દવે, મોહનલાલ પાર્વતીશંકર (જ. 20 એપ્રિલ 1883, સૂરત; અ. 2 ફેબ્રુઆરી 1974, સૂરત) : ગુજરાતી વિવેચક અને નિબંધકાર. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા સારા હોદ્દાની નોકરી પર હોવાથી કુટુંબ આર્થિક ર્દષ્ટિએ સુખી. માતુશ્રી ઇંદિરાગૌરી દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી થતાં. રા. બ. કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે તેમનાં લગ્ન થયેલાં. કેટલોક સમય અમદાવાદની ગુજરાત કૉલેજમાં અને ત્યારપછી મુંબઈમાં અભ્યાસ કરી 1905માં સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને 1907માં એલએલ.બી. થયેલા. ‘બુદ્ધિપ્રકાશ’, ‘વસન્ત’, ‘ગુજરાત શાળાપત્ર’ વગેરે સામયિકોમાં લેખો લખતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે ‘લૅન્ડોરના કાલ્પનિક સંવાદો’ ભાગ 1 (1911) અને ભાગ 2 (1912) વિસ્તૃત ઉપોદઘાત સાથે લખેલા. 1920થી 1936 દરમિયાન સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક રહેલા. 1937થી 1940 સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં સેવાઓ આપેલી. સૂરતની સર્વ સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે રસપૂર્વક સંકળાયેલા રહેતા. સાહિત્ય પરિષદના ભંડોળ માટે ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (1924) – એ મૅક્ડૉનલ્ડના પુસ્તકનો અનુવાદ લેખક પાસેથી નોંધો મેળવીને તૈયાર કરેલો. તે જ રીતે ‘મહાભારતની સમાલોચના’ (1914) એમની અનુવાદપ્રવૃત્તિનું ફલ છે.
એમની વિશિષ્ટતા રસપ્રદ અને હળવી શૈલીમાં લખાયેલા તેમના નિબંધોમાં જોવા મળે છે. ‘તરંગ’ (1942) અને ‘સંસ્કાર’ (1944) – એ બે નિબંધસંગ્રહો તેમણે આપ્યા છે. ‘સાહિત્યકળા’ (1938), ‘કાવ્યકળા’ (1938), ‘વિવેચન’ (1941) અને ‘રસપાન’ (1942) એમના વિવેચનસંગ્રહો છે. ચરિત્રવિષયક ‘વીરપૂજા’(1941)માં મહંમદ પયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને દયાનંદનાં ચરિત્રો આલેખ્યાં છે. ‘લૅન્ડોરની જીવનકથા’ (1957) પણ જીવનચરિત્ર છે. ‘ગદ્યકુસુમો’ (1931) વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે તેમણે કરેલું સંપાદન છે.
રમણિકભાઈ જાની