દસ્તાવેજ (1952) : સિંધી સાહિત્યની જાણીતી વાર્તા. લેખક ‘ભારતી’ ઉપનામે લખતા નારાયણ પરિયાણી. 1962માં ‘દસ્તાવેજ’ વાર્તાસંગ્રહમાં તેનો સમાવેશ થયેલો છે.
ભારતના ભાગલા પડ્યા પછી વાર્તાનો નાયક મંધનમલ સિંધમાં જમીન-મકાનો છોડીને ભારતમાં આવીને વસેલો છે. ભારત સરકારે પાછળ મૂકી આવેલી તે મિલકતોનો અમુક ભાગ ચૂકવી આપવા નિર્ણય કર્યો હતો. હિજરતીઓએ તે માટેના દસ્તાવેજી દાવાઓ રજૂ કરવાના હતા.
પુનર્વસવાટ કચેરીમાં તે દસ્તાવેજો રજૂ કરતાં પહેલાં મંધનમલની સ્મૃતિઓ સજીવ થાય છે.
પાછળ મૂકી આવેલ જમીન-મકાનના દસ્તાવેજોમાં એક દસ્તાવેજ રસૂલબક્ષે કરી આપેલો હોય છે. રસૂલબક્ષ ગરીબ ખેતમજૂર હતો. શેઠ મંધનમલ અવારનવાર તેને આર્થિક મદદ કરતા. રસૂલબક્ષનો માસૂમ પુત્ર પણ શેઠની સાથે હળી ગયો હતો. તેની કાલી ભાષામાં શેઠને ગોવાળિયા તરીકે નોકરીએ રાખવા કહેતો અને પછી ગાયો હંકારવાનો અભિનય કરતો. શેઠ તે બાળકને ઈદ કે રમઝાનમાં ભેટ પણ આપતા.
વિભાજનના થોડા સમય પહેલાં રસૂલબક્ષે શેઠ પાસેથી વધુ આર્થિક મદદ માગી હતી. પહેલાંના પૈસા ચૂકતે ન કરવાના કારણે શેઠે પહેલાં તો ઇનકાર કરી દીધો હતો. રસૂલબક્ષ તેમના પગમાં પડી જતાં શેઠે તેને આર્થિક સહાય કરી હતી, પરંતુ કહ્યું હતું કે, ‘પૈસાનો મામલો છે. પહેલાંના પૈસા પણ ચૂકતે નથી કર્યા. દુનિયાદારીમાં મારે પણ વહેવારુ બનવું પડે. દર મહિને બે બે રૂપિયા ભરીને રકમ ચૂકતે થાય ત્યાં સુધી તારું મકાન મારા નામે કરી આપવું પડશે’.
રસૂલબક્ષે ખુલાસો પૂછ્યો – ‘શેઠ, હું રહીશ ક્યાં?’
શેઠે પણ સ્પષ્ટતા કરી હતી કે ‘મકાન તારું છે, તેમાં જ રહેવાનું. મારે ઝૂંટવી લેવું નથી. પણ વગર જામીનગીરીએ તને મદદ કરું તો બીજા વાણિયાઓ મારી ટીકા કરશે. રકમ ચૂકતે થાય ત્યારે દસ્તાવેજ પાછો લઈ જજે.’
વિભાજન પછી એ જ રસૂલબક્ષ શેઠને હૈદરાબાદ સુધી વળાવવા આવ્યો હતો, અને ભાડું પણ લીધું નહોતું. ભાડું લેવાનો ઇનકાર કરતાં તેણે કહ્યું હતું. ‘ના, માલિક, ના, એ તો મારી ફરજ છે. કુરાનમાં પણ કહ્યું છે કે, ‘પાસપાડોશી સાથે ભાઈચારાથી રહેવું જોઈએ; જ્યારે તમે તો મારા માલિક છો. શું તમે લોકો પાછા નહીં આવો?’
દસ્તાવેજ જોતાં શેઠ મંધનમલની સ્મૃતિઓ સંવેદનશીલ બની ઊઠી. ગરીબ રસૂલબક્ષ અને તેનો માસૂમ છોકરો તેમનાં ચક્ષુ સમક્ષ તરવા લાગ્યા. તેમને થયું, ક્લેઈમ ઑફિસમાં આ દસ્તાવેજ રજૂ કરાશે તો ભારત સરકાર તેના આધારે પાકિસ્તાન સરકાર પાસેથી ક્લેઈમ માગશે. પાકિસ્તાન સરકાર રસૂલબક્ષનું મકાન લિલામ કરીને પૈસા વસૂલ કરશે. રહેવા માટે સૌને છત જોઈએ. તે બિચારો ગરીબડો ક્યાં જઈને રહેશે? તેની છત કંઈ છીનવી શકાય નહીં.
શેઠ મંધનમલ રડી પડ્યા. તેમની અશ્રુધારા દસ્તાવેજના લખાણ ઉપર વહેતાં લખાણનું ધોવાણ થઈ ગયું !
જયંત રેલવાણી