દરે, આન્દ્રે (જ. 10 જૂન 1880, આઇવેનિલ, ફ્રાન્સ; અ. 8 સપ્ટેમ્બર 1954, ફ્રાન્સ) : ફૉવવાદી ફ્રેન્ચ ચિત્રકાર. વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં પૅરિસની ઍવાં ગાર્દ ચિત્રશૈલીમાં ખૂબ ચેતનાદાયક પ્રદાન કર્યું; પરંતુ તેમણે ફ્રાન્સની પ્રતિનિધાનવિહોણી (non-representational) લાક્ષણિકતાનો ઉગ્ર વિરોધ કર્યો અને એ રીતે ફ્રાન્સમાં વાસ્તવવાદની પરંપરાના સમર્થ પુરસ્કર્તા બની રહ્યા.

1904 થી 1908 દરમિયાન વ્લામિંક તથા મૅતીસ સાથે તથા 1910માં સ્પેનમાં પિકાસો સાથે ચિત્રકામ કર્યું. પછી ફૉવવાદના સ્થાપક ચિત્રકાર હાંરી માતિસના સાંનિધ્યમાં ફૉવવાદના પ્રભાવમાં આવ્યા અને ફૉવ એટલે કે ભડકામણા રંગો ચિત્રોમાં આલેખ્યા. ફૉવ (Fauve) એટલે ફ્રેંચ ભાષામાં જંગલી જનાવર. શરૂઆતમાં તેમને ફૉવિસ્ટ શૈલીનાં ચિત્રો માટે પુષ્કળ ખ્યાતિ સાંપડી, પરંતુ પાછળથી તેમણે સેઝાંની પોસ્ટ-ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રશૈલીનો પ્રભાવ ઝીલ્યો. તેમની કારકિર્દીના ઉત્તરાર્ધનાં લૅન્ડસ્કેપ, સ્ટિલ લાઇફ, પૉર્ટ્રેટ તથા ન્યૂડ જેવાં ચિત્રોનું આલેખન પરંપરાગત શૈલી પર નિર્ભર છે. છેક પાછલી કારકિર્દીનાં ચિત્રોમાં સ્વપ્નિલતા અને સચોટ દર્શન જોવા મળે છે.

મહેશ ચોકસી