દહેજ (બંદર)

July, 2024

દહેજ (બંદર) : ભરૂચ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું બંદર.

ભૌગોલિક સ્થાન : તે 21 41´ ઉ. અ. અને 72 30´ પૂ. રે. પર આવેલું છે. જે ખંભાતના અખાતની પૂર્વમાં બાનની ખાડી (Ban Creek) પાસે આવેલું છે. આ બંદર કુદરતી બંદર છે. તેની ઊંડાઈ 25 મીટર જેટલી છે. ભારતીય નૌકાદળના જળઆલેખન – 2082માં તેનો ઉલ્લેખ છે. આ બંદરના કિનારે ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ 10.800 મીટર ઊંચાઈનાં મોજાં ઊછળી શકે. એકંદરે ભરતીના મોજાની ઊંચાઈ 8 મીટર જેટલી રહે છે.

આ બંદરની પાસે કોઈ ખડકાળ ભાગ આવ્યો ન હોવાથી કોઈ ‘પાઇલટ વાહન’ (માર્ગદર્શક વાહન)ની જરૂર રહેતી નથી. આ બંદરે જહાજને લાંગરવાનું સ્થાન ગુજરાતના સમુદ્ર ખેડાણ વિભાગ(Gujarat Maritine Bord)ની સૂચના હેઠળ લાંગરવું પડે છે. મોટે ભાગે જૂના દહેજ બંદરના કિનારાથી 3.3 મીટર દૂર દરિયામાં રહેલું છે. જ્યારે જોગેશ્વર બંદરથી ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિ. (IPCL)ના નિર્માણ કરાયેલ ધક્કાથી 6.5 કિમી. દૂર લંગરસ્થાન રહેલું છે.

આ બંદર રસ્તા અને રેલવે દ્વારા તેના પીઠ પ્રદેશ (Hunter Land) સાથે સંકળાયેલું છે. દહેજ રેલવે મથક  ભરૂચથી 64 કિમી. દૂર આવેલું છે. આમ દહેજને રેલવે સાથે સાંકળી લેવામાં આવેલ છે. ભરૂચના બ્રૉડગેજ રેલવેસ્ટેશન દ્વારા ભારતનાં વિવિધ સ્ટેશનો સાથે તેને સાંકળવામાં આવેલ છે. જ્યારે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 ભરૂચ પાસેથી પસાર થાય છે. દહેજથી ભરૂચને જોડતો રાજ્ય ધોરી માર્ગ નં. 48 જે 15 કિમી. લંબાઈ ધરાવે છે. જેને ચારમાર્ગીય બનાવવામાં આવ્યો છે. આમ આ દહેજ વિસ્તાર રેલવે અને ધોરી માર્ગ દ્વારા તેના પીઠપ્રદેશ સાથે સંકળાયેલો છે.

આ બંદરની નજીક આવેલા ગાંધાર ખનીજ તેલક્ષત્રમાં ખનીજતેલ અને કુદરતીવાયુ મળે છે. તેથી આ બંદરનો વિકાસ થયો છે. ગુજરાત સરકારની ઈ. સ. 1995ની બંદરનિર્માણનીતિ અનુસાર દહેજ બંદરનો વિકાસ ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિ. (IPCL), પેટ્રોનેટ એલ.એન.જી. લિ. (PLL)ના સંયુક્ત સાહસ રૂપે કરવામાં આવ્યો છે. દહેજ પાસે લખી ગામ આવેલું છે. ગુજરાત કેમિકલ પૉર્ટ ટર્મિનલ લિ. (GCPTL) તરીકે ઓળખાતું આ બંદર ભારતના ઔદ્યોગિક દૃષ્ટિએ ઓળખાતા ‘સુવર્ણપટ્ટા’(મુંબઈ- અમદાવાદ)માં આવેલું છે. આ સુવર્ણપટ્ટો એશિયાનો સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઊભરી આવ્યો છે. આ વિસ્તારમાં 200 મોટા અને 3000 જેટલા નવા ઊભા થતા ઉદ્યોગોને કાચા માલ તરીકે રસાયણો કે પેટ્રોલિયમ પેદાશો આયાત કરવી પડે છે. તેથી આ બંદર પર પ્રવાહી, વાયુમય અને ઘન પદાર્થોની હેરફેર કરવા માટેની સગવડો ઊભી કરવામાં આવી છે.

આ બંદરેથી કોલસો, રસાયણો, રૉક ફૉસ્ફેટ, યુરિયા, LNGની આયાત થાય છે. આ બંદરેથી દર વર્ષે 175 મિલિયન ટન LNG (પ્રવાહી કુદરતી વાયુ)નો વ્યવહાર થાય છે.

દહેજ અને ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવા ઈ. સ. 2012માં શિલારોપણ કરવામાં આવ્યું હતું, જેને પરિણામે દહેજ અને ઘોઘા વચ્ચે 360 કિમી. સડકમાર્ગની સામે ફક્ત 31 કિમી. દરિયાઈ માર્ગનું અંતર થશે. રો-રો ફેરી સર્વિસ એ દક્ષિણ એશિયાનો આ પ્રકારનો સૌપ્રથમ પ્રકલ્પ છે. આ પ્રકલ્પ ‘roll-off’ ફેરી સર્વિસ તરીકે ઓળખાશે.

નીતિન કોઠારી