમેરિકાના ટેનેસી વૅલી ઑૅથૉરિટી(TVA)ના નમૂના પર કરવામાં આવી છે. નિગમને છ પ્રકારનાં કાર્યો સોંપવામાં આવ્યાં છે : (1) દામોદર નદી પર શક્ય હોય ત્યાં બંધ બાંધીને ખેતીને સિંચાઈનું પાણી પૂરું પાડવું, (2) વિદ્યુતશક્તિનાં નિર્માણ/પુરવઠો, (3) પૂરનિયંત્રણનાં પગલાં લેવાં, (4) દામોદર નદી તથા તેની ઉપનદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવો, (5) નદીના પ્રવાહના પ્રદેશમાં જંગલોનું સંવર્ધન કરવું, તથા (6) નદીના પ્રદેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું.

નિગમની સ્થાપનાના મૂળ ખરડામાં નદી પર કુલ સાત બંધ બાંધવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી માત્ર ચાર બંધ તિલૈયા, મૈથૉન, પાનચેટ અને કોનાર પૂરા થયા છે. આ ચારે બંધ બિહાર રાજ્યમાં આવેલા છે. પૂરનિયંત્રણ માટે ખાસ બાંધવામાં આવેલો પાનચેટ બંધ અને તેના પરનું જળવિદ્યુતકેન્દ્ર 1959માં પૂરું કરવામાં આવ્યું હતું. તિલૈયા, મૈથૉન અને પાનચેટ પર જળવિદ્યુતકેન્દ્રો તથા બોકારો, દુર્ગાપુર અને ચંદ્રપુરા ખાતે અણુશક્તિ-વિદ્યુતકેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. આ બધાં વિદ્યુતકેન્દ્રોની સ્થાપિત ઉત્પાદનક્ષમતાની મદદથી માર્ચ, 1992 સુધી 46,863 ગામડાંઓને વીજળી પૂરી પાડવામાં આવી છે તથા 2,64,132 પંપસેટો સક્રિય કરવામાં આવ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે