દહન (combustion) : વાયુમય, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં હોય એવા કોઈ પણ પદાર્થની બળવાની ક્રિયા. દહન દરમિયાન દહનશીલ પદાર્થ-(ઇંધન)નું ઉપચયન થાય છે અને ઉષ્મા તથા કોઈ વાર પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. આ ઉપચયનકારક પદાર્થ ઑક્સિજન જ હોય તે આવશ્યક નથી; ઑક્સિજન કોઈ રાસાયણિક સંયોજનનો એક ભાગ હોઈ શકે (દા. ત., HNO3; NH4ClO4 એમોનિયમ પરક્લોરેટ), જે દહનશીલ પદાર્થને શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ દ્વારા બાળી શકે. વળી ઉપચયનકારક પદાર્થમાં ઑક્સિજન ન હોય તેમ પણ બની શકે; દા. ત., ફ્લોરિન આવું તત્વ છે, જે દહનશીલ હાઇડ્રોજન સાથે સંયોજાઈને પ્રકાશ અને ઉષ્મા નિપજાવે છે. એક રાસાયણિક પદાર્થ વિઘટન-પ્રક્રિયા દ્વારા પણ ઉષ્મા તથા પ્રકાશ નિપજાવીને, દહન પામી શકે. ઍસેટિલીન, ઓઝોન અને હાઇડ્રોજન પૅરૉક્સાઇડ આ પ્રકારનાં ઉદાહરણો છે. તેઓનું વિઘટન થતાં ઍસેટિલીનમાંથી કાર્બન તથા હાઇડ્રોજન, ઓઝોનમાંથી ઑક્સિજન તથા હાઇડ્રોજન પૅરૉક્સાઇડમાંથી પાણી તથા ઑક્સિજન અનુક્રમે મળે છે. કોલસા કે લાકડા જેવા ઘન પદાર્થોનું દહન તબક્કાવાર થતું હોય છે. પ્રથમ, ઘનમાંથી બાષ્પશીલ પદાર્થો ઉષ્મીય વિઘટન દ્વારા નીકળીને હવામાં બળે છે. સામાન્ય દહન-તાપમાને ગરમ ઘન અવશેષના બળવાનો આધાર તેને હવામાંથી ઑક્સિજન કેટલા દરે મળે છે તથા તેની સપાટીમાં વિસરણ (diffusion) પામે છે તેના ઉપર હોય છે. જો ઉષ્માના વિકિરણન(radiation)ને લીધે અવશેષ ઠંડો પડી જાય તો દહન અટકી જાય છે. પ્રવાહી ઇંધનો પ્રવાહી તરીકે ન બળતાં તેમની સપાટી ઉપર ઉત્પન્ન થતી બાષ્પ રૂપે બળે છે. આને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા વધુ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરે છે. હવામાંના ઑક્સિજન સાથે સંયોજાઈને આ બાષ્પ બળે છે.
જ્યારે કેટલાક પદાર્થોનો મોટા જથ્થામાં સંગ્રહ કરવામાં આવે છે ત્યારે ઘણી વાર સ્વયંભૂ (spontanence) દહન થતું જોવા મળે છે. આમાં ઘણી વાર સૂક્ષ્મજીવાણુઓ દ્વારા થતી ઉપચયનકારી ક્રિયાને કારણે શરૂઆતની ઉષ્મા ઉત્પન્ન થાય છે. તાપમાન વધતાં પદાર્થમાં રહેલી હવા ઉપચયન ક્રિયાને આગળ ધપાવી વધુ ગરમી ઉત્પન્ન કરે છે. આ ગરમીનું વિસર્જન થતું ન હોવાથી તાપમાન પ્રજ્વલનબિંદુએ પહોંચી જ્વાળા ઉત્પન્ન કરે છે. કોલસાના ઢગલામાં આવું સ્વયંભૂ દહન ઉદભવી શકે છે. આથી કોલસાને છીછરી થપ્પીઓ(piles)માં સંઘરવામાં આવે છે કે જેથી ઉત્પન્ન થતી ગરમી વિખેરાઈ જાય.
સ્પેક્ટ્રમિકીમાં દહનની ક્રિયાનો ઉપયોગ થાય છે.
જગદીશ જ. ત્રિવેદી