દળવી, જયવંત (જ. 1925, અરવલી, કોંકણ; અ. 1994, મુંબઈ) : વિખ્યાત મરાઠી લેખક. તેમણે નવલકથા, નાટક, નવલિકા, પ્રવાસવર્ણન તથા એકાંકી – એમ સાહિત્યના અનેક પ્રકારો ખેડ્યા. કૉલેજના પ્રથમ વર્ષમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું એટલે કૉલેજ છોડી આંદોલનમાં ભાગ લીધો. આંદોલન પૂરું થતાં લોકસેવામાં સક્રિય બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસમાં જનસંપર્ક અધિકારી તરીકે જોડાયા ને ત્યાં 26 વર્ષ નોકરી કરી. દરમિયાન સતત લખતા રહ્યા. એમના સાહિત્યિક પ્રદાનમાં 9 વાર્તાસંગ્રહો, 14 નવલકથાઓ, 8 નાટકો, હાસ્યરસનાં પુસ્તકો તથા એક પ્રવાસવર્ણનનું પુસ્તક છે. એમનાં પુસ્તકોમાં ‘રુક્મિણી’ (1965), ‘સ્પર્ધા’ (1974), ‘સુખદુ:ખાચ્યા રેષા’ (1980), ‘ગહિવર’, ‘જળાતીલ માસા’, ‘સ્પર્શ’ અને ‘સ્વપ્નરેખા’ વાર્તાસંગ્રહો; ‘ચક્ર’ (1963), ‘સારે પ્રવાસી ઘડીચે’ (1964), ‘મહાનંદા’ (1970), ‘ધર્માનંદ’, ‘આલ્બમ’, ‘અધાંતરી’ અને ‘સ્વગત’ નવલકથાઓ; ‘બૅરિસ્ટર’ (1977), ‘નાતિગોતિ’ (1979), ‘સૂર્યાસ્ત’, ‘સંધ્યાછાયા’ અને ‘પુરુષ’ આ નાટકોનો સમાવેશ થાય છે. ‘કાવળે’ એકાંકી નાટક; ‘લોક આણિ લૌકિક’ પ્રવાસવર્ણન; ‘ફજિતવાડા’, ‘મિશી ઉતરુન દેઈન’, ‘કશા સાઠી પોટા સાઠી’, ‘સાર મિસળ’, ‘મંગલમૂર્તિ આણિ કંપની’ (1983) આ વિનોદી લેખોના સંગ્રહો, ઉપરાંત ‘ઠંઠણપાળ’ અને ત્યારપછી ‘આણખી ઠંઠણપાળ’ તેમણે ‘લલિત’ સામયિકમાં લખેલા વિનોદી લેખોના સંગ્રહો પણ પ્રકાશિત થયા છે.
માનવમનની ગહરાઈનો તાગ, માનસગ્રંથિઓનું અને તેમાંથી પ્રગટતી મનોદશાનું ચિત્રણ, વેદનાનાં વિવિધ રૂપો, એમનું વિશિષ્ટ પ્રદાન છે. ‘સંધ્યાછાયા’ તથા ‘કાળચક્ર’ નાટકો આયુષ્યની સંધ્યાએ, સંતાનોના દૂરત્વને કારણે જન્મતી કારમી એકાકિતાનું ચિત્રણ છે. ‘બૅરિસ્ટર’માં ઉચ્ચશિક્ષણ લીધેલા યુવકને વૈચારિક ધૂંધળાપણાને લીધે, કરુણતાના મૂક પ્રેક્ષક બની રહેવું પડે છે. ‘સાવિત્રી’ નાટકમાં સુંદર, મહત્વાકાંક્ષી તથા ચંચળ સાવિત્રીને સરળ સ્વભાવના શ્યામ જોડે સંઘર્ષ થતો રહે છે અને પતિ કહ્યાગરો ન હોવાથી, એનાથી છૂટી થાય છે. કોંકણ અને એની ગ્રામીણ સંસ્કૃતિ એ દળવીનાં લખાણોની મૂળ પ્રેરણા છે.
તેમની નવલકથા ‘મહાનંદા’માં એમણે દેવદાસીની સમસ્યા નિરૂપી છે. તેના પરથી મરાઠીમાં ચલચિત્ર તથા ‘ગુંતતા હૃદય હે’ નાટક શં. ના. નવરે દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ‘પુ. લ. દેશપાંડે – એક સાઠવણ’ શીર્ષક હેઠળ તેમણે પુ. લ. દેશપાંડેના સાહિત્યસર્જનનું સંપાદન કર્યું હતું.
‘ચક્ર’ નવલકથામાં ઝૂંપડાવાસીઓના સમાજનું વાસ્તવિક ચિત્રણ છે. તેમની નવલકથા ‘ચક્ર’ પરથી હિંદી ફિલ્મ બનેલી. તેમની પ્રથમ નવલકથા ‘ચક્ર’ને 1963નો સર્વોત્તમ ગ્રંથનો ઍવૉર્ડ (Book of the year) એનાયત થયો હતો. ‘સાવલ્યા’ નવલકથાનું પોતે જ ‘દુર્ગા’ નામે નાટ્યરૂપાંતર કરેલું.
‘વેડગળ’ નવલકથામાં દુ:ખી બાળપણને લીધે અને આજીવન માનસિક તનાવને કારણે વેદનાગ્રસ્ત યુવાનનું ચિત્રણ છે. એમણે ‘લલિત’ સામયિકમાં વીસ વર્ષો સુધી સતત વિનોદી કટાર લખી. એમને મહારાષ્ટ્ર સરકાર તરફથી અનેક પુરસ્કાર, પુણે મહાનગરપાલિકા પારિતોષિક, ‘સાવિત્રી’ માટે સાહિત્ય અકાદમી પારિતોષિક તથા ગડકરી પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
અરુંધતી દેવસ્થળે
અનુ. ચન્દ્રકાન્ત મહેતા