દસ્તાવેજ-પરીક્ષણ
અગત્યની માહિતી લખેલ કે મુદ્રિત કરેલ પત્ર, ધાતુની તકતી કે શિલાલેખની વૈજ્ઞાનિક તપાસ.
ભારતીય પુરાવા કાયદા 1872ની કલમ 3 પ્રમાણે અક્ષરો, લખાણ, આકૃતિઓ અથવા ચિહનો કે તેમાંનાં એકથી વધારે સાધનો દ્વારા કોઈ પણ પદાર્થ ઉપર કોઈ બાબત દર્શાવી કે વર્ણવી હોય અને તેનો હેતુ પુરાવા તરીકે ઉપયોગમાં લેવાનો હોય અથવા તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવે તે દસ્તાવેજ.
કાયદા પ્રમાણે દસ્તાવેજમાં શાહી, પેન્સિલ કે અન્ય કોઈ પણ સાધનથી કાગળ ઉપરના લખાણ, શિલાલેખ કે ધાતુની તકતી ઉપર લખેલ કે કોતરેલ નામ કે લખાણ હોય છે. અન્ય વસ્તુ ઉપરના લખાણ તેમજ ટાઇપ, મુદ્રિત અને સાઇક્લોસ્ટાઇલ કરેલ લખાણ, ફોટોગ્રાફ, નકશા, ચિત્રો, આકૃતિઓ વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે.
તકરારી (disputed), વિવાદી (contested) કે પ્રશ્નાર્થરૂપ (questioned) દસ્તાવેજ (document) : વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજોનો જ્યારે સંબંધિત વ્યક્તિઓ દ્વારા અરસપરસ સ્વીકાર કરવામાં આવે, એટલે કે તે દસ્તાવેજો કે તેના કોઈ ભાગ અંગે કોઈ વાંધા, તકરાર કે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોય ત્યારે તે દસ્તાવેજો સામાન્ય દસ્તાવેજો ગણાય છે. મોટે ભાગે તેના વૈજ્ઞાનિક પરીક્ષણની કોઈ જરૂરિયાત રહેતી નથી; પરંતુ જ્યારે વ્યક્તિઓ દ્વારા કોઈ દસ્તાવેજ કે તેના કોઈ ભાગની સત્યતા, અધિકૃતતા કે તે ખરો હોવા અંગે શંકા દર્શાવવામાં આવે કે તેનો સ્વીકાર કરવામાં ન આવે અથવા તે અંગે વાંધા, તકરાર કે પ્રશ્નો ઉઠાવવામાં આવે ત્યારે તેવા દસ્તાવેજ તકરારી, વિવાદી કે પ્રશ્ર્નાર્થ દસ્તાવેજ તરીકે ઓળખાય છે. તેવા દસ્તાવેજ કે તેના ભાગનું વિવાદી બાબતો અન્વયે, વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાનું જરૂરી બને છે. તેવા દસ્તાવેજો પરીક્ષણ માટે દસ્તાવેજ-પરીક્ષકને મોકલવામાં આવે છે અને તેઓ તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરી પોતાનો પરીક્ષણ-અહેવાલ લેખિત સ્વરૂપે આપે છે; અને તે અહેવાલ ન્યાયાલયમાં સાક્ષી-પુરાવા તરીકે રજૂ થાય છે.
દસ્તાવેજમાં ઉઠાવવામાં આવતા વાંધાઓમાંથી કેટલાક મહત્વના નીચે પ્રમાણે છે :
(ક) દસ્તાવેજમાં સહી અથવા અંગૂઠાની છાપ ખરી હોવા અંગેના વાંધા, (ખ) દસ્તાવેજમાં પોતાની સહીનો સ્વીકાર પરંતુ તેમાંનું લખાણ પોતાનું ન હોવા અંગે વાંધો, (ગ) દસ્તાવેજનાં કોઈ લખાણમાં સુધારાવધારા કે ફેરફાર કરવામાં આવ્યાની રજૂઆત રૂપે વાંધા, (ઘ) દસ્તાવેજની નકલ કે કાર્બન પ્રત ખરી નથી તેવો વાંધો, (ઙ) દસ્તાવેજના અમલીકરણની તારીખ અંગે વાંધો, (ચ) ટાઇપ-લખાણ અને મુદ્રિત લખાણની ખરાઈ અંગેના વાંધા.
દસ્તાવેજ–પરીક્ષક (document examiner) : દસ્તાવેજ-પરીક્ષકે મહદ્અંશે ‘હસ્તાક્ષર’નું પરીક્ષણ કરવાનું રહે છે. કાયદામાં આપવામાં આવેલ નિષ્ણાત(expert)ની વ્યાખ્યામાં તેમનો સમાવેશ થાય છે.
હસ્તાક્ષરની વ્યાખ્યા : વ્યાપક અર્થમાં હસ્તાક્ષર એટલે બે કે તેથી વધારે વ્યક્તિઓ કે વ્યક્તિઓના સમૂહે અથવા ગામ, શહેર કે દેશના પ્રજાજનોએ કોઈ વિશિષ્ટ હકીકત, જાણકારી કે જ્ઞાન અંગે પોતાના વિચારોની એકબીજાને આપલે માટે અથવા એકબીજાને સંદેશા મોકલવા માટે સ્વીકારેલ કેટલીક ર્દશ્ય નિશાનીઓ કે ચિહનો.
નિષ્ણાત (expert) : ભારતીય પુરાવા કાયદા–1872ની કલમ 45 મુજબ જ્યારે અદાલતને પરદેશના કાયદા, વિજ્ઞાન કે કલા અથવા હસ્તાક્ષર કે આંગળાંની છાપ વિશે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે એ મુદ્દા ઉપરના એ પ્રકારના પરદેશના કાયદા વિજ્ઞાન કે કલા, હસ્તાક્ષર કે આંગળાંની છાપોને સમજવા કે ઉકેલવાની બાબતમાં વિશિષ્ટ કુશળતા ધરાવતી વ્યક્તિઓના અભિપ્રાય સંગત હકીકત ગણાય. આવી વ્યક્તિઓને નિષ્ણાત કહેવામાં આવે છે.
અગાઉ મોટા ભાગના દસ્તાવેજો હાથે લખીને તૈયાર કરાતા. આજે ઘણા દસ્તાવેજો ટાઇપ થયેલ હોય છે પરંતુ તેમાં હસ્તાક્ષરથી જ સહી કરેલ હોય છે. તકરારી દસ્તાવેજોની બાબતમાં મોટે ભાગે લખાણમાં સુધારા-વધારા કે ફેરફાર, છેકછાક, ઘૂંટી નાખેલ લખાણ કે બનાવટી સહી વગેરે જેવા પ્રશ્ર્નો ઊભા થતા હોય છે, જે હસ્તાક્ષરને લગતા હોઈ દસ્તાવેજનું પરીક્ષણ હસ્તાક્ષરની નિષ્ણાત વ્યક્તિઓ કરે છે. તેથી હસ્તાક્ષર નિષ્ણાત એ દસ્તાવેજ–પરીક્ષક તરીકે ઓળખાય છે.
પરીક્ષણમાં ભાષાનું પ્રભુત્વ : જુદા જુદા દેશોમાં દસ્તાવેજો જે તે દેશની ભાષાઓમાં લખાયેલ હોઈ શકે. પરંતુ ઘણા દેશોમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટે ભાગે અંગ્રેજી ભાષાનો ઉપયોગ વિશેષ થાય છે. હસ્તાક્ષર-પરીક્ષણની શરૂઆત અને તેનો વિકાસ અંગ્રેજી ભાષામાં વિશેષ છે તેમજ હસ્તાક્ષર-પરીક્ષણ માટેના સિદ્ધાંતો પશ્ચિમના નિષ્ણાતોએ અંગ્રેજી ભાષા માટે સ્થાપ્યા છે. જોકે એ સિદ્ધાંતો બીજી બધી ભાષાઓ માટે પણ ઓછાવત્તા પ્રમાણમાં ઉપયોગી બન્યા છે. તેમ છતાં જે તે દેશના નિષ્ણાતો ત્યાંની પ્રચલિત ભાષાની વિશિષ્ટ લાક્ષણિકતા કે ખાસિયતોને ધ્યાનમાં લઈને તે ભાષા માટે ઘણી બાબતોમાં પોતાનાં આગવાં તારણો અને સ્વતંત્ર અવલોકનો ઉપરથી જરૂરી સિદ્ધાંતો વખતોવખત બાંધે છે.
ટાઇપ–લખાણ : માર્ચ 1996માં ભારતની સર્વોચ્ચ અદાલતની બહુમતી જજોની પીઠિકાએ ટાઇપ-લખાણ ઉપરના હસ્તાક્ષર-નિષ્ણાતના અભિપ્રાયને ગ્રાહ્ય રાખેલ છે. આ ચુકાદાએ હસ્તાક્ષર-નિષ્ણાતના કાર્ય અંગે એક નવું ક્ષેત્ર ખોલ્યું છે.
દસ્તાવેજ–પરીક્ષણની તાલીમ : દસ્તાવેજ-પરીક્ષણના વિષય ઉપર અભ્યાસ કે તાલીમ માટે ભારતમાં યુનિવર્સિટી કક્ષાએ કોઈ સુવિધા નથી. ભારતના ગૃહ-મંત્રાલયને લગતી બાબતો અંગેના ખાતા હેઠળ નવી દિલ્હી ખાતે આવેલ ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ક્રિમિનૉલૉજી ઍન્ડ ફોરેન્સિક સાયન્સ’ સંસ્થામાં રાજ્ય કે કેન્દ્ર-સરકારના હસ્તાક્ષર-વિભાગમાં નવા જોડાનાર કે નોકરી કરતા કર્મચારીઓ/અધિકારીઓને દસ્તાવેજ-પરીક્ષણની તાલીમ આપવાની સુવિધા છે. હકીકતમાં તો દસ્તાવેજ-પરીક્ષણ એ મુખ્યત્વે પ્રાયોગિક વિષય છે, જેનું જ્ઞાન પુસ્તક દ્વારા નહિ પરંતુ પ્રયોગોથી કાગળ અને લખવાના સાધન વડે સારી રીતે મેળવી શકાય છે.
દસ્તાવેજ-પરીક્ષણનો વ્યવસાય વિશિષ્ટ જ્ઞાન અને જાણકારી માંગી લે છે. દસ્તાવેજ-પરીક્ષકે હસ્તાક્ષર-પરીક્ષણ ઉપરાંત ચેક કે કીમતી દસ્તાવેજોની સલામતીની પદ્ધતિઓ, નકલો કરવાનાં યંત્રો, મુદ્રણ-પ્રક્રિયા અને તેનાં યંત્રો, કાગળ અને શાહીના પ્રકાર તથા તેની ઉત્પાદનપ્રક્રિયા, ટાઇપરાઇટરની યાંત્રિક કામગીરી, દેશમાં પ્રવર્તતા દસ્તાવેજને લગતા કાયદાઓ, દસ્તાવેજને લગતા મુકદ્દમાઓમાં ન્યાયાલયની કામગીરી અને ન્યાયાલયોએ આપેલ ચુકાદાઓ વગેરે સઘળી હકીકતોથી માહિતગાર રહેવું પડે છે.
દસ્તાવેજનું મહત્વ : દસ્તાવેજ માનવજીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આજે વ્યક્તિનું જીવન જન્મ-પ્રમાણપત્રથી શરૂ થાય છે અને મૃત્યુ-પ્રમાણપત્રથી તે સમાપ્ત થાય છે. વચ્ચેના સમગ્ર જીવનકાળ દરમિયાન રસી મુકાવવાનાં, માંદગીનાં, તબીબી, તેમજ શિક્ષણનાં પ્રમાણપત્રો, નોકરી માટેની અરજી અને તે અંગેના હુકમો, લગ્ન, કરાર, બૅંકવ્યવહારમાં રસીદબુક, ચેક, ડ્રાફ્ટ, ચલણી નોટો, વીમાની પૉલિસી, વ્યાપારી કે ભાગીદારીના કરાર, ખરીદ-વેચાણનાં બિલો, ભાડાચિઠ્ઠી કે પહોંચો, મકાન કે જમીનનાં બાનાખત અથવા દસ્તાવેજ, મ્યુનિસિપલ કે સરકારી કરવેરાનાં પત્રકો, વીજળી ને ટેલિફોનનાં બિલ વગેરે વ્યક્તિના જીવનમાં જુદા જુદા સમયે ભાગ ભજવતા દસ્તાવેજનાં વિવિધ સ્વરૂપો છે. દસ્તાવેજોનો બહોળો ઉપયોગ એ આજે સામાજિક વિકાસની પારાશીશી ગણાય છે. આમ માનવીનું જીવન દસ્તાવેજ સાથે વણાઈ ગયેલ છે.
દસ્તાવેજ–પરીક્ષણ : પૂર્વ–ભૂમિકા : દસ્તાવેજનું પરીક્ષણ પણ પ્રાચીન સમયથી થતું આવ્યું છે. પરંતુ તેના પદ્ધતિસરના વિકાસની શરૂઆત 1850 પછી થઈ છે. અગાઉ યુરોપમાં કોઈ લખાણ સરખાવવાની જરૂર જણાય ત્યારે તે માટે રોમન કાયદા હેઠળ ન્યાયાધીશોને સત્તા આપવામાં આવેલ હતી અને તકરારી દસ્તાવેજોના કિસ્સામાં ખાસ કુશળતા ધરાવતી વ્યક્તિને ન્યાયાલયમાં પુરાવા આપવાની મંજૂરી આપવામાં આવતી હતી. ઇંગ્લૅન્ડ 1683 સુધી નિષ્ણાતની જુબાનીની પદ્ધતિથી અજ્ઞાત હતું. ઇંગ્લૅન્ડમાં તકરારી લખાણ લખતી વ્યક્તિને જે વ્યક્તિએ નજરે જોયેલ હોય તેમની જ જુબાની ગ્રાહ્ય રાખવામાં આવતી હતી. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે 1854માં ફક્ત દીવાની પ્રકારના મુકદ્દમાઓમાં હસ્તાક્ષરની સરખામણી માટે ‘કૉમન લૉ પ્રોસિજર ઍક્ટ’ ઘડ્યો હતો. તે કાયદાથી તકરારી દસ્તાવેજોના કિસ્સામાં ન્યાયાધીશોને સંતોષ થાય તે રીતે સાક્ષી દ્વારા બીજા લખાણ સાથે સરખામણી કરવાની મંજૂરી આપવામાં આવેલ હતી.
પુરાણકાળમાં ભારતમાં કોઈ લખાણ(દસ્તાવેજ)ની ખરાઈ કરવા માટે યાજ્ઞવલ્ક્ય અને નારદે નિયમો બનાવ્યા હતા. દસ્તાવેજની ખરાઈ કરવાના કિસ્સામાં આજે પણ નિયમો અસ્તિત્વમાં છે. ભારતીય પુરાવા કાયદા 1872ની કલમ 73થી તકરારી લખાણની નમૂનાના લખાણ સાથે સરખામણી કરવા માટે ન્યાયાલયોને સત્તા આપવામાં આવેલ છે અને કલમ 45 અન્વયે વિશિષ્ટ કુશળતા ધરાવતી વ્યક્તિઓના પુરાવાને ન્યાયાલયમાં માન્ય રાખવામાં આવે છે.
દસ્તાવેજ–પરીક્ષણનો વિકાસ : દસ્તાવેજ-પરીક્ષણના પદ્ધતિસરના વિકાસની શરૂઆત 1850થી થવા છતાં વીસમી સદીની શરૂઆતના સમય સુધી તે માટે અપનાવવામાં આવતી પરીક્ષણની પદ્ધતિઓ અપૂર્ણ હતી. અમેરિકાના આલ્બર્ટ એસ. ઑસ્બોર્ને વીસમી સદીની શરૂઆતમાં દસ્તાવેજ-પરીક્ષણ માટેના મૂળભૂત સિદ્ધાંતો વિકસાવ્યા, જેનો તેમણે તેમના પુસ્તક ‘કવેશ્ચન્ડ ડૉક્યુમેન્ટ્સ–1910’માં સમાવેશ કર્યો છે. આ સમય દરમિયાન વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ઝડપી વિકાસ સાથે ભૌતિક અને રાસાયણિક પૃથક્કરણ(પરીક્ષણ)ની પદ્ધતિઓનો વિકાસ થયો અને તેને કારણે દસ્તાવેજ-પરીક્ષણની અગાઉની ચાલુ રીતોમાં પણ ઘણી પ્રગતિ થઈ.
આજે વિશિષ્ટ પ્રકારનાં જુદાં જુદાં અદ્યતન સૂક્ષ્મદર્શક યંત્રો (microscopes), પારજાંબલી (ultraviolet), અવરક્ત (infra-red) અને શ્વેત (white) પ્રકાશની પૃષ્ઠસર્પી આપતન પ્રકાશ (oblique incident light) તથા સીધા (direct) પ્રકાશ સાથેની બધા પ્રકારની વિશિષ્ટ ફોટોગ્રાફીની રીતો, ક્રોમેટોગ્રાફી પદ્ધતિઓ જેવી કે થિન લેયર ક્રોમેટોગ્રાફી, ગૅસલિક્વિડ ક્રોમેટોગ્રાફી, હાઈપર્ફૉર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી તેમજ ઇલેક્ટ્રૉફોરેસિસ, સ્કૅનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રૉસ્કોપી વગેરેને કારણે દસ્તાવેજ-પરીક્ષણ એક વિશિષ્ટ વૈજ્ઞાનિક પૃથક્કરણકાર્ય બન્યું છે અને તેણે આજે અલગ શાખા તરીકે સ્થાન મેળવ્યું છે. આજના દસ્તાવેજ-પરીક્ષકનું કાર્ય અગાઉના દસ્તાવેજ-પરીક્ષકના કાર્યથી તદ્દન જુદું પડે છે. અગાઉના દસ્તાવેજ-પરીક્ષક ફક્ત હસ્તાક્ષરનું જ પરીક્ષણ કરતા જ્યારે આજે તેઓ હસ્તાક્ષર ઉપરાંત કાગળ, શાહી, લાખ કે મીણનાં સીલ, રબ્બરના સિક્કાની છાપ, ટાઇપ અને મુદ્રિત લખાણ, રેવન્યૂ સ્ટૅમ્પ, કાર્બન-કાગળમાં લખાણોની પડેલ છાપ, સ્ટૅપલર. તેની પિન અને પિનનાં છિદ્રો – એમ દસ્તાવેજ સંબંધી દરેક વસ્તુનું પૃથક્કરણ કરે છે. દસ્તાવેજ-પરીક્ષકો આજે વૈજ્ઞાનિકનો દરજ્જો ભોગવે છે. દસ્તાવેજ પરીક્ષકના દરજ્જાને ઊંચો લાવવાનું શ્રેય અમેરિકાના આલ્બર્ટ ઑસ્બોર્નને જાય છે. ત્યારપછી આ ક્ષેત્રમાં ઇંગ્લૅન્ડના વિલ્સન હૅરિસનનો ફાળો પણ રહ્યો છે. ભારતમાંથી, અગાઉ ઑસ્બોર્નના વિદ્યાર્થી અને ઘણાં વર્ષો સુધી ભારતમાં કુશળ સરકારી હસ્તાક્ષર-નિષ્ણાત તરીકે સેવા આપનાર, એફ. બ્રુસ્ટર તેમજ હાર્ડલેસ, જેઓએ ઘણાં વર્ષો સુધી ભારતના દસ્તાવેજ-પરીક્ષક તરીકે સેવાઓ આપી હતી, તેઓનું પ્રદાન પણ ઘણું કીમતી ગણાય છે.
પ્રાથમિક પરીક્ષણ : દસ્તાવેજ-પરીક્ષકને પરીક્ષણ માટે તકરારી દસ્તાવેજ મળે ત્યારે પ્રથમ તેઓ દસ્તાવેજનું પ્રાથમિક પરીક્ષણ હાથ ધરે છે. તકરારી દસ્તાવેજોની હેરફેર કરતી વખતે નીચે પ્રમાણેની સાવચેતી લેવાય છે કે જેથી દસ્તાવેજના મૂળભૂત સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહિ :
* દસ્તાવેજમાં વધારાની કોઈ ગડી વાળ્યા વગર, તેની બને તેટલી ઓછી અને શક્ય હોય તો તેને પારદર્શક પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને હેરફેર કરવામાં આવે છે.
* તકરારી દસ્તાવેજમાં વધારાનાં કોઈ લખાણ કે નિશાનીઓ કરવામાં આવતી નથી. જરૂર હોય ત્યાં દસ્તાવેજની ફોટોપ્રતમાં લખાણ કે નિશાનીઓ કરવામાં આવે છે અને દસ્તાવેજને ભેજ, પ્રકાશ વગેરેથી કોઈ નુકસાન ન થાય તે રીતે તેને જાળવવામાં આવે છે.
* દસ્તાવેજ સાથે ક્યારેય ધારવાળા હથિયારથી ચેડાં ન થાય તે જોવામાં આવે છે. દસ્તાવેજનું પરીક્ષણ એ રીતે હાથ ધરવામાં આવે છે કે જેથી તેમાંની કોઈ અગત્યની માહિતી નાશ ન પામે. જો દસ્તાવેજ ઉપર આંગળાંની છાપોનું પરીક્ષણ પણ કરવાનું હોય તો તે આંગળાંની છાપોના નિષ્ણાત દ્વારા પ્રથમ હાથ ધરાય છે અને ત્યારબાદ દસ્તાવેજ-પરીક્ષક તકરારી દસ્તાવેજનું આવર્ધક કાચ (magnifying lens), પારદર્શક ફૂટપટ્ટી તેમજ ત્રિપરિમાણી સૂક્ષ્મદર્શક-(stereomicroscope)નો ઉપયોગ કરી પ્રાથમિક પરીક્ષણ કરે છે. પ્રાથમિક પરીક્ષણમાં નીચેના મુદ્દાઓ ચકાસવામાં આવે છે :
(ક) દસ્તાવેજના કાગળનો પ્રકાર, તેનું માપ, તેમાંનું જળ-ચિહન (water-mark) કે અન્ય છાપ, તે કાપીને સરખો કરેલ છે કે કેમ, તેમાં ગડી હોય તો કેટલી ગડી છે અને તે પડવાનો ક્રમ તેમજ તેમાં કોઈ તાજી ગડી છે કે કેમ અને ગડી વાળ્યા પછી કોઈ લખાણ થયેલ છે કે કેમ, લખાણવાળો કોઈ ભાગ પાતળો થયેલ છે કે કેમ, વગેરે.
જો કાગળ એ–3, એ–4 કે અમુક પ્રમાણિત માપનો ન હોય તો તેમાં તફાવત જેટલો લખાણવાળો ભાગ કાપી પણ નાખ્યો હોય. સૂક્ષ્મદર્શકમાં ગડી પરના તાંતણા તૂટેલ કે વિકૃત જણાય અને તેના ઉપર શાહીથી લખાણ થયેલ હોય તો તેમાં શાહી પ્રસરેલ હોય છે.
(ખ) દસ્તાવેજ એકથી વધારે પાનાંનો હોય તો દરેક પાનાનાં પ્રકાર, રંગ, માપ એકસરખાં છે કે કેમ તે તપાસવાનું હોય છે.
(ગ) દસ્તાવેજ પરબીડિયામાં આવેલ હોય તો તે તેમાં બંધ બેસે છે ? પરબીડિયાને ખોલવા કે બંધ કરવાની રીતનું કોઈ મહત્વ, પરબીડિયું ખોલીને બંધ કર્યાનાં કોઈ ચિહનો, તેમાંની કોઈ વિશિષ્ટ ગંધ તેમજ તેના ઉપરના ટપાલખાતાના સિક્કાની તારીખનું કોઈ મહત્વ, પોસ્ટની ટિકિટ યોગ્ય રીતે રદ કરેલ છે વગેરે જોવું પડે છે.
(ઘ) દસ્તાવેજમાં સહીઓ યોગ્ય ક્રમમાં થયેલ છે ? લખાણ એક જ શાહી અને પેનથી તેમજ લખાણ અને સહીઓ એક જ શાહી અને પેનથી થયેલ છે કે જુદી જુદી ? સહી કે લખાણની નીચે કે આજુબાજુ પેન્સિલ કે કાર્બનના અવશેષો છે ? દસ્તાવેજમાંની કોઈ સહી અન્ય કોઈ સહી કે લખાણને ક્યાંય અડકે છે ? જો હા તો તેનો ક્રમ નક્કી કરવો પડે છે. દસ્તાવેજમાં છેકછાક, સુધારા-વધારા કે ફેરફાર કરેલ છે કે કોઈ લખાણ ઘૂંટેલ છે વગેરે બાબતો તપાસવી પડે છે.
(ઙ) હાથની કે ટાઇપ લખાણની લીટીઓ વચ્ચે કોઈ અસામાન્ય ખાલી જગ્યા છે ? લખાણ એકધારું એક જ હસ્તાક્ષર કે ટાઇપરાઇટરથી થયેલ છે કે કેમ ? હાંસિયા અને લીટીઓ વચ્ચેની જગ્યા એકસરખી છે ? અંતભાગની લીટીઓ વચ્ચેની જગ્યામાં અસામાન્ય વધારો-ઘટાડો જણાય છે ?
(ચ) દસ્તાવેજનો કાગળ કૃત્રિમ રીતે જૂનો કરેલ તો નથી ને ? કાગળ ફાટેલો, ભીનો કે કોઈ રીતે વિકૃત કરેલ હોય તો તેમ કરવાનું શક્ય કારણ તપાસાય છે. લખાણમાં તારીખનું કોઈ મહત્વ, કાગળ ઉપર રંગ, તેલ વગેરેના કોઈ ડાઘા કે પંચિંગ મશીનનાં છિદ્રોની તપાસ, કાગળના આગળ કે પાછળના ભાગે દબાણથી કોઈ લખાણ ઉકેલવાનું જણાય તો તે ઉકેલવાનું હોય છે.
(છ) દસ્તાવેજનું અડધિયું હોય તો અડધિયા પરના લખાણ અને છિદ્રણનું દસ્તાવેજ સાથે ભૌતિક સંધાણ (physical matching) ચકાસવું પડે છે. રેવન્યૂ-ટિકિટ હોય તો તે યોગ્ય રીતે રદ કરેલ છે કે કેમ અથવા તે ટિકિટ અન્ય કોઈ દસ્તાવેજ ઉપરથી ઉખેડીને તો લગાવેલ નથી ને એની ખાતરી કરવાની હોય છે.
(જ) બૉલપેનનું લખાણ હોય તો દસ્તાવેજ 1945 પહેલાંના સમયનો તો નથી ને તે ચકાસવું પડે છે.
વિસ્તૃત પરીક્ષણ : દસ્તાવેજના ગુનાઓમાં મોટે ભાગે લખાણ કે સહી અંગે વિવાદ હોય છે. આથી વિસ્તૃત પરીક્ષણમાં તકરારી દસ્તાવેજમાંના લખાણ કે સહીની શકદાર વ્યક્તિના નમૂનામાં લખાણ અને સહી તેમજ વાંધો ઉઠાવનાર વ્યક્તિનાં લખાણ/સહી સાથે સરખામણી હાથ ધરવાની રહે છે. આ માટે પ્રથમ જરૂરિયાત શકદાર વ્યક્તિના નમૂનાના પ્રમાણિત લખાણ (standard writing) કે સહી મેળવવાની હોય છે. તકરારી લખાણ કે સહી અંગે દસ્તાવેજ-પરીક્ષક દ્વારા આપવામાં આવતા અભિપ્રાય મુખ્યત્વે નમૂનાનાં પ્રમાણિત લખાણ કે સહીની અધિકૃતતા ઉપર આધાર રાખે છે તેથી નમૂનાના પ્રમાણિત લખાણ, શક્ય હોય ત્યાં સુધી, તકરારી લખાણ ધરાવતા કાગળ જેવા જ કાગળ ઉપર અને સરખી જ શાહી અને લખવાના સાધનથી મેળવાય છે. વધુમાં પ્રમાણિત લખાણ કે સહીના નમૂના પૂરતા પ્રમાણમાં લેવામાં આવે છે, જેથી તે નમૂનાના લખાણમાં વ્યક્તિની લખવાની આદત, લખાણની ગુણવત્તા અને તેમાં થતા કુદરતી ફેરફાર(natural variations)ની મર્યાદાનું સાચું ચિત્ર મળી શકે. પરીક્ષક દ્વારા મેળવાતા નમૂનાનાં પ્રમાણિત લખાણ બે પ્રકારનાં હોય છે :
(1) કુદરતી લખાણ (natural writing) અથવા એકત્ર કરેલું લખાણ (collected writing) : કુદરતી લખાણ એ શકદાર વ્યક્તિ દ્વારા તેના સામાન્ય વ્યવસાયના રોજિંદા ક્રમમાં લખાયેલાં લખાણ હોય છે. આ લખાણો તકરારી લખાણની તારીખથી શક્ય એટલા નજીકના સમયનાં હોવાં જોઈએ. તે લખાણ સામાજિક, વ્યાવસાયિક કે અંગત બાબતો અંગેનાં હોઈ શકે. આ નમૂના વધારે મળે તો સરખામણી સારી રીતે થઈ શકે છે. આ લખાણ લખતી વખતે શકદાર જાણતો નથી હોતો કે ભવિષ્યમાં આગળ ઉપર તે લખાણ તકરારી લખાણ સાથે સરખાવવાના કામમાં લેવાશે અને તેથી તે વ્યક્તિની સામાન્ય લખવાની આદતનું ખરું ચિત્ર તેમાં ઊપસતું હોય છે એમ માનવામાં આવે છે. એ જ રીતે શકદારની પ્રમાણિત સહીના નમૂના એકત્ર કરાય છે. સરખામણી માટે કુદરતી લખાણ/સહી મળે તે વધારે યોગ્ય માનવામાં આવે છે.
વ્યક્તિના લખાણહસ્તાક્ષરમાં સમય સાથે થોડા ફેરફાર થાય છે અને ફેરફારનો દર વ્યક્તિ પ્રમાણે બદલાય છે તેમજ વ્યક્તિની ઉંમર, તેની માનસિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક સ્થિતિ, તેનો અભ્યાસ અને તે કેટલા પ્રમાણમાં લખાણ કરે છે તેના ઉપર પણ આધાર રાખે છે. એક અભ્યાસમાં કેટલાક કિસ્સામાં ઉંમરલાયક વ્યક્તિઓનાં લખાણમાં થોડાં વર્ષોમાં ઘણા ફેરફાર જણાયા છે જ્યારે કેટલીક વૃદ્ધ વ્યક્તિઓનાં સમય સાથેનાં લખાણ સ્થિર, અસ્ખલિત અને ધ્રુજારી વગરનાં પણ જણાયાં છે. સામાન્ય રીતે નમૂના માટે પુખ્ત વયની વ્યક્તિના કિસ્સામાં તકરારી લખાણની તારીખથી આશરે 4થી 5 વર્ષ આગળ કે પાછળના સમય દરમિયાનનાં લખાણ સરખામણી માટે યોગ્ય ગણાય છે સિવાય કે તે સમય દરમિયાન વ્યક્તિ કોઈ ગંભીર માંદગી, રોગિષ્ઠ અવસ્થા કે અકસ્માતમાં સપડાયેલ હોય. નમૂના રૂપે મેળવાતાં એ પ્રમાણિત લખાણ શકદારનાં છે તેવું તેણે સ્વીકારેલું હોવું જોઈએ અથવા તેવું અન્ય કોઈ રીતે સાબિત થયેલું હોવું જોઈએ. ન્યાયાલયમાં તે નમૂનાની સ્વીકૃતિ માટે તે જરૂરી ગણાય છે.
(2) વિનંતીથી મેળવેલ પ્રમાણિત લખાણ : આમાં સરખામણી માટે શકદાર વ્યક્તિ પાસેથી વિનંતીથી નમૂનાનાં પ્રમાણિત લખાણ મેળવવામાં આવે છે. આ લખાણ/સહી ફક્ત સરખામણીના હેતુ માટે જ લેવાય છે. વિનંતીથી મેળવેલ નમૂનાનાં લખાણ સાથેની સરખામણીથી અભિપ્રાયમાં ભૂલભરેલ તારણો આવી શકે છે. કારણ કે તેવાં લખાણ આપતી વખતે વ્યક્તિ સચેત બનીને પોતાના સામાન્ય લખાણમાં બનાવટ કરી શકે છે. વળી આ લખાણ આપતી વખતે બેચેની (nervousness), માનસિક તણાવ અને ભય વગેરે પરિબળોની વ્યક્તિના લખાણ ઉપર અસર થાય છે, તેમ છતાં આ લખાણ પરીક્ષણના ઉપયોગમાં આવે છે. જે કિસ્સામાં કુદરતી લખાણ મળી શકે નહિ તે કિસ્સામાં પદ્ધતિસર રીતે પૂરતી વિગત ધરાવતા જરૂરી પ્રમાણમાં ‘વિનંતીથી મેળવેલ લખાણ’ ઉપરથી અભિપ્રાય આપી શકાય છે. શકદારનાં કુદરતી લખાણ મળી શકે ત્યાં પણ વધારામાં તેના ‘વિનંતીથી લખાણ’ના નમૂના લેવાય છે, જેથી તે લખાણમાં જો વ્યક્તિએ બનાવટ કરેલ હોય તો તે ખુલ્લી પાડી શકાય.
વિનંતીથી મેળવવામાં આવતાં લખાણ વ્યક્તિને તે અનુકૂળ અને આરામદાયક સ્થિતિમાં લખી શકે તે રીતે બેસાડીને લેવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી ‘વિનંતીથી લખાણ’ તકરારી દસ્તાવેજના કાગળ જેવા જ કાગળ અને તેના જેવી શાહી અને લખવાના સાધનથી લખાવવામાં આવે છે. આવાં લખાણો કે સહી જુદા જુદા 6થી 10 કાગળ ઉપર અને જુદા જુદા સમયે લેવામાં આવે છે. તકરારી લખાણ શકદારને જોવા દેવામાં આવતું નથી પરંતુ લખાણનું વિષયવસ્તુ તેને શ્રુતિલેખનથી જુદી જુદી ઝડપે લખાવવામાં આવે છે. વધારે ઝડપથી લખાવતાં શકદારને તેની લખવાની સામાન્ય આદતથી દૂર જવાની ઓછી તક મળે છે. ઓછી ઝડપના લખાણમાં બનાવટ પકડી શકાય છે. શ્રુતિલેખન આપતી વખતે શબ્દોની જોડણી (spellings), વિરામચિહનો અથવા ગોઠવણી વિશે કોઈ સૂચના આપવામાં આવતી નથી. જે વ્યક્તિના લખાણ કે સહીની બનાવટ થયાનું જણાવેલ હોય તે વ્યક્તિના લખાણ/સહીના આવા નમૂનાઓ પણ લેવામાં આવે છે. બનાવટના કિસ્સામાં ડાબા અને જમણા એમ બંને હાથનાં લખાણ મેળવાય છે. ‘વિનંતીથી આપેલ’ દરેક લખાણમાં દરેક પાના ઉપર તેની સહી અને તારીખ નંખાવવામાં આવે છે અને નમૂનાના લખાણના પાછળના પાના ઉપર સાક્ષીઓની સહીઓ લેવામાં આવે છે. શ્રુતિલેખન આપ્યા બાદ એવું જણાય કે શકદારને લખાણના વિષયવસ્તુની જાણ હતી અને તેણે અગાઉથી બનાવટ કરવાની સતત તૈયારી કરેલ હતી અને તેથી નમૂનાના લખાણમાં ઘણી જ બનાવટ થયેલ છે તેવા કિસ્સામાં શ્રુતિલેખનમાં લખાણનું વિષયવસ્તુ બદલીને તે બદલેલા લખાણમાં તકરારી લખાણમાંના અક્ષર અને શબ્દોનો પૂરતો સમાવેશ થાય તેવા મિશ્રણવાળું લખાણ તૈયાર કરી તે લખાણ ફરીથી શ્રુતિલેખનથી લખાવવામાં આવે છે. સામાન્ય કિસ્સામાં પણ બનાવટ અટકાવવા આ રીતનું લખાણ આપવામાં આવે છે.
તકરારી લખાણ વર્ણમાલાના મોટા અક્ષરોમાં હોય ત્યાં લખાણના અક્ષરોનો સમાવેશ થાય તેવા શહેર, શેરી કે જાણીતી વ્યક્તિઓનાં નામો વગેરે લખવાનું કહેવામાં આવે છે. સહી અને લખાણની સરખામણી લખાણ સાથે કરવામાં આવે છે. સહી કરવાની એક વખત આદત કેળવ્યા પછી વ્યક્તિની સહીનું માળખું મોટે ભાગે એકસરખું જ જળવાઈ રહે છે. પરંતુ ક્યારેક વૃદ્ધાવસ્થા યા બીમારીથી નમૂનાની જૂની સહી ભુલાઈ ગઈ હોય એવું બને ત્યારે તે વ્યક્તિએ અગાઉ વર્ષો સુધી કરેલ સહીઓ મેળવવી જરૂરી બને છે.
શકદાર વ્યક્તિનાં મેળવાતાં કુદરતી લખાણ એમને એમ સ્વીકારી લેવામાં નથી આવતાં. ઘણી વખત તેમાં બીજી વ્યક્તિનું લખાણ અને શકદારની સહી જ હોઈ શકે. આથી જે પક્ષકારો પાસેથી તે લખાણ વગેરે મળે તેની પાસેથી તે લખાણ શકદાર વ્યક્તિનાં જ છે તેવી અધિકૃતતા મેળવવાની રહે છે. સરખામણી માટે મળતાં પ્રમાણિત લખાણ અને સહીના નમૂનાઓની ન્યાયાલયમાં સ્વીકૃતિ થવી જોઈએ. આથી તે લખાણ કે સહી કોઈએ ઓળખી બતાવવાં જોઈએ, જેથી તે અંગે તેઓ સાક્ષી આપી શકે. જો વ્યક્તિના હસ્તાક્ષર સારા હોય તો આશરે 6થી 10 નમૂના અને હસ્તાક્ષર ખરાબ હોય તો વધારે નમૂનાની જરૂર પડે છે.
મૃત્યુ પામેલી વ્યક્તિની પ્રમાણિત સહી સામાન્ય રીતે તેમનું ખાતું જે બૅન્કમાં હોય ત્યાંથી મળી શકે. વ્યક્તિનાં લખાણ તેણે પાણી, વીજળી, રૅશનકાર્ડ, ગટરજોડાણ, ટેલિફોન અંગેની અરજીઓ, બાળકોના સ્કૂલ પ્રવેશ માટે કરેલી અરજી, નોકરી અંગે કરેલી અરજી કે કોઈ ફરિયાદ કરેલ હોય ત્યાંથી મેળવી શકાય છે.
ઘણી વખત વ્યક્તિ પોતાના લખાણ કે સહી આપવા અનિચ્છા દર્શાવે છે તેવે વખતે તેમને સમજાવવામાં આવે છે કે પોતાનું લખાણ કે સહી આપવાં કે નહિ તે અંગે તેઓને નિર્ણય લેવાની છૂટ છે પરંતુ જો તેઓ લખાણ/સહી આપવા ઇચ્છે નહિ તો તેઓએ લેખિતમાં તેમ લખીને આપવાનું રહે છે. આમ તે વ્યક્તિ અનિચ્છા દર્શાવતું પોતાનું કુદરતી લખાણ આપે છે જેમાં તેની સહી પણ મેળવાય છે, જે પરીક્ષકને ઉપયોગી થઈ પડે છે.
હસ્તાક્ષરનાં વિશિષ્ટ લક્ષણ અને તેની ઓળખ : બાળક નિશાળમાં દાખલ થાય ત્યારથી લખવાની પ્રક્રિયા શરૂ થાય છે અને તે સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલુ જ રહે છે. લખવાનું શીખતી વખતે બધા ચોપડીમાંથી સરખા લખાણની નકલ કરવાનું શીખે છે. વ્યક્તિ ધીરે ધીરે નકલ કરે છે, પરંતુ પછી લખવાની હસ્તગત કરેલ કળાનો લખાણમાં ઉપયોગ કરતી વખતે એટલા ધીમા દરે લખતી નથી અને લખતી વખતે ઓછા અવરોધના નિયમને અનુસરીને લખાણમાં ઝડપ લાવે છે. તેને કારણે અક્ષરો લખવામાં ફેરફાર થઈ જાય છે અને તેમાં લખવાની ઇચ્છા અને હાથની શક્તિના સંકલનથી વ્યક્તિના લખાણમાં તેની વિશિષ્ટ ખાસિયતો ઊતરી આવે છે. લાંબા અને સતત પ્રયત્ન પછી લખવાની પ્રક્રિયા વિકસે છે અને પછી તે ક્રિયા આપમેળે જ થાય છે. શરૂઆતમાં વ્યક્તિ અક્ષરનો નમૂનો મગજમાં રાખી તેને ધ્યાનપૂર્વક કાગળ ઉપર બનાવવા પ્રયત્ન કરે છે અને વારંવારના પ્રયત્ન પછી વિકસિત લખાણ વ્યક્તિના અબોધ મનથી આપમેળે જ લખાય છે, જે વ્યક્તિના મગજનું પરાવર્તિત (reflex) કાર્ય છે. વ્યક્તિની કેટલીક લખવાની આદત લખાણની શૈલી સાથે જોડાયેલ હોય છે અને તે ખાસિયતો દરેક વ્યક્તિની અંગત લાક્ષણિકતા બને છે, જે દરેક વ્યક્તિના લખાણની શૈલીમાં બીજાથી જુદી તરી આવે છે. તેને કારણે વ્યક્તિના લખાણથી પરિચિત લોકો તેમનાં લખાણને બીજાનાં લખાણોથી જુદાં તારવી શકે છે.
લખવાના કાર્યમાં સ્નાયુરચના, જ્ઞાનતંતુની રચના અને મગજનું માર્ગદર્શન એકસાથે કામે લાગે છે. લખવાની શારીરિક ક્રિયામાં અલ્પમાત્રામાં જ ઊર્જા વપરાય છે; પરંતુ આંગળીના સ્નાયુ, હાથનું કાંડું અને પંજાનું નાજુક અને સંવેદિત સમતોલન એટલી સંકલિત રીતે થાય છે કે જેથી સેકન્ડના હજારમા ભાગમાં અને ઇંચના પણ હજારમા ભાગમાં લખતી વખતે કલમની ફરવાની ગતિ એકસરખી રીતે અને સરળતાથી વારંવાર બદલાતી રહે છે. સ્નાયુઓની અરસપરસની ક્રિયાની સાથે જ મગજ તેનું કાર્ય કરે છે. તેમાં લખવાના લખાણના અક્ષરોની છબી મગજમાં ઊપસે છે અને પછી તે અક્ષર બનાવવા માટે મગજ દ્વારા કલમનું જરૂરી નિયંત્રણ કરે છે. મગજનું પ્રથમ કાર્ય સભાન રીતે થાય છે. બીજું કાર્ય પ્રબુદ્ધ રીતે સરખા અક્ષરો લખવાની તાલીમ લેતી વખતે ઘણાના અક્ષરો સરખા જણાતા હોવા છતાં વ્યક્તિ લખવાની કળા હાંસલ કરે અને લખવાનું કાર્ય વધે તેમ વ્યક્તિના લખાણમાં તેની વ્યક્તિગત ખાસિયતો નિશ્ચિત થઈ આપમેળે ઊતરી આવે છે, જે હસ્તાક્ષર-પરીક્ષણ માટે અગત્યની બાબત બને છે અને તેને પરિણામે વ્યક્તિનાં લખાણ અને સહીઓ ચોક્કસપણે ઓળખી શકાય છે.
કુદરતે કોઈ બે વસ્તુ બધી રીતે એકસરખી બનાવેલી નથી. તે રીતે જ લખાણમાં હાથ, આંગળીઓ અને અગ્ર-બાહુની સાપેક્ષ શક્તિ અને કાર્ય, તેના હલનચલન અને બદલાતા સમન્વયકાર્યનો અભ્યાસ હસ્તાક્ષર-પરીક્ષકને વ્યક્તિની વ્યક્તિગત લાક્ષણિકતા શોધી કાઢવામાં ઉપયોગી થાય છે. ટૂંકમાં, કુદરતે જેમ બે વસ્તુ સરખી બનાવી નથી તેમ દરેક વ્યક્તિના લખાણમાં સ્નાયુઓનાં કાર્ય અને તેના સહકારી વર્તનમાં કશુંક ભિન્ન પ્રતીત થયા વગર રહેતું નથી.
અમુક શારીરિક કારણો પણ વ્યક્તિના લખાણ ઉપર અસર કરે છે. મજૂરીકામને લીધે જે વ્યક્તિનાં આંગળાં અને અગ્રબાહુના સ્નાયુઓ સખત થઈ ગયાં હોય અને લખવાની ઓછી કામગીરી કરતાં હોય તેઓ સહેલાઈથી હલનચલન થઈ શકે તેવી લાંબી આંગળીઓ ધરાવતા તેમજ લખવાની વધુ કામગીરી કરતા લોકો જેવું લખાણ લખી શકે નહિ.
સહી અને હસ્તાક્ષરની ઓળખ સઘન અભ્યાસ અને પ્રબુદ્ધ લખાણની આદત, વ્યક્તિગત ખાસિયત, જુદા જુદા અક્ષરોની રચના અને તેની એકબીજા સાથે જોડણીની સરખામણીથી થઈ શકે છે. જો બે લખાણમાં સામાન્ય લખાણની લાક્ષણિકતા અને વ્યક્તિગત ખાસિયત સરખી જણાય તો તે બંને લખાણ એક જ વ્યક્તિએ લખેલ છે તેમ કહી શકાય. લખાણની વ્યક્તિગત લાક્ષણિકતા એ નજરે ન ચડે તેવી અસંભવિત ખાસિયત છે. અને તે લખાણમાં તે જુદી જણાય ત્યારે બંને લખાણ જુદી જુદી વ્યક્તિએ લખ્યાં છે તેમ કહી શકાય.
નજરે ન જણાતી (inconspicuous) લાક્ષણિકતા અંગે ઑસ્બોર્ને વિસ્તૃત વર્ણન આપેલ છે, જેમાં શબ્દોમાં આવતા જુદા જુદા અક્ષરોનાં આકાર, સ્થિતિ, ખૂણા, તેની ઊંચાઈ, શરૂઆત અને અંતના કેટલાક અક્ષરો વગેરે અંગે જણાવેલ છે. વળી તેઓએ કેટલાક અક્ષરોની લંબાઈ, પહોળાઈ, તેમાં ત્રાંસાપણું, રેખાની ઉપરના ભાગમાં જુદાપણું, ગૂંચળા જેવા અક્ષરોની છાયા વગેરેનું નિરૂપણ કર્યું છે. વ્યક્તિના લખાણની ખાસિયત એ કલમ અને આંગળાંની સંરચના અને હાથ અને આંગળાંના સ્નાયુઓના વિકાસનું પરિણામ છે. આ વિશિષ્ટતા ઉપરાંત વ્યક્તિ બીજી કેટલીક આદતો લખાણમાં સમાવે છે. જેમ કે વ્યક્તિ અંગ્રેજીના નાના અક્ષર ‘ડી’ના ગોળ ભાગને વિશિષ્ટ રીતે લખે છે અથવા પહેલી એ-બી-સી-ડીના તે અક્ષરના વળાંકને બીજી કોઈ વિશિષ્ટ રીતે લખે છે અને ત્યારબાદ એ અક્ષરો લખવાની આદત કાયમી થઈ જાય છે અને વ્યક્તિના મગજમાં તે અક્ષરો લખવાની આદત ર્દઢ રીતે બેસી જાય છે, જે પછી એક અનિયંત્રિત કાર્ય બને છે. તેને પછી બદલવાનું મુશ્કેલ થાય છે. જો દસ્તાવેજ-પરીક્ષક પરીક્ષણ કરવાના લખાણની ભાષા જાણતા હોય તો લખનારની વ્યક્તિગત ખાસિયતો શોધવાનું તેમને માટે સહેલું બને છે.
લોકોને એક જ ચોપડીમાંથી નકલ કરીને લખતાં શિખવાડવામાં આવતું હોવા છતાં હૅરિસનના મત પ્રમાણે અક્ષરોની રચનામાં જ લખનારની વ્યક્તિગત લાક્ષણિકતાઓ માટે પુષ્કળ અવકાશ રહે છે.
હસ્તાક્ષર-પરીક્ષણમાં જણાવેલાં તથ્યો તારવી શકાય છે : (1) દરેક પુખ્તવયની વ્યક્તિના હસ્તાક્ષર તેનું અંગત છાપ ધરાવતું લખાણ છે. (2) કોઈ વ્યક્તિ પહેલાં લખ્યા પ્રમાણે ફરીથી તેવું જ એકસરખું લખાણ લખી શકે નહિ. એક જ વ્યક્તિના લખાણમાં કેટલાક કુદરતી ફેરફાર હોવા જોઈએ. એટલે કે વ્યક્તિ બધી જ રીતે એકસરખી બે સહીઓ કરી શકે નહિ. (3) સમય જતાં દરેક વ્યક્તિના લખાણમાં થોડા ફેરફાર થાય છે. પરંતુ મોટે ભાગે તે અતિ ધીમા અને અલગ તારવી ન શકાય તેવા હોય છે. (4) કોઈ વ્યક્તિ જુદા જુદા સમયે લખાણની જુદી શૈલી અપનાવી શકે નહિ અને બે વ્યક્તિઓ એક જ શૈલીથી લખી શકે નહિ. (5) હસ્તાક્ષરમાં લખાણ માટેના માધ્યમની સપાટીનો પ્રકાર લખવાનાં સાધન, લખનારની બેસવાની સ્થિતિ, લખવા માટેનો આધાર, પ્રકાશની સ્થિતિ, બાહ્યસ્થિતિની અસર વગેરે બાહ્ય પરિબળો અસર કરે છે. છતાં એ પ્રસ્થાપિત હકીકત છે કે હસ્તાક્ષર એ ‘મગજનું લખાણ’ છે જે ચેતાતંત્ર દ્વારા હાથના સ્નાયુઓને મોકલાયેલ સંદેશાથી નિયંત્રિત થાય છે.
દરેક વ્યક્તિની લખવાની પદ્ધતિમાં કેટલીક જુદી તરી આવતી ખાસિયતો અવલોકનથી શોધી તેને પ્રમાણભૂત ગણી તેનો ઉપયોગ વિવાદાસ્પદ લખાણની ખરાઈ માટે કરવામાં આવે છે. લખાણની એ ખાસિયતો તે વ્યક્તિના ચેતાતંત્રનો પડઘો પાડે છે અને તે વ્યક્તિની ઇચ્છાથી પણ પર છે.
કેટલીક બાબતો જે વ્યક્તિની અંગત લખાણની આદત પ્રસ્થાપિત કરે છે અને તેમાં લખાણનું હલનચલન, લખાણની કુશળતા, રેખા-ગુણવત્તા, લખાણનો ઝોક, ઝડપ, ધ્રુજારી, વળાંક, અક્ષરો વચ્ચે જગ્યા, જોડણી, અક્ષરોનું માપ અને પ્રમાણ, લય, શૈલી, કલમદાબ, કલમને પકડવું, કલમની સ્થિતિ, લખાણમાં સ્ટ્રોક, છાયા, લખાણનું સંરેખણ, તેની ગોઠવણી વગેરેનો સમાવેશ થાય છે.
આમાં કલમની પકડ એટલે લખતી વખતે કલમ સખત, ઢીલી કે બરોબર પકડેલ હતી તે દર્શાવે છે.
કલમ–દાબ : એ લખવાની ક્રિયામાં આંગળીઓ દ્વારા આપવામાં આવતું દબાણ છે જે હલકું, મધ્યમ, ભારે, એકરૂપ, જુદું જુદું, અવ્યવસ્થિત અથવા સારી રીતે પ્રમાણસર આપવામાં આવ્યું હોઈ શકે.
કલમની સ્થિતિ : એટલે લખવાની સપાટીને કેટલા અંશને ખૂણે લખવાનું સાધન લખતી વખતે રાખવામાં આવેલ તે દર્શાવે છે, જે ચોકસાઈથી નક્કી થઈ શકે છે.
લખાણમાં ઝુકાવ એ ઘણા લોકોના લખાણમાં એક ચોક્કસ આદત દર્શાવે છે.
ઝડપ : એ લખાણ કેટલી ત્વરાથી લખાયું છે તે દર્શાવે છે. ઝડપને અતિશય, મધ્યમ અને ધીમી ઝડપમાં વર્ગીકૃત કરી શકાય છે અને તેને રેખાગુણવત્તાની સાપેક્ષમાં જોવામાં આવે છે.
માપ (size) : એ અક્ષરોની ઊંચાઈ અને પહોળાઈ દર્શાવે છે.
સંરેખણ : તે લખાણ કેટલું સુરેખ લખાયેલ છે તે દર્શાવે છે. લખાણની પાયાની રેખા જ્યારે લખાણ પ્રથમ ઉપર જાય અને અંતે નીચે જાય ત્યારે ચાપ (arc) આકાર દર્શાવે છે. તે અનિયમિત, મોજા જેવું તેમજ અસપાટ હોઈ શકે.
જગ્યા (space) : એ શબ્દોમાં અક્ષરો વચ્ચેની જગ્યા છે.
રેખા–ગુણવત્તા : એ અક્ષર બનાવતી લીટીઓની ગુણવત્તા દર્શાવે છે.
ધ્રુજારી : વ્યક્તિ અશિક્ષિત ન હોવાથી, વ્યક્તિની નબળાઈ કે મોટી ઉંમરને કારણે અને તે બનાવટ કે છેતરપિંડીને કારણે પણ હોઈ શકે. કુદરતી ધ્રુજારી અસ્વૈચ્છિક અને પ્રમાણમાં સરખા ભાગમાં એકસરખી હોય છે.
લખાણમાં હલનચલન : લખવા માટે સ્નાયુઓનું હલનચલન જરૂરી છે. હલનચલનનું ફલક્રમ (fulcrum) એ લખવાની આદતના વર્ગીકરણનો પાયો છે. આ હલનચલનને : (1) આંગળીઓનું હલનચલન, (2) કાંડાનું હલનચલન, (3) અગ્રબાહુનું હલનચલન અને (4) પૂરા બાહુનું હલનચલન – એમ ચાર ભાગમાં વહેંચવામાં આવે છે.
આંગળાંનું હલનચલન : અણઘડ, પરિશ્રમથી લખેલ અકુશળ જણાતું લખાણ એ આવા હલનચલનની મુખ્ય ખાસિયતો છે. લખવાની શરૂઆત કરનાર અથવા વારંવાર લખવાની કામગીરી ન કરતી વ્યક્તિઓનાં લખાણમાં આંગળાંનું હલનચલન જ થાય છે.
કાંડાનું હલનચલન : હલનચલન કાંડાના મૂળમાંથી થાય છે અને આંગળાં ફક્ત કલમને પકડવાનું જ કાર્ય કરે છે. લખવામાં વધારે હલનચલનને અવકાશ હોવાથી આવા લખાણમાં સુઘડતા, લય, રેખાની ગુણવત્તા અને પ્રમાણસર છાયા જોવા મળે છે. મોટા ભાગની વ્યક્તિઓના લખાણમાં આ પ્રકારનું હલનચલન જોવા મળે છે.
અગ્રબાહુનું હલનચલન (forearm movement) : કોણીને ટેબલ ઉપર ટેકવીને તેને હલનચલનના કેન્દ્ર તરીકે રાખી હાથના હલનચલનથી કરાતું લખાણ એ અગ્ર-બાહુનું લખાણ છે. આવું લખાણ સ્નાયુઓનું સારી રીતે સંકલન કરી શકે અને લખવાના સાધનને નિયંત્રિત કરી શકે તેવી વ્યક્તિઓ દ્વારા લખાય છે. આવા લખાણના અક્ષરો સારી રીતે અને વધુ કુશળતાથી લખાયા હોય છે. લખાણમાં ઝડપ હોય છે. લખાણ એકધારું અને સારી ગુણવત્તાવાળું હોય છે.
પૂરા હાથનું હલનચલન : આવાં લખાણ લખતી વખતે હાથ તેના મૂળમાંથી હલનચલન કરે છે. આવા લખાણમાં અક્ષરો મોટા હોય છે અને તે રોજિંદા લખાણમાં જણાતા નથી. મોટે ભાગે તે કલાકારનું લખાણ હોય છે, જેને લખવાની આળસ હોય છે.
આંગળાંના હલનચલનથી લખતા હોય તેઓ તેનાથી વધારે હલનચલન એટલે કે કાંડાના હલનચલનથી, અગ્રબાહુ કે પૂરા બાહુના હલનચલનથી લખવાની આદત કેળવી શકે નહિ. પરંતુ ઉચ્ચ હલનચલનથી લખતી વ્યક્તિ તેની નીચેના હલનચલનથી લખાણ લખી શકે છે. આથી ફક્ત આંગળાંના હલનચલનથી લખતી વ્યક્તિ કાંડા કે હાથના હલનચલનથી લખતી વ્યક્તિનાં લખાણની બનાવટ કરી શકે નહિ.
આમ, સમગ્ર રીતે જોઈએ તો હસ્તાક્ષર-નિષ્ણાત સઘન અભ્યાસ અને પૂરતાં અવલોકનોથી લખાણની વ્યક્તિગત ખાસિયતો, અક્ષરોની બાંધણી અને તેનાં જોડાણ તથા સપાટી, લખાણનાં સાધન અને તે વાપરવાની રીતથી આગળ જણાવ્યા પ્રમાણેના જુદા જુદા ઘટકોના પરીક્ષણ પછી હસ્તાક્ષર અને સહીની ઓળખ કરી શકે છે. બે લખાણ કે સહી એક જ વ્યક્તિનાં છે તેવા તારણ પર આવવા માટે તેમાં ઘણી સરખી લાક્ષણિકતાઓ મળવી જોઈએ અને તે બીજી વ્યક્તિના લખાણની ખાસિયતોથી અલગ હોવી જોઈએ. બે લખાણ જુદી જુદી વ્યક્તિનાં છે તે માટે લખાણમાં એટલું જુદાપણું મળવું જોઈએ. સરખાપણા માટે કેટલી બાબતો સરખી મળવી જોઈએ તે ચોક્કસ નથી, પરંતુ જેટલી વધારે સરખી બાબતો મળે તેમ સરખામણીની ચોક્કસતા વધે છે. જોકે રેખા ગુણવત્તાનું બારીક નિરીક્ષણ એકલું પણ દસ્તાવેજ ખરો નથી તેવી શંકાની માહિતી પૂરી પાડે છે.
ટાઇપ–લખાણ : આજે ટાઇપ-દસ્તાવેજો, સર્વસામાન્ય થઈ પડ્યા છે. ઘણા ઉત્પાદકો પોતાની આગવી પદ્ધતિ પ્રમાણે વિશ્વસનીય અને કાર્યક્ષમ ટાઇપ-યંત્રો બનાવે છે. જુદા જુદા ઉત્પાદકોનાં યંત્રોમાં અક્ષર-આંકડા, તેનાં માપ પ્રમાણે પ્રકાર, ગોઠવણી વગેરેમાં ઓછોવત્તો ફેર હોય છે. એક જ કંપનીનાં યંત્રો પણ જે અક્ષરો વગેરે ધરાવે છે તેમાં પણ કુદરતના નિયમ અન્વયે થોડો ઝાઝો તફાવત રહે છે; કારણ કે વિશ્વમાં કોઈ પણ બે વસ્તુ ક્યારેય સરખી બનાવી શકાતી નથી. વળી એ ટાઇપ-મશીનો ઉપયોગમાં લેવાય છે ત્યારે વપરાશને કારણે અક્ષરોમાં ઘસારો, તૂટ વગેરે ઉત્પન્ન થાય છે તેમજ ટાઇપ-અક્ષરોની આડી અને ઊભી હરોળમાં પણ થોડો ફેરફાર થાય છે. પરિણામે સમાંતર અને લંબ સમરેખમાં ક્ષતિ ઉત્પન્ન થાય છે તેમજ હાંસિયો અનિયમિત બને છે. ક્યારેક બેવડા અક્ષરો ટાઇપ થાય છે. ટાઇપરેખાઓ વચ્ચેની જગ્યા અનિયમિત થાય છે અને તેથી જ્યારે કોઈ ટાઇપ થયેલ લખાણ અમુક ટાઇપરાઇટર ઉપર ટાઇપ થયેલ છે કે કેમ તેવો અભિપ્રાય આપવાનો થાય ત્યારે હસ્તાક્ષર-પરીક્ષક તે અંગે પરીક્ષણ કરીને અહેવાલ આપે છે.
ટાઇપ-લખાણના પરીક્ષણ માટે શંકાસ્પદ ટાઇપરાઇટર ઉપર પ્રશ્નાર્થરૂપ ટાઇપ-લખાણ જેવા જ નમૂનાઓ ટાઇપ કરાવવામાં આવે છે અને શંકાસ્પદ ટાઇપરાઇટર ઉપર ટાઇપ-લખાણની સરખામણી કરવામાં આવે છે.
હસ્તાક્ષર અને ટાઇપ-લખાણોમાં દસ્તાવેજની સપાટી પર અક્ષરોની ચોકસાઈપૂર્વકની માપણીઓ બહુ અગત્યની છે. પરીક્ષણમાં અક્ષરો વગેરે 0.003 સેમી.ની ચોકસાઈથી માપવા જરૂરી બને છે. પરીક્ષણમાં અંકિત કરેલ કાચની પારદર્શક ફૂટપટ્ટી, આવર્ધક કાચ અને ત્રિપરિમાણીય સૂક્ષ્મદર્શક યંત્ર ખાસ ઉપયોગી બને છે. પરીક્ષણ કરવાના દસ્તાવેજોની મોટા માપની છબીઓ બનાવીને સરખામણી કરવામાં આવે છે.
ફોટોગ્રાફી : દસ્તાવેજ-પરીક્ષણમાં ફોટોગ્રાફી નિર્ણાયક અને નિર્દેશન કરી શકાય તેવો કાયમી પુરાવો પૂરો પાડે છે. બજારમાં વિશિષ્ટ પ્રકારની સુવિધાવાળા કૅમેરા ઉપલબ્ધ હોય છે.
કેટલાક દસ્તાવેજોને ત્રાંસા શ્વેત પ્રકાશ, અધોરક્ત કિરણો અને પારજાંબલી પ્રકાશમાં ચકાસી તેના ફોટોગ્રાફ લેવાના રહે છે. દસ્તાવેજની નીચે પ્રકાશસ્રોત મૂકી પારદર્શક પ્રકાશમાં દસ્તાવેજના ફોટોગ્રાફથી દસ્તાવેજના લખાણમાં ભૌતિક રીતે કરવામાં આવેલ છેકછાક વગેરે જોઈ શકાય છે. કાગળ પર દબાણથી ઊઠેલ અક્ષરો દસ્તાવેજનો પૃષ્ઠસર્પી પ્રકાશમાં ફોટોગ્રાફ લેવાથી ઉકેલી શકાય છે. વળી દસ્તાવેજમાંનાં જળચિહનોનો સંસ્પર્શ છાપપદ્ધતિથી ફોટોગ્રાફ મેળવી શકાય છે.
શાહી : શાહીમાં અનેક પ્રકારનાં રંગદ્રવ્યો વપરાય છે; દા. ત., કાર્બન, ગ્રૅફાઇટ, કીલાત (chelate) રંજકો વગેરે. આ દ્રવ્યો પારરક્ત પ્રકાશમાં શાહીની સાપેક્ષ અપારદર્શકતા માટે જવાબદાર હોય છે. સામાન્ય રીતે દસ્તાવેજના પરીક્ષણ માટે ભારતીય શાહી (Indian ink), લૉગવૂડ, આયર્ન ગેલોનેટેડ, ફાઉન્ટન પેન રંજક, જળ-અવરોધક, જલદી સુકાતી બૉલપેન, સ્ટૅમ્પ-પૅડ, નકલ કરવાની શાહી ધરાવતી રિબન અને મુદ્રણ–શાહી મુખ્ય છે. કાગળ ઉપર તેના ઘટકો અને રંગક જુદા હોય છે. આયર્ન ગેલ શાહી મુખ્યત્વે ગૅલેટ અને ટેનેટ સંયોજનો ધરાવે છે. ફૉર્માલ્ડિહાઇડ અને ફિનૉલના સંઘનનની પ્રક્રિયાથી લોહક્ષારવાળી શાહી બનાવવામાં આવે છે.
રંગની આભા (છાયા, shade) અને તીવ્રતા કાર્બનિક પદાર્થમાંના હાઇડ્રોજન–ઑક્સિજનની સંરચના ઉપર આધાર રાખે છે. ફિનૉલ સલ્ફૉનિક ઍસિડ – નીલ જાંબલી અને ગૅલિક ઍસિડ તીવ્ર નીલ કાળો રંગ આપે છે. મુક્ત કાર્બન ધરાવતી શાહી સિવાયની શાહી ઉપચાયક વડે વિરંજિત કરી શકાય છે; પરંતુ થેલોસાયનીનનો તેમાં ઉમેરો કરવાથી કાગળને નષ્ટ કર્યા સિવાય શાહીનું વિરંજન અશક્ય બને છે.
કેટલાય એવા પ્રક્રિયકો છે જેમનો ઉપયોગ સામાન્ય શાહી સાથે રંગ-પ્રક્રિયા માટે કરાય છે; જેમ કે, બ્રોમીન અથવા બ્લીચિંગ પાઉડરનું સંતૃપ્ત દ્રાવણ, સોડિયમ હાઇડ્રૉક્સાઇડનું દ્રાવણ અથવા સ્ટેનસ ક્લોરાઇડ, સોડિયમ બાયસલ્ફાઇટ, પોટૅશિયમ પરમૅંગેનેટ વગેરે. આ પ્રક્રિયકો વાપરીને વર્ણલેખનવિજ્ઞાન(chromatography)થી શાહીને વિભેદિત કરી શકાય છે.
કેટલીક શાહીને જ્યારે પારજાંબલી પ્રકાશમાં રાખવામાં આવે ત્યારે તે ર્દશ્ય-પ્રકાશ-પરિસરમાં સંદીપ્તિશીલ (luminescent) બને છે. કેટલીક શાહી ર્દશ્યપ્રકાશમાં પારરક્ત પરિસરમાં સંદીપ્તિશીલતા બતાવે છે. જુદા જુદા પદાર્થ માટે ઉત્તેજક અને સંદીપ્તિશીલ તરંગલંબાઈ વિશિષ્ટ હોય છે અને તેની ઓળખ મદદરૂપ બને છે. શાહીમાં વપરાતાં કેટલાંક રંગદ્રવ્યો પારજાંબલી પ્રકાશમાં પ્રસ્ફુરણ દર્શાવે છે; પરંતુ તે જ્યારે બીજા રંજક અથવા કાગળ જેવા પ્રસ્ફુરણ ન પામતા પદાર્થ સાથે ચોંટેલા હોય ત્યારે તે પ્રસ્ફુરણ ગુમાવે છે. પ્રસ્ફુરણને થતા આ નુકસાનને પ્રસ્ફુરણ-શમન કહે છે. રંજક દ્રવ્ય જે તે પદાર્થ ઉપરથી દૂર કરવામાં આવે ત્યારે તે ફરીથી પ્રસ્ફુરણ મેળવે છે.
દસ્તાવેજમાં ફેરફાર થયાની શંકા જણાતાં લખાણની શાહી અને મૂળ લખાણની શાહી ઉપર પાણીનું અતિ સૂક્ષ્મ બુંદ મૂકી, 15 સેકન્ડ પછી તે પાણીને ગાળણપત્ર (filter paper) ઉપર રાખી તેનું પહેલાં ત્રિપરિમાણીય સૂક્ષ્મદર્શક યંત્ર વડે અને પછી પ્રમાણમાં લાંબી તરંગલંબાઈના પારજાંબલી પ્રકાશમાં રાખી પરીક્ષણ કરવામાં આવે છે. શાહી બદલી હોય તો બંને શાહીની ભિન્નતા તરી આવે છે. અહીં પ્રસ્ફુરણ-શમનની પદ્ધતિ ઉપયોગી બને છે.
કાગળ : કાગળની બનાવટમાં વપરાતા પદાર્થોમાં સેલ્યુલોઝ એ મુખ્ય કાચો માલ છે. રૂ, લિનન અને નાના છોડવા 60 % કરતાં વધારે સેલ્યુલોઝ ધરાવે છે. કાગળની ગુણવત્તા મુજબ કાચા માલની પ્રક્રિયા કરવામાં આવે છે. રેઝિન, સ્ટાર્ચ અથવા પ્રાણિજ જિલેટિન કાંજી કરવા અને ઍલ્યુમિનિયમ સિલિકેટ, મૅગ્નેશિયમ સિલિકેટ અથવા બેરિયમ સલ્ફેટ પૂરક પદાર્થો (fillers) તરીકે વપરાય છે. અતિ કીમતી દસ્તાવેજ માટે વપરાતો કાગળ મોટે ભાગે સેલ્યુલોઝ તાંતણાઓમાંથી બનાવવામાં આવે છે. તે વધુ મજબૂતાઈ ધરાવે છે. તેમાં પ્રસ્ફુરણ હોતું નથી અને તે ખાસ પ્રકારનાં જળચિહનો (water marks) ધરાવે છે. દસ્તાવેજમાં વપરાતા કાગળના પૃથક્કરણમાં સૂક્ષ્મ પદ્ધતિઓ જરૂરી છે; જેવી કે, વિભેદન ક્રોમેટોગ્રાફી (TLC, GLC, HPLC વગેરે), પારમાણ્વિક શોષણ (atomic absorption), એક્સ-રે ફ્લોરેસન્સ અને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમેટ્રી, વિલેપન (coating) કે કાંજી કરવા અને ચમકદાર સફેદી માટે વપરાતાં કાર્બનિક દ્રવ્યો આ પદ્ધતિથી જાણી શકાય છે. 1953માં લ્યુકેન્સ અને જીને કાગળના પરીક્ષણ માટે ન્યુટ્રૉન સક્રિયન પૃથક્કરણ-પદ્ધતિ દાખલ કરી. પૂરક (filler) ઓળખી કાઢવા માટે એક્સ-રે વિવર્તન પૃથક્કરણ-પદ્ધતિ કામમાં લેવાય છે અને તેમાં સ્ફટિકીય ઘટકોની વિવર્તનભાત ધ્યાનમાં લેવાની હોય છે. 1975માં બર્નાર્ડ અને પારહામે સ્કૅનિંગ ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શક સાથે ઊર્જા પરિક્ષેપક એક્સ-રે પૃથક્કરણ (energy dispersive x-ray analysis) ઉપકરણને જોડી કાગળના ઘટકો ઓળખી કાઢ્યા હતા. પૂરક કણોનો વ્યાસ 0.1થી 0.5 માઇક્રોમીટર જેટલો હોય છે. તેની સ્થળાકૃતિનો અભ્યાસ સ્કૅનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ વડે કરી શકાય છે. ઍડૉલ્ફ હિટલર અને મુસોલિનીની ડાયરી(1945)ના કિસ્સામાં કાગળનું પૃથક્કરણ બહુ ઉપયોગી પુરવાર થયું છે.
લાલજી વિ. કરગથરા