દશકુમારચરિત : સંસ્કૃત કથા. કથા કે આખ્યાયિકાના ચુસ્ત માળખામાં ન બંધાતી, ગદ્યકાર દંડીની આ રચના છે. શાસ્ત્રગ્રંથ ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીએ, પ્રો. આપ્ટે નિર્દેશે છે તેમ, ઈ. સ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો હશે. તેમાં માલવ પ્રદેશના રાજવી માનસાર સાથેના યુદ્ધમાં રાજહંસ હારી ગયો. તેની આપન્નસત્વા રાણીને વિંધ્યવનમાં મોકલી દેવાઈ. ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો અને રાજવાહન એવું તેનું નામકરણ કર્યું. ‘દશકુમારચરિત’ના સમગ્ર કથાનકનો સૂત્રધાર આ રાજવાહન છે. રાજા રાજહંસનો એક મંત્રી પ્રહારવર્મા છે. તેના બે પુત્રો અપહારવર્મા અને ઉપહારવર્મા, રાજવાહનના મિત્રો છે. રાજાના અન્ય મંત્રી ધર્મપાલના ત્રણ પુત્રો, મિત્રગુપ્ત, મંત્રગુપ્ત અને અર્થપાલ પણ રાજવાહનના મિત્રો છે. રાજાનો અન્ય મંત્રી પદ્મોદભવ છે. તેના પૌત્રો વિશ્રુત અને પુષ્પોદભવ પણ રાજવાહનના મિત્ર છે. એ જ રીતે, મંત્રી સિતવર્માના પૌત્રો પ્રમતિ અને સોમદત્ત પણ રાજવાહનના મિત્રો છે. આ દશકુમારોની વાર્તા તે દશકુમારચરિત.
દિગ્વિજય માટે નીકળેલા આ રાજકુમારો ક્યાંક રાત્રિરોકાણ કરે છે. મધ્યરાત્રિએ, માતંગ નામના બ્રાહ્મણને સહાય કરવા માટે, કથાનાયક રાજવાહન કોઈને કહ્યા વિના ચાલ્યો જાય છે. ભગવાન શિવની આજ્ઞાથી, પાતાળમાં જતાં, દિવ્યદેહધારી માતંગનું કાલિન્દી સાથે લગ્ન થયું. તેની પાસેથી ભૂખતરસ ન લાગે તેવો મણિ મેળવીને, રાજવાહન પાતાળમાંથી બહાર આવ્યો.
આ દરમિયાન, રાજવાહનને ન જોઈને, મિત્રો તેને શોધવા માટે અલગ અલગ દિશામાં ગયા હતા. ફરતાં ફરતાં તેઓ એક પછી એક રાજવાહનને આવી મળે છે અને દરેક કુમાર, રાજવાહનને પોતાના અનુભવની કથની કહે છે. આ કથનીનું સંકલન તે દશકુમારચરિત.
અત્યારે ઉપલબ્ધ થતી આ દશકુમારચરિતની કૃતિ, પૂર્વપીઠિકા અને ઉત્તરપીઠિકા સાથે મળે છે. પૂર્વપીઠિકાનું કર્તૃત્વ શંકાસ્પદ રહ્યું છે. દશકુમારચરિત એ મૂળ આખી કથાનો એક ભાગ છે. તેમાં આઠ કુમારોની કથા પ્રસ્તુત થઈ છે.
ખૂટતી બે કુમારોની કથા પૂરી કરવા માટે, પૂર્વપીઠિકામાં પ્રયાસ થયો છે. રાજકુમારોના વંશાનુક્રમ અને ઘટનાતત્વમાં તફાવત જોતાં, પૂર્વપીઠિકાનું અન્ય-કર્તૃત્વ મનાય છે.
જીવંત અને વાસ્તવિક પાત્રો દ્વારા, સાહસને અંતે યુક્તિપ્રયુક્તિથી પ્રિયતમા અને રાજ્યને મેળવતા કુમારોની, આ વાર્તાઓની મુખ્ય ઘટના છે.
સમાજના નિમ્ન અને સામાન્ય સ્તરનાં પાત્રો – ચોર, જાદુગર, વેશ્યા, લૂંટારા, દંભી સાધુઓ અને સાધ્વીઓ, લોભી પુરોહિત વગેરેનાં સરસ આલેખન આ કૃતિમાં છે. છળકપટ, હિંસા, ચોરી, ખૂન, જુગાર, દગો, અપહરણ વગેરે બાબતો વર્ણવવામાં આવી છે. વાસ્તવજીવનને નિરૂપવાના ઉદ્દેશથી લખાયેલી આ કથામાં સામાન્ય જનજીવન અને સમાજની ભ્રષ્ટ સ્થિતિનું પ્રતિબિંબ છે.
પદલાલિત્યની અદભુત ફાવટ – એ આ કૃતિની વિશેષતા છે. આ કૃતિમાં કવિનું ભાષાપ્રભુત્વ, વિચારવૈવિધ્ય, રજૂઆતની વિવિધતા, અર્થની સ્પષ્ટતા, ચરિત્રચિત્રણની વિશેષતા, વૈદર્ભી રીતિની સરળતા આદિ સ્પષ્ટ દેખાઈ આવે છે.
ક્યાંક ક્યાંક દેખાતો હાસ્યરસ અને પાત્રોનું હાજરજવાબીપણું પણ સહજ અને સ્વાભાવિક છે.
સંસ્કૃતમાં રચાયેલાં અલ્પસંખ્યક ગદ્યકાવ્યોમાંની આ એક નોંધપાત્ર અને રોચક રચના ગણાય છે.
વાસુદેવ પાઠક