દવે, સુરેશચંદ્ર જમિયતરામ (જ. 31 ઑગસ્ટ 1933, ઉમરેઠ, જિ. આણંદ) : સંસ્કૃત સાહિત્યના વિદ્વાન પ્રાધ્યાપક. સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ પિતામહ પં. જેશંકર મૂળજીભાઈ દવે (ઋગ્વેદી) પાસેથી મળ્યું. 1954માં બી.એ. સંસ્કૃત સાથે પ્રથમ શ્રેણીમાં યુનિવર્સિટીમાં અને 1956માં એમ.એ. 63.5 % સાથે દ્વિતીય શ્રેણીમાં ઉત્તીર્ણ થયા. તે પછી
સાહિત્યાચાર્ય અને શિક્ષાશાસ્ત્રી થયા. સાહિત્યશાસ્ત્ર, પુરાણશાસ્ત્ર અને સંસ્કૃત સાહિત્ય તેમના પ્રિય વિષયો રહ્યા. સ્વામિનારાયણ આર્ટ્સ કૉલેજમાં સાત વર્ષ અને નવગુજરાત કૉલેજમાં ઓગણત્રીસ વર્ષ અધ્યાપક તરીકે સેવાઓ આપી. સંસ્કૃત મહાવિદ્યાલયમાં અનુસ્નાતક છાત્રો માટે અવેતન અધ્યાપન કર્યું. સંસ્કૃતિવિષયક વર્ગોનું આયોજન અને સંચાલન કર્યું. સંશોધનાત્મક અને અન્ય લેખો, જર્નલો, સન્માનગ્રંથો વગેરે લખ્યા. સંસ્કૃત મહાકાવ્ય, નાટક, ગદ્ય, ચંપૂ, રામાયણ, મહાભારત તેમજ પુરાણવિષયક અનેક ગ્રંથોનું સ્વતંત્ર અને મિત્રોના સહયોગમાં સંપાદન કર્યું છે. ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોનો અનુવાદ પણ કર્યો છે. તેમણે ‘सात्विकं शिवम्, ‘नाट्यपज्यामृतम्’, ‘आख्यानाचतुष्टयम्’, ‘आकाशविहार’ વગેરે કૃતિઓ રચી છે. શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદના સક્રિય અગ્રણી (પ્રધાનમંત્રી) રહ્યા છે. શાળા પાઠ્યપુસ્તક મંડળનાં પુસ્તકો તૈયાર કરવામાં વર્ષોથી સક્રિય રસ લઈ રહ્યા છે. આકાશવાણી ઉપરથી વિવિધ કાર્યક્રમોમાં સક્રિય યોગદાન કર્યું છે. ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમીના બે સત્ર દરમિયાન સભ્ય અને પંડિત પસંદગીની સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી છે. તેમણે ઘણાં રેડિયો રૂપકો રજૂ કર્યા છે. હજારથી વધુ સુભાષિતોનો સંગ્રહ પણ કર્યો છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા