દર્પણ એકૅડેમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ : મંચનલક્ષી કલાના તાલીમ કાર્યક્રમ તથા સંશોધન માટેની અમદાવાદની કલાસંસ્થા. તેની સ્થાપના 1949માં વિક્રમ સારાભાઈ તથા શ્રીમતી મૃણાલિની સારાભાઈના માર્ગદર્શન હેઠળ થઈ. થોડા નૃત્યકારો તથા કેટલાક અભિનયકારોનું નાનું જૂથ ભેગું મળ્યું અને એમાંથી સૌપ્રથમ તાલીમ માટેની શાળા રૂપે આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાનું બી રોપાયું. કલાકારો, નિષ્ણાતો તથા જિજ્ઞાસુઓનો સાથસહકાર મળતાં તેમાં વિવિધ વિભાગો ઉમેરાતા ગયા.
તાલીમ અને શિક્ષણ વિભાગના કાર્યક્રમ હેઠળ ભરતનાટ્યમ્, કુચિપુડી, મોહિનીઆટ્ટમ્, કથકલી જેવાં શાસ્ત્રીય નૃત્યો, ભારતના તમામ પ્રાંતોનાં લોકનૃત્યો, આધુનિક નૃત્યશૈલી, નાટ્ય, સંગીત તથા પપેટ્રી (puppetry) એમ લગભગ તમામ મંચનલક્ષી કલાપ્રકારો વિશે શિક્ષણ અપાય છે. આ કાર્યક્રમના ભાગ રૂપે દેશવિદેશથી કલાકારો તથા નિષ્ણાતોને બોલાવી કલાના વિદ્યાર્થીઓને અભિનય, સ્પૅનિશ નૃત્યકળા, છાઉ નૃત્યો જેવા વિવિધ વિષયોની વર્કશૉપ યોજીને તાલીમ આપવામાં આવે છે.
તેના કાર્યક્રમ-વિભાગના ઉપક્રમે શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો, નાટ્ય તથા પપેટ્રીના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આ તમામ નૃત્યશૈલીના કાર્યક્રમો રજૂ કરનારી દર્પણની પોતાની જ એક નૃત્યમંડળી છે. તેમાં 6થી માંડીને 25 નર્તકો-વાદકોના કાર્યક્રમો આપવાની સજ્જતા છે. વિશેષત: આ નૃત્યકાર્યક્રમો નિમિત્તે જ આ સંસ્થાએ દેશવિદેશમાં ઘણી નામના મેળવી છે. પોતાની વિદેશી સહયોગી સંસ્થાઓ સાથે પણ તે પ્રસંગોપાત્ત, નૃત્યકાર્યક્રમોનું નિર્માણ કરે છે. એ રીતે તૈયાર થયેલા કાર્યક્રમોમાં ‘શક્તિ : ધ પાવર ઑવ્ વિમિન’, ‘સીતાઝ ડૉટર્સ’ તથા ‘વી ફૉર … ’ ઉલ્લેખનીય છે. એ જ રીતે સંસ્થાની પોતાની નાટ્યમંડળી તથા પપેટ્રી કલાકારવૃંદ પણ નિયમિત કાર્યક્રમો આપે છે. નાટ્યવૃંદના નેજા હેઠળ અત્યાર સુધીમાં 150 નાટ્યકૃતિઓની રજૂઆત થઈ ચૂકી છે. આના ભાગ રૂપે જ લોકનાટ્ય ભવાઈના કાર્યક્રમોનું આયોજન ગોઠવાય છે; સાથોસાથ જૂના ભવાઈવેશોનું સંશોધનકાર્ય પણ ચાલે છે.
નાટ્યવિભાગના કાર્યક્રમ હેઠળ નાટ્યલેખકો પાસે મૌલિક નાટકો લખાવવાની પરિયોજના પણ હાથ ધરાઈ છે. નાટ્યલેખકોને આ રીતે લખાયેલાં નાટકો દર્પણ મારફત ભજવાશે એવી બાંયધરી અગાઉથી અપાય છે. આ પ્રયોગથી કેટલાક લેખકો નાટ્યકાર તરીકે સફળ નીવડ્યા છે. પપેટ્રી વિભાગ 1962માં ઉમેરાયો અને તેમાં પ્રારંભથી જ મનોરંજન સાથે શિક્ષણ તથા વિકાસસંદેશની ભાવના રાખવામાં આવી છે. શહેરવિસ્તારના કાર્યક્રમો ઉપરાંત આ જૂથે ગ્રામ-વિસ્તારમાં પપેટ્રીના કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિ લાવવામાં ફાળો આપ્યો છે. વિદેશમાં પણ આ જૂથના કાર્યક્રમોની સારી ચાહના તથા નામના છે. આંધ્રપ્રદેશના ‘બમ્પલાટમ્’ નામના છાયાપૂતળીની કલાના ખેલને પણ આ જૂથે પુનર્જીવિત કરી તેના નર્તકો સાથે નવતર પ્રયોગો કર્યા છે.
‘જનવાક્’ એ લોકસંસ્કૃતિ તથા આદિવાસી સંસ્કૃતિના ક્ષેત્રે સંશોધન તથા કાર્યક્રમને વરેલો વિભાગ છે. ભારતનાં લગભગ 22 રાજ્યોમાં લોકનૃત્યો તથા લોકસંગીતને આવરી લેતા કાર્યક્રમો 14થી માંડી 22 નર્તકો રજૂ કરતા હોય છે. એમાં શાસ્ત્રીય તથા પશ્ચિમી અને જાઝ સંગીતનો પણ ખપ પડ્યે કલોચિત સમન્વય થાય છે.
દર્પણનું બહુસાંસ્કૃતિક કલાકેન્દ્ર તથા ઓપન ઍર થિયેટર ‘નટરાણી’ નામે ઓળખાય છે. સાબરમતીના કાંઠે નિસર્ગની પશ્ચાદભૂમિકામાં વિકસાવાયેલા આ કેન્દ્રમાં કાર્યક્રમોની રજૂઆત માટે તમામ આધુનિક સાધનોની સુવિધા છે અને તેમાં 400 પ્રેક્ષકોની બેઠકવ્યવસ્થા છે. 1995માં પ્રારંભાયેલા આ કેન્દ્રના ઉપક્રમે ફ્રાન્સ, યુ.કે., યુ.એસ., મૉંગોલિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા ઉપરાંત અન્ય દેશોના તથા ભારતના અનેક પ્રાંતોના કાર્યક્રમો તથા વર્કશૉપ યોજવામાં આવ્યા છે. આ કેન્દ્રના નેજા હેઠળ જ દર વર્ષે ડિસેમ્બરમાં ‘વિક્રમ સારાભાઈ પરફૉર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલ’ તથા ફેબ્રુઆરી-માર્ચમાં ‘આર્ટ્સ ફૉર ટૉલરન્સ ઍન્ડ નૉનવાયલન્સ’ નામના કાર્યક્રમો નિયમિત યોજવામાં આવે છે.
આ ઉપરાંત સમાજની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ‘દર્પણ ફૉર ડેવલપમેન્ટ’, સંશોધન અને પ્રકાશન માટે ‘દર્પણ પબ્લિકેશન્સ’, વીડિયો નિર્માણ માટે ‘દર્પણ વીડિયોઝ’ તથા કલા મારફત અહિંસાના પ્રસાર માટે ‘સેન્ટર ફૉર નૉન-વાયલન્સ થ્રૂ ધી આર્ટ્સ’ નામના વિભાગો પણ કલાલક્ષી પ્રવૃત્તિ ચલાવે છે.
તાજેતરમાં ગુજરાતી થિયેટરમાં દર્પણ સંસ્થા એના ‘નટરાણી’ થિયેટરમાં મૌલિક અને પ્રયોગાત્મક નાટ્યોને પ્રોત્સાહન આપે છે. કેટલાય યુવા રંગકર્મીઓ ‘નટરાણી’ની થિયેટરની ‘સ્પેસ’થી આકર્ષાયા છે, અને પ્રેક્ષકોને સાંપ્રત જીવનના પડકારોની નાટ્યક્ષણોનો અનુભવ કરાવી રહ્યા છે. મલ્લિકા પણ એમની સક્રિયતા પ્રસ્તુતિ તેમજ વ્યવસ્થાપણમાં દર્શાવે છે. દેશવિદેશની અનેક નાટ્યસંસ્થાઓને આ સ્થળે પ્રસ્તુતિ માટે આમંત્રણ આપવામાં આવે છે. એક વિશેષ પ્રેક્ષકગણ દર્પણે ઊભો કર્યો છે.
મહેશ ચોકસી