દર, પંડિત ભીષ્મનારાયણ (1864–1916) : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના અગ્રણી રાષ્ટ્રવાદી નેતા. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં બારાબંકી ખાતે જન્મ. પિતા પંડિત કિશનનારાયણ સરકારી નોકરીમાં મુનસફનું પદ ધરાવતા હતા. શરૂઆતનું શિક્ષણ પરંપરાગત પદ્ધતિથી ઉર્દૂ અને ફારસી સાથે લખનૌ ખાતે થયું. ત્યાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાના અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાંથી બૅરિસ્ટરની પદવી બાર-ઍટ-લૉ પ્રાપ્ત કર્યા પછી 1887માં સ્વદેશ પાછા આવ્યા. લખનૌ ખાતે કૉલેજના અભ્યાસ દરમિયાન કાશ્મીરી નૅશનલ ક્લબની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. ઇંગ્લૅન્ડમાં વસવાટ દરમિયાન લાલમોહન ઘોષ (1849–1909) તથા નારાયણ ગણેશ ચંદાવરકર (1855–1923) જેવા અગ્રણીઓના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી જાહેર જીવનમાં ઝંપલાવવાની પ્રેરણા પ્રાપ્ત કરી. સ્વદેશ પાછા આવ્યા પછી અવધ ખાતે વકીલાત શરૂ કરી અને ટૂંક સમયમાં નામના પ્રાપ્ત કરી. 1892માં રાષ્ટ્રીય કૉંગ્રેસમાં દાખલ થયા ત્યારથી અવસાન સુધી આઝાદીની લડતમાં અને કૉંગ્રેસના રાજકારણમાં સક્રિય રહ્યા. આ ગાળા દરમિયાન કૉંગ્રેસના દરેક વાર્ષિક અધિવેશનમાં હાજરી આપી. 1911માં કૉલકાતા ખાતે ભરાયેલા રાષ્ટ્રીય કાગ્રેસના વાર્ષિક અધિવેશનનું અધ્યક્ષપદ સંભાળ્યું. વીસમી સદીની શરૂઆતના દોઢ દાયકા દરમિયાન ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા. તેની બેઠકોમાં તેમણે નીડરતાથી રાષ્ટ્રીય હિતોની તરફેણ કરી હતી. 1910માં ‘ધ લીડર’માં છપાયેલ તેમના ‘પ્રેઝન્ટ પૉલિટિકલ સિચ્યુએશન’ નામના લેખમાં તેમણે રજૂ કરેલ વિચારોથી તે વખતની બ્રિટિશ સરકાર નારાજ થઈ, જેના પરિણામ રૂપે તેના સંપાદક તથા પ્રકાશકની સામે કામ ચલાવવામાં આવેલું.

ધારાસભામાં લઘુમતીઓને વિશેષ પ્રતિનિધિત્વ આપવાનો તેમણે વિરોધ કર્યો હતો (1890). 1894માં મીઠા પરના કરનો પણ વિરોધ કર્યો હતો. સરકારી તંત્રના ભારતીયીકરણની તેમણે હિમાયત કરી હતી અને મૉર્લે-મિન્ટો સુધારાનો તેમણે વિરોધ કર્યો હતો.

ધર્મ તથા સામાજિક સુધારણા પ્રત્યે તેમણે ઉદાર વલણ અખત્યાર કર્યું હતું. શિક્ષણના ફેલાવાથી તથા સમજાવટ દ્વારા ધાર્મિક તથા સામાજિક સુધારણા વધુ અસરકારક રીતે દાખલ કરી શકાય એવી તેમની ર્દઢ શ્રદ્ધા હતી. ઇંગ્લૅન્ડ જવા માટે કાશ્મીરી બ્રાહ્મણોની ધર્મસભાએ તેમની નિંદા કરી હતી અને સ્વદેશ પાછા આવ્યા પછી તેમણે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ એવી માગણી કરી હતી જે તેમણે નકારી કાઢી હતી. ધર્મસભા સામે તેમણે બળવો પોકાર્યો હતો જેના પરિણામ રૂપે ધર્મસભાનું વિસર્જન થયું હતું. તેના સ્થાને તેમણે નવી ઉદારમત ધરાવતી ધર્મસભાની સ્થાપના કરી હતી જે ભીષ્મસભા તરીકે જાણીતી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે