દરિયાસાહેબ (મારવાડી) (જ. 1676, જૈતારન, મારવાડ; અ. 1758) : રાજસ્થાનના નિર્ગુણોપાસક સંતકવિ. પીંજારા અથવા મુસલમાન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બિહારના દરિયાદાસના તેઓ સમકાલીન હોવાથી અલગ પાડવા તેમના નામ સાથે મારવાડી લખવામાં આવે છે. પિતાના અવસાન પછી તેઓ મોસાળના રૈન ગામે (મેડતા પરગણું) રહેવા ગયા. બિકાનેર રાજ્યના ખિયાંસર ગામના પ્રેમદયાળ સાધુ એમના ગુરુ હતા. મારવાડ પ્રદેશના રાજા વખતસિંહને થયેલ અસાધ્ય રોગ દરિયાસાહેબે તેમના શિષ્ય સુખરામ દ્વારા મટાડ્યો હતો. આ દરિયાસાહેબે દરિયાપંથની સ્થાપના કરી. દરિયાસાહેબને દાદૂ દયાળના અવતાર માનવામાં આવે છે. દરિયાપંથીઓને એવી શ્રદ્ધા છે કે દરિયાસાહેબના અવતાર વિશે દાદૂએ પોતે ભવિષ્યવાણી કરી હતી.

દરિયાસાહેબે અનેક સાખી તથા પદની રચના કરી છે. તે રચનાઓ પર કબીર તથા દાદૂ બંનેનો પ્રભાવ પડ્યો છે. તેમનો નિર્ગુણોપાસક પંથ છે. આ પંથે પરમતત્વને  પૂર્ણબ્રહ્મની સંજ્ઞા આપી છે, તેને જ રામ નામથી ઓળખવામાં આવે છે. નામસ્મરણ એ બધા જ મતોનો સાર છે અને બધા જ ગ્રંથો તે નિષ્કર્ષ પર આવ્યા છે, એવો તેમનો મત હતો. રામનો સાક્ષાત્કાર નામસ્મરણથી જ થઈ શકે એવી તેમની શ્રદ્ધા છે. તેનાથી સાધકનું જીવન પરિપૂર્ણ થાય છે.

આ પંથમાં બાહ્ય આડંબરનો નિષેધ છે. સાધકની અંત:કરણની શુદ્ધિને મહત્વ આપ્યું છે. સાધક સાધુ હોય કે ગૃહસ્થ હોય તે બંનેનો જીવનવ્યવહાર પરમાર્થને વરેલો હોવો જોઈએ – એવી આ પંથની વિચારસરણી છે. પરમાર્થસાધના માટે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. સ્ત્રીઓ પ્રત્યે આ પંથના લોકોને વિશેષ આદર રહ્યો છે. તે જગતજનની છે, તે જ પોષણ કરીને આપણને પુષ્ટ બનાવે છે; તેથી સ્ત્રીઓ માટે માન હોવું જોઈએ તેવી આ પંથની શિખામણ છે. તેમના પંથનો મારવાડ(રાજસ્થાન)માં વિશેષ ફેલાવો થયો છે.

જગદીશ જ. ત્રિવેદી