દહેલવી શાહિદ એહમદ (જ. 26 મે 1906, દિલ્હી; અ. 27 મે 1967, કરાંચી) : ઉર્દૂ લેખક. તેમણે 1925માં ઉર્દૂ વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. સાહિત્યરુચિ અને લેખનશૈલી તેમને વારસાગત હતાં.
શરૂઆતથી જ તેઓ લેખન, સંપાદન અને પ્રકાશનના વ્યવસાયમાં જોડાયા. સાહિત્યકારો અને સમીક્ષકો વચ્ચેની કેટલીક રીતિનીતિથી વ્યથિત બનીને તેમણે તેમની પોતાની પત્રિકા ‘સાકી’ શરૂ કરી. તેમના આ પ્રકાશન દ્વારા ઉર્દૂ સાહિત્યજગતમાં એક નવું પ્રકરણ ઉમેરાયું. તેમના આ સામયિકને બહોળી પ્રસિદ્ધિ મળી.
તેમણે સાકી બુક ડેપોના નામે પ્રકાશનપ્રવૃત્તિઓ વિકસાવી. તેનાં પ્રકાશનોમાં રચનાની પસંદગીનો માપદંડ ખૂબ સૂક્ષ્મ અને ઉચ્ચ કોટિનો હોવાથી વાચકો અને સમીક્ષકોમાં તેને એક નિશ્ચિત સ્થાન પ્રાપ્ત થયું.
ભારતના ભાગલા પડતાં તેમને નાછૂટકે પાકિસ્તાન જવાની ફરજ પડી; એટલું જ નહિ, તેમનો બુક ડેપો અને પ્રેસ વેરવિખેર થઈ ગયાં. ઘણું નુકસાન સહન કર્યા બાદ કરજ કરી નવેસર જમાવટ કરી. 1948માં પાકિસ્તાન રેડિયો-સેવાઓમાં જોડાયા. ત્યાં તેમને લેખન-પ્રસારણની સારી તક મળી. 1959માં પાકિસ્તાન રાઇટર્સ ગિલ્ડની સ્થાપના કરી. તેમાં ‘અદબીફઝા’ સાહિત્યિક વાતાવરણ ઊભું કર્યું.
1959માં તેમને યુનેસ્કોના ઉપક્રમે થાઇલૅન્ડ, ફિલિપાઇન્સ અને જાપાનના સાંસ્કૃતિક પ્રવાસે જવાની તક મળી. તેમણે મૌલિક ગ્રંથો રચ્યા. તે ઉપરાંત 30 જેટલા અનૂદિત ગ્રંથો આપ્યા છે. શુદ્ધ અને પ્રભાવશાળી શૈલી માટે તેઓ જાણીતા હતા. તેમને આજીવન ઉર્દૂસાહિત્યને કરેલા પ્રદાન બદલ 1963માં પ્રેસિડેન્ટ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા