દવે, છેલશંકર (જ. 16 ઑક્ટોબર 1889, સુરેન્દ્રનગર; અ. 1956, રાજકોટ) : સૌરાષ્ટ્રના બહારવટિયાઓને હરાવનાર શૂરવીર પોલીસ અધિકારી, નેકદિલ દેશભક્ત. તેમના પિતા જયકૃષ્ણ ભાણજી દવે અને માતા રંગબા. 18 વર્ષની ઉંમરે ધ્રાંગધ્રા રાજ્યમાં પોલીસદળમાં કારકિર્દીનો આરંભ. તાલીમ મેળવીને તેઓ અશ્વવિદ્યા તથા નિશાનબાજીમાં પારંગત થયા. તેમણે લોકો પર ત્રાસ ગુજારતા જત બહારવટિયાઓ સામે ધિંગાણાં કરી, તેઓને હરાવી અપ્રતિમ શૌર્ય દાખવ્યું. તેમણે ઝાલાવાડમાંથી જત બહારવટિયાઓનો નાશ કર્યો. ઈ. સ. 1912માં છેલશંકર જામનગર પોલીસદળના વડા બન્યા, ત્યારે તેમણે ખૂંખાર મિયાણા તથા ડફેર બહારવટિયાઓ સામે ધિંગાણાં ખેલી, લોકોની ત્રણ દાયકાની યાતનાઓ દૂર કરી.
ઈ. સ. 19૨5માં તેઓ જૂનાગઢ(સોરઠ)ના પોલીસ વડા નિમાયા. તે દરમિયાન તેમણે ગીરના ભયંકર બહારવટિયાઓને પરાસ્ત કર્યા. ઓસ્માન અને હેદુ – બે મકરાણીઓ ગીરપ્રદેશમાં લોકો પર જુલમ ગુજારતા હતા. તેમની પાસે શરણાગતિ સ્વીકારાવી, માફી આપીને તે વિસ્તારના રક્ષણની જવાબદારી તેમને સોંપી. તેમણે અબદુલ્લા ઝરખને હરાવી માફી આપી. તેનું હૃદયપરિવર્તન થતાં તેને ફોજમાં દાખલ કર્યો. તે તેમનો વફાદાર અંગરક્ષક બન્યો.
જૂનાગઢમાં ઘણાં વર્ષોથી જટો જુગારી જુગારખાનું ચલાવતો હતો. તેમાં શ્રીમંતોના પુત્રો જુગાર, શરાબ તથા સુંદરીની લતમાં પાયમાલ થતા હતા. છેલભાઈએ જુગારખાના પર દરોડો પાડી, જટા જુગારી સહિત અનેકને પકડી, બેડીઓ પહેરાવી બજારમાં ફેરવ્યા. જટા જુગારીએ માફી માગી. તેના જીવનનું પરિવર્તન થયું. તે જટાશંકર કથાકાર બની ગયો.
ઘાતકી કૃત્યો કરતો બહારવટિયો મહંમદ ફકીરના વેશમાં છેલભાઈનું ખૂન કરવા ગયો, પરંતુ છેલભાઈ તેને જોઈ જવાથી, તેણે છરો ફેંકી દીધો અને તેમની માફી માગી. છેલભાઈના ઉપદેશથી તેનું હૃદયપરિવર્તન થયું અને તે સાચો ફકીર બની ગયો. તેમણે જેસંગ જોરાવર, સોઢાણ-વડાળાના સિંધીઓ તથા બહારવટિયા પીઠા-માંડણને તાબે કર્યા.
છેલભાઈ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે દેશનેતાઓના સંપર્કમાં આવીને દેશભક્ત બન્યા હતા. તેમણે જૂનાગઢમાં પોતાના નિવાસસ્થાને ક્રાંતિકારી ભગતસિંહના સાથીદારને તથા અમૃતલાલ શેઠ, કકલભાઈ કોઠારી, ગુણવંતરાય આચાર્ય જેવા દેશભક્તોને તથા મૃદુલાબહેન સારાભાઈ જેવાં પ્રસિદ્ધ સમાજસેવિકાને ગુપ્ત આશ્રય આપ્યો હતો. દેશી રાજ્યોમાં લોકો પર થતા દમન વિશે માહિતી ભેગી કરવામાં મૃદુલાબહેનને સહકાર આપી, તેમણે પોતાની મોટરમાં ગુપ્ત રીતે સરહદ પાર કરાવી હતી.
તેમણે વેરાવળમાં દિવસે, બજાર વચ્ચે રાષ્ટ્રીય કાર્યકર ડૉ. ગોરધનદાસ ખંડેરિયા સહિત પાંચ કાર્યકરોના હત્યારાઓની ધરપકડ કરીને તેમને ફાંસીની સજા કરાવી. તેથી લોકો તેમના ઉપર ખુશ થયા; પરંતુ એક અંગ્રેજ અધિકારી સાથે અણબનાવ થતાં જૂનાગઢમાંથી રાજીનામું આપીને છેલભાઈ 1937માં રાજકોટ ગયા. ત્યારબાદ ત્યાં રાજકોટ સત્યાગ્રહ (1938–39) શરૂ થયો ત્યારે છેલભાઈ સત્યાગ્રહીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા અને તેઓના પ્રત્યે ઘાતકી બનનાર પોલીસ અધિકારીને ઠપકો આપતા. તેમના રહેઠાણે મંત્રણાઓ થતી. વિઠ્ઠલગઢની જુલમી રાજાશાહી સામે ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો ત્યારે ઢેબરભાઈ તથા છેલભાઈએ સત્યાગ્રહીઓને દોરવણી આપી. લાઠીમારથી ઘવાયેલા આગેવાન શિવલાલ જોશીની છેલભાઈએ સારવાર કરી હતી.
ભાવનગરમાં યોજાયેલ કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશન સમયે (1939) સરદાર પટેલની હત્યા કરવાનો પ્રયાસ થયો. જાદવજી મોદી અને એક સ્વયંસેવક ઘવાયા. લોકોની માગણી સ્વીકારીને છેલભાઈને ગોહિલવાડના પોલીસ વડા નીમવામાં આવ્યા. તેમણે ગુનેગારોને પકડી સજા કરાવીને લોકોની પ્રશંસા મેળવી. તેમણે બહારવટિયા જીવુભા, રામલા, ગેમલા, હૈયાતખાન તથા ગોવિંદાને ધિંગાણાંમાં હરાવી અપૂર્વ શૌર્ય દર્શાવ્યું. બહારવટિયા હરિસિંહને નમાવી હૃદયપલટો કરાવી સન્માર્ગે વાળ્યો. તેમણે ‘હિંદ છોડો’ ચળવળ (1942) સમયે રાષ્ટ્રીય અને ક્રાંતિકારી કાર્યકરોને સાથ આપીને સહાય કરી હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ સમયે જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાવાથી બાબરિયાવાડના લોકોએ રાજ્યમાંથી હિજરતની તૈયારી કરી; પરંતુ છેલભાઈએ ત્યાં જાતે જઈ, લોકોને હિંમત આપીને હિજરત અટકાવી. ભારત સાથે જોડાવા જૂનાગઢના નવાબને સમજાવવાનો છેલભાઈએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
છેલભાઈ માનતા હતા કે માણસ જન્મથી નહિ, પરંતુ કર્મથી ઊંચો છે. તેઓ અસ્પૃશ્યતાના વિરોધી હતા. હરિજન સ્ત્રીના હાથે ઘડેલા રોટલા તેઓ પ્રેમથી જમતા. તેમણે બ્રિટિશ સરકારનો ખિતાબ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
છેલભાઈ ગેડીદડા, ક્રિકેટ અને ટેનિસની રમતોમાં પારંગત હતા. તેઓ કુશળ ઘોડેસવાર, નિશાનબાજ તથા તરવૈયા હતા. તેઓ નીતિ અને સદાચારના આગ્રહી તથા અનીતિના સખત વિરોધી હતા. તેમને લોકો તરફથી ‘સૌરાષ્ટ્રનો સિંહ’, ‘જનતાના તારણહાર’, ‘ગરીબોના બેલી’, ‘દલિતોના હામી’ જેવાં અનેક બિરુદો મળ્યાં હતાં. કવિ દુલા કાગ જેવા લોકકવિઓએ તેમની પ્રશંસાનાં ગીતો ગાયાં છે.
જયકુમાર ર. શુક્લ