દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી.

દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે લોકો પરસ્પર ધર્મનું પાલન કરતા. જ્યારે બળવાન નિર્બળનું અહિત કરવા લાગ્યા ત્યારે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માએ દંડને ઉત્પન્ન કર્યો અને તે સર્વ પ્રાણીઓનો રક્ષક કહેવાયો. આ રીતે ધર્મશાસ્ત્ર અને સ્મૃતિગ્રંથો દંડની ઉત્પત્તિને અતિપ્રાચીન માને છે. ઋગ્વેદમાં વરુણને ઋતનો રક્ષક અને જગતનું કલ્યાણ કરનાર, નિયમોનો ભંગ કરનારને શિક્ષા કરતો દેવ કલ્પ્યો છે.

દંડ વિના ધર્મરક્ષા શક્ય નથી. નીતિશાસ્ત્ર મુજબ થતો ગુનો પાપ ગણાય અને તેની શિક્ષા એટલે પ્રાયશ્ચિત્ત. કાયદાના ભંગના ગુના માટે થતી શિક્ષા તે દંડ કહેવાય છે. મનુસ્મૃતિ, ધર્મશાસ્ત્ર રામાયણ અને મહાભારતમાં પણ દંડના ઉલ્લેખો મળે છે. દંડ જ ખરેખર રાજા, શાસક અને વર્ણાશ્રમ ધર્મનો જામીન છે. દંડના ભયથી પ્રાણીમાત્ર અને દેવો પણ પોતાની ફરજ બજાવે છે. દંડને વિદ્વાનો ધર્મ ગણે છે.

દેવ કે ઋષિનો શાપ પણ દંડનો જ પ્રકાર છે. પંચ, જ્ઞાતિ, વ્યવસાયીઓનું મંડળ, માતા-પિતા, ગુરુ, વૃદ્ધ અને વડીલ એ સર્વ દંડ આપવાનાં અધિકારી ગણાયાં છે. દંડના ભયથી લોકો સ્વધર્મનું પાલન કરે છે અને અસામાજિક તત્વો અંકુશમાં રહે છે. દંડનો યથાર્થ ઉપયોગ કરનાર રાજા સાક્ષાત્ ધર્મનું સ્વરૂપ ગણાયો છે. વર્ણાશ્રમ ધર્મ મુજબ બ્રહ્મચારી, ગૃહસ્થ અને સંન્યાસીએ વિવિધ પ્રકારના ધારણ કરવાના દંડ પ્રતીક રૂપે હોય છે. માત્ર પરમહંસ કોટિના સંન્યાસી તે ધારણ કરવામાંથી મુક્ત છે. તેમને માટે વાગ્દંડ, મનોદંડ અને કાયદંડ આવશ્યક છે. રાજાએ રાજદંડ ધારણ કરવાનો હોય છે. આજ પણ તેના પ્રતીક રૂપે સર્વોચ્ચ અને વડી અદાલતોમાં રજતજડિત દંડ મુકાય છે.

રાજ્યની સંસ્થાની સ્થાપના પૂર્વે પ્રાચીન સમયમાં ત્રણ પ્રકારના ગુના ગણાતા : (1) જૂથના રીતરિવાજનું ઉલ્લંઘન, (2) કૌટુંબિક વ્યવસ્થાથી વિરુદ્ધ વર્તન, (3) એક જૂથ દ્વારા બીજાને થતું નુકસાન. શિક્ષા પાછળની મુખ્ય ભૂમિકા વેરવૃત્તિ હોવાથી મૃત્યુની સજા પણ સ્વીકાર્ય હતી. રોમન કાયદામાં બદલા(Rax talionis)નો ઉલ્લેખ છે.

અઢારમી સદીમાં ઇટાલિયન ચેઝારે બોનેસાના બેક્કારિયાએે ‘ગુનો અને સજા’ એ વિષય પરની પુસ્તિકા લખી ત્યારથી યુરોપમાં દંડની શરૂઆત થઈ એમ મનાય છે. ઓગણીસમી સદીમાં જેરમી બૅંથામે નવો સિદ્ધાંત રજૂ કર્યો કે ગુનાનું સ્વરૂપ અને શિક્ષા વચ્ચે યોગ્ય સંતુલન જોઈએ. એના આધારે મેકૉલેએ ભારતીય દંડવિધાનની રચના કરી.

ગુનેગારને થતી સજાના સંદર્ભમાં ચાર પ્રકારની વિચારસરણી પ્રચલિત છે : (1) શિક્ષા પ્રતિરોધાત્મક (deterrent) હોય જેથી ભવિષ્યમાં ગુનેગાર તેમજ સમાજની  અન્ય વ્યક્તિઓ પણ ગુનો ન કરે. તેનાથી સમાજમાં શિક્ષાનો ભય ઊભો થાય  અને ગુના બનતા અટકે. (2) શિક્ષા પ્રતિશોધાત્મક (retributive) હોવી જોઈએ. તેમાં આંખને બદલે આંખ અને મોતનો બદલો મોત હોય. તેનું ચાલકબળ વેરની વસૂલાત છે. (3) નિવારાત્મક (preventive) : વર્તમાન સમયમાં દંડ ન્યાયસંગત હોવાની ભાવનાથી પ્રત્યક્ષ બદલાને સ્થાને ગુનાનો હેતુ ધ્યાનમાં લઈ સજા કરવામાં આવે છે. તેમાં અતિગંભીર ગુના માટે કાયદો મોતની સજા પણ કરે છે. પોતાના કૃત્યથી અજાણ અથવા તે કૃત્ય ગુનો છે એવી સમજ વિનાની વ્યક્તિને સજામાંથી મુક્તિ પણ અપાય છે; દા.ત., બાળગુનેગાર કે ગાંડો માણસ. (4) સુધારાત્મક (reformative) : તેમાં ગુનાનો પ્રકાર, ગુનેગારની વય, મગજની સ્થિરતા કે અસ્થિરતા, શિક્ષિત છે કે અશિક્ષિત, ગુનેગાર રીઢો છે કે પહેલી જ વાર ગુનો કરે છે, તેની  કૌટુંબિક પરિસ્થિતિ, સામાજિક મોભો વગેરે ધ્યાનમાં લઈને શિક્ષા થતી હોય છે. ગુનેગારને સુધરવાનો મોકો જ ન મળે એવી કડક સજા ન હોવી જોઈએ. તેમ એટલી ઉદાર પણ ન હોવી જોઈએ કે  જેથી ગુનેગારીને ઉત્તેજન મળે. વર્તમાન સમયમાં ગુનેગારને સુધારવા પર ભાર મુકાય છે. માણસ જન્મથી જ ખરાબ હોતો નથી. માનસિક, આર્થિક કે સામાજિક કારણોસર તે ગુનો કરે છે. આ ર્દષ્ટિએ બાળસુધારગૃહો તેમજ નારીસંરક્ષણકેન્દ્રો ઊભાં થયાં છે.

ભારતીય દંડસંહિતા મુજબ અમુક પ્રકારના ગુના માટે મૃત્યુદંડ, અમુક પ્રકારના ગુના માટે સાદી કેદ અને કેટલાક ગુના માટે સખત કેદની સજા થતી હોય છે. ક્રૂરતા અને જંગાલિયતભરી રીતે કરેલા ગુનામાં સળંગ ચૌદ દિવસની એકાંત કેદની સજા નક્કી કરવામાં આવી છે. આજીવન કારાવાસની અવધિ વીસ વરસની હોય છે. આ ઉપરાંત  મિલકતની જપતી કરાય છે અને આર્થિક નુકસાન માટે અમુક રકમનો દંડ પણ થતો હોય છે. બ્રિટિશ રાજ વખતે રાજદ્રોહ માટે ‘કાલાપાની’ની અને ફટકાની શિક્ષા થતી તે ભારતીય દંડસંહિતામાંથી 1956માં રદ કરવામાં આવી છે. જેલમાં ગુનેગારના વર્ગો પ્રમાણે સગવડ પણ આપવાનો પ્રબંધ છે.

ઇંગ્લૅન્ડ, અમેરિકા જેવા દેશોમાં મિલકત-જપ્તીની સજા રદ થઈ છે, પણ ભારતમાં ચાલુ છે. ત્રણ પ્રકારના સંજોગોમાં તેનો અમલ થાય છે : (1) ભારતના મિત્રરાષ્ટ્ર પર આક્રમણ, (2) આક્રમણ માટે વપરાયેલાં સાધનો બીજી વ્યક્તિ પાસે હોય, (3) સરકારી કર્મચારીઓ માટે પ્રતિબંધિત હોય તેવી વસ્તુ જો ખરીદી હોય.

થયેલી શિક્ષાની સામે અપીલ થઈ શકે છે. ભારતમાં રાષ્ટ્રપતિને શિક્ષા માફ કરવાની તેમજ ઘટાડવાની સત્તા બંધારણે આપેલી છે. હવે વેર કે બદલાની ભાવના ઓછી થતી જાય છે. કારાવાસ પણ માનવીય ધોરણે સગવડોવાળો રખાય છે. સારો ખોરાક, સ્ત્રી-ગુનેગારનાં બાળકોનાં શિક્ષણની વ્યવસ્થા વગેરે સુવિધાઓ હોય છે. ભારતની કેટલીક સામાજિક સંસ્થાઓ કેદીભાઈઓને રક્ષાબંધન જેવા ઉત્સવોમાં સામેલ કરી સદભાવના જન્માવે છે.

વર્તમાન સમયમાં મૃત્યુદંડની સજા અમાનુષી ગણાય છે. ઘણા દેશોએ તેને રદ કરી છે. ભારતમાં તે હજુ (2014) ચાલુ છે, પણ અતિવિરલ કિસ્સાઓમાં અમાનુષી, અતિક્રૂર હત્યાઓ કરનારને એવી સજા ફરમાવવામાં આવે છે. ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદા અનુસાર મૃત્યુદંડ આપવાથી બંધારણના અનુચ્છેદ 11 નો ભંગ થતો નથી એટલે તે વિધિમાન્ય છે. મૃત્યુદંડના અભાવે ગુના વધે છે અને અન્ય સજાથી ગુનેગારો ડરતા નથી. ઉપરાંત જેલમાં સંગઠન સાધી ધાર્યું કરાવે છે. મૃત્યુદંડ અંગે વિશ્વમાં વિવાદો ચાલતા રહ્યા છે.

મૃત્યુદંડની સજા ફાંસીના માંચડા કે વિદ્યુતખુરશીના આંચકાથી અપાય છે. પ્રાચીન સમયમાં પાણીમાં ડુબાડી અથવા બૅબિલોનિયામાં  થતું તેમ પથ્થરો મારીને મોત નિપજાવાતું. ગ્રીસમાં ઝેર અપાતું. ગુલામોને માર મારીને ખડક પરથી નીચે ફેંકી દઈને, હાથે પગે ખીલા ઠોકીને, જંગલી પ્રાણીઓ કે કૂતરાઓ સામે છોડી દઈને અને ઝેરી સાપ કરડાવીને એમ વિવિધ રીતે મોતની સજા કરાતી. યુરોપના કેટલાક દેશોમાં યંત્ર પર બાંધી સામસામી દિશામાં ખેંચીને ગુનેગારનું શરીર તોડી નાખવામાં આવતું અને શિરચ્છેદ પણ કરાતો.

આજે ઇન્કમટૅક્સ, સેલ્સટૅક્સ, વૅલ્થટૅક્સ વગેરેનાં પત્રકોમાં ખોટી માહિતી ભરનારને ફોજદારી રાહે ગુનો ગણી કામ ચલાવાય છે. ફેરા  (Foreign Exchange Regulation Act), મિસા (Maintenance of Internal Security Act), પાસા (Prevention of Anti-social and Subversive Activities Act) અને ટાડા (Terrorist and Disruptive Activities Prevention Act) હેઠળ સામાજિક કે આર્થિક ગુના કરતાં અટકાવવા માટે અમુક પુરાવા-સામગ્રીને આધારે અપરાધી મનોવૃત્તિની વ્યક્તિને જેલમાં પૂરવામાં આવે છે. આવી અટકાયતને દંડ કે સજા તરીકે ગણવામાં આવતી નથી. અત્યારે મિસા રદ કરવામાં આવેલ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નવનીત દવે

ભાનુપ્રસાદ મ. ગાંધી