દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ (જ. 23 જૂન 1916, રાજપીપળા; અ. 15 મે 1979, યુ.એસ.) : ગુજરાતના અગ્રણી ધારાશાસ્ત્રી તથા નાગરિક સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. કટોકટી-કાળે નાગરિક-સ્વાતંત્ર્યના રક્ષણાર્થે રાષ્ટ્રીય સ્તરે તેઓ ધ્યાનાર્હ બની રહેલા. જન્મ એક મધ્યમવર્ગી પરિવારમાં. વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવી બી.એસસી. થયા બાદ એમણે પહેલાં છોટાઉદેપુરમાં ને પછી અમદાવાદમાં શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. આ કામગીરી દરમિયાન તેમણે કાયદાનો પણ વિધિસર અભ્યાસ કર્યો અને તે દરમિયાન 1936માં તેઓ તૈયબ શેખ મારફતે એમ. એન. રૉયના વિચારો ને પ્રવૃત્તિઓના સંપર્કમાં આવ્યા. ગુજરાતમાં રૉયની નવમાનવવાદી ચળવળના અગ્રયાયીઓ પૈકીના તેઓ એક બની રહ્યા. તે ધોરણે કામદારોને ન્યાય અપાવવા માટે લેબર કોર્ટના સ્તરે એમની કામગીરી પંકાઈ અને ત્યારબાદ 1960થી ગુજરાત હાઈકોર્ટના સ્તરે એક બંધારણપટુ તરીકે એમની કારકિર્દી પાંગરી.
તેમના જીવનકાળ દરમિયાન તેઓ ‘સ્વતંત્ર ભારત’ (1941–44), ‘ચેતન’ (1950–62) અને ‘માનવસમાજ’ (1971–76) એ પત્રો સાથે તંત્રી તરીકે કે તંત્રીમંડળના સભ્ય તરીકે સંકળાયેલા રહ્યા અને સ્વાતંત્ર્યને વરેલા મૂલ્યનિષ્ઠ માનવવાદની કસોટીએ આર્થિક-સામાજિક-રાજનૈતિક જેવી અનેક સમસ્યાઓને મૂલવતા રહ્યા.
જૂન, 1975માં ઇન્દિરા ગાંધીના વડાંપ્રધાનકાળમાં આંતરિક કટોકટી સાથે અમલમાં આવેલ પ્રી-સેન્સરશિપને પડકારીને ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ના કેસો મારફતે તેઓ ઝળક્યા. એ જ ગાળામાં અમદાવાદમાં ઑલ ઇન્ડિયા સિવિલ લિબર્ટીઝ કૉન્ફરન્સ (ઑગસ્ટ, 1975), ઑલ ઇન્ડિયા રૅડિકલ હ્યુમેનિસ્ટ કૉન્ફરન્સ (ડિસેમ્બર, 1975) અને સેવ ધ કૉન્સ્ટિટ્યુશન કૉન્ફરન્સ(જાન્યુઆરી, 1976)ના સફળ આયોજન મારફતે તેમણે ગુજરાત સ્વાધીનતાનો ટાપુ હોવાની છાપને ઘૂંટીને ર્દઢાવી.
દરમિયાન, જયપ્રકાશ નારાયણ સ્થાપિત જનતંત્ર સમાજે (સિટિઝન્સ ફૉર ડેમૉક્રસી) સેન્સરશિપના પ્રતિકારમાં સાઇક્લોસ્ટાઇલ્ડ સમાચારપત્ર તેમની આગેવાનીમાં પ્રગટ કરવાનો નિર્ધાર કરતાં જૂન 1976થી જાન્યુઆરી, 1977 લગી તેમને ‘મિસા’ હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા.
જેલવાસમાં એમણે ત્યારે ચાલી રહેલ બંધારણીય તોડમરોડ પરત્વે લોકશાહીનાં મૂલ્યો ને પ્રક્રિયાની ર્દષ્ટિએ લોકશિક્ષણલક્ષી પુસ્તિકા અંગ્રેજીમાં તૈયાર કરી, જે પછીથી ગુજરાતીમાં પણ સુલભ થઈ (‘લોકશાહી અને આપણું રાજ્યબંધારણ’, અનુ. ચુનીભાઈ વૈદ્ય, 1978). તે પછીની એમની મુખ્ય કામગીરી, દાઉદી વોરા કોમના સુધારક તબક્કાઓ પર સૈયદના(ધર્મગરુ) વાદીઓ તરફથી વરસાવાતા જુલમની પ્રજાકીય તપાસ અંગેના નથવાણી પંચના હેવાલને કૅન્સરથી કોરાતા શરીરે આખરી ઓપ આપવાની દિશામાં રહી.
એમનાં ચૂંટેલાં લખાણોનું એક સંકલન ‘માનવીય ગૌરવની ખોજ’ (1985) શીર્ષક હેઠળ મરણોત્તર પ્રકાશિત થયું છે.
ગુજરાત યુનિવર્સિટીના માધ્યમના પ્રશ્ને દ્વિભાષી મુંબઈ રાજ્યની વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતમાં અંગ્રેજી માધ્યમની તરફેણમાં તેમણે જ રજૂઆત કરી હતી અને સફળતા સાથે તે કેસ ચલાવ્યો હતો.
પ્રકાશ ન. શાહ