દવે, બાલમુકુંદ મણિશંકર (જ. 7 માર્ચ 1916, મસ્તપુરા, જિ. વડોદરા; અ. 28 ફેબ્રુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતી કવિ. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મૅટ્રિક્યુલેશનનો અભ્યાસ પૂરો કરી અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા (1938). તે પછી નવજીવન કાર્યાલયમાં 30 વર્ષ સુધી સેવા આપી. ‘લોકજીવન’નું સંપાદન કર્યું. કવિતા માટે તેમને ‘કુમાર’ ચંદ્રક (1949) મળ્યો હતો.
વ્યવસાયે પત્રકાર. ગાંધીવાદની ભૂમિકા ઉપર રચાયેલી જીવનશૈલી વિચાર અને આચરણમાં પ્રગટ થાય છે તેમજ તેમના કવિજીવનમાં અને કાવ્યમાં પણ ધબકે છે. મહદ્ અંશે કાવ્ય શૈશવની લાગણીઓ-સંવેદનોનું પ્રતિનિધાન કરે છે. તેમનું કવિજીવન સંસ્કારો, પ્રકૃતિ, સૌંદર્ય અને લોકજીવનનો ધબકાર ઝીલે છે. એમનાં કાવ્યોનો એ પ્રેરણાસ્રોત છે. કાવ્યલેખનમાં ‘કુમાર’ની બુધસભાએ તેમને પ્રોત્સાહિત કર્યા. તેમના પહેલા કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’(1955)માં કાવ્યસ્વરૂપોનું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં વિષયની ર્દષ્ટિએ પ્રણય, પ્રકૃતિનું સૌંદર્ય વ્યક્ત થાય છે તેમજ ભક્તિભાવથી સભર ગીતો લય અને પ્રવાહિતાથી સુંદર ભાવવાહી બન્યાં છે. એમની શૈલી પ્રાસાદિક, મધુર અને શિષ્ટ છે. અનુભૂતિની સચ્ચાઈનો તેમાં રણકો છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’ એ સૉનેટ આ કાવ્યસંગ્રહનું ઉત્તમ કાવ્ય છે. ‘કુંતલ’ એમનો બીજો કાવ્યસંગ્રહ છે.
સૉનેટ જેવા કાવ્યસ્વરૂપમાં સંસ્કૃત વૃત્તો અને ર્દઢબંધ તેમના આ કાવ્યસ્વરૂપને અનેરું સૌંદર્ય અને ભાવાભિવ્યક્તિ અર્પે છે. ‘તીર્થોત્તમ’, ‘સ્મિતકણી’, ‘પ્રેમનો વિજય’ એમનાં ઉત્તમ સૉનેટોમાં ગણાવી શકાય તેવાં છે. ‘ધૂળિયો જોગી’, ‘કાલાબ્ધિને કાંઠે’, ‘કાચબા-કાચબીનું નવું ભજન’ વગેરે એમનાં મૌલિક ભક્તિકાવ્યોમાં ભાત પાડે છે.
‘સહવાસ’ (1976) વેણીભાઈ પુરોહિતનાં કાવ્યો સાથે સુરેશ દલાલે કરેલું સંપાદન છે. ‘સોનચંપો’ (1959), ‘અલ્લક દલ્લક’ (1965), ‘ઝરમરિયાં’ (1973) એમનાં બાળકાવ્યોના સંગ્રહો છે. ‘ઘટમાં ગંગા’ (1966) એ પ્રૌઢશિક્ષણના હેતુસર લખેલી પુસ્તિકા છે.
ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના સમગ્ર સાહિત્યનું સંપાદન પ્રસિદ્ધ કર્યું છે.
બટુક દલીચા