દરિયા સંબંધી કાયદો : ‘દરિયાઈ વિસ્તાર’ હેઠળ ગણાતા માન્ય પ્રદેશના ઉપયોગને તથા દરિયાઈ સંપત્તિના ઉપભોગને નિયંત્રિત કરતી જોગવાઈઓની સંહિતા. ભૂતકાળમાં દરિયો માત્ર નૌકાવહન માટે ઉપયોગી ગણાતો, તેથી તે અંગેનો કાયદો નૌકાવહન પૂરતો મર્યાદિત હતો. હવે દરિયાના તળ ઉપર તથા તેની નીચે ગર્ભમાં રહેલી કુદરતી સંપત્તિને કારણે આ વિષયમાં નવાં પરિમાણો ઉમેરાયાં છે. દરિયા નીચે રહેલા વિશાળ તેલભંડારો અને અન્ય ખનિજોને કારણે તેનો વ્યાપારી ઉપયોગ પણ વધ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા યોજાયેલી દરિયાઈ કાયદા સંબંધી 1958ની કૉન્ફરન્સે દરિયાઈ કાયદા સંબંધી ક્ષેત્રીય દરિયાઈ વિસ્તાર, ખુલ્લો દરિયો (મધ્ય દરિયો – high seas), દરિયાઈ વિસ્તારમાં માછીમારી તથા અન્ય સજીવ સામગ્રી અંગે તથા ખંડીય છાજલી – આ ચાર વિષયો સંબંધી ચાર સંધિપત્રો તૈયાર કર્યા.
ક્ષેત્રીય દરિયાઈ વિસ્તારની સીમા 12 દરિયાઈ માઈલ સુધી સ્વીકારવામાં આવી. ક્ષેત્રીય દરિયાઈ વિસ્તારમાં નિર્દોષ વાહનવ્યવહારની છૂટ આપવામાં આવે છે, જે કિનારા પરનાં રાજ્યની સલામતીને કોઈ પણ રીતે જોખમરૂપ ન હોવો જોઈએ. આવા વિસ્તારમાં અન્ય રાજ્યો માછીમારી કે નિરીક્ષણની પ્રવૃત્તિઓ કરી શકશે નહિ એવો કાયદો ઘડાયો.
ક્ષેત્રીય દરિયાઈ વિસ્તારને સંલગ્ન 24 દરિયાઈ માઈલ સુધીના વિસ્તારમાં સંબંધિત કિનારા પરનું રાજ્ય જકાત અંગે, નાણાકીય બાબતો અંગે, પ્રવાસીઓના આવવા સંબંધી તથા આરોગ્ય સંબંધી નિયમનો કરી, તેનું પાલન કરાવી શકશે એમ ઠરાવવામાં આવ્યું.
મધ્ય દરિયો : ક્ષેત્રીય દરિયાઈ વિસ્તારની બહાર આવેલો સમગ્ર દરિયાઈ વિસ્તાર મધ્ય દરિયો ગણાશે. તે બધાં રાજ્યોના ઉપયોગ માટે ખુલ્લો રહેશે. તેના કોઈ પણ ભાગ પર કોઈ રાજ્ય સાર્વભૌમત્વનો દાવો કરી શકશે નહિ. આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો અનુસાર આ મધ્ય દરિયાઈ વિસ્તારમાં બધાં રાજ્યો વાહનવ્યવહાર, માછીમારી, સબમરીન કેબલ્સ અને પાઇપલાઇનો બિછાવી શકશે. તેમજ તેના પર ઉડ્ડયન કરી શકશે. દરિયામાં પ્રદૂષણ રોકવાની દરેક રાજ્યની ફરજ છે. મધ્ય દરિયાનો વિસ્તાર શાંતિમય ઉપયોગ માટે ખુલ્લો રહેશે. તેના પરથી પસાર થતાં જે જહાજો તેમનો રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેમને તે ધ્વજવાળા રાષ્ટ્રનો કાયદો લાગુ પડશે. મધ્ય દરિયા પરનાં યુદ્ધજહાજો અન્ય કોઈ રાજ્યની હકૂમતને અધીન રહેશે નહિ એવું કાયદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું.
માછીમારી તથા સજીવ સંસાધનોના ઉપયોગ માટે પણ કાયદામાં જોગવાઈ છે.
કિનારા પરનાં રાજ્યની ભૂમિનો જે ભાગ દરિયા નીચે લંબાયો હોય, તેને ખંડીય છાજલી કહેવાય છે. તે 200 દરિયાઈ માઈલ સુધી લંબાઈ શકે. આવી ખંડીય છાજલી પર કિનારા પરનું રાજ્ય ભૂવિસ્તાર તથા તેની કુદરતી સંપત્તિ સંબંધી સાર્વભૌમ હક્કો ભોગવી શકશે એમ નક્કી થયું.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ દરિયાઈ કાયદા સંબંધી યોજેલી બીજી (1960) અને ત્રીજી (1970) પરિષદોમાં આ કાયદા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી નિર્ણયો લેવામાં આવ્યા.
1982ની 30 એપ્રિલે દરિયાઈ કાયદા અંગેની કૉન્ફરન્સે દરિયાઈ કાયદા અંગેનું 320 કલમોવાળું સંધિપત્ર (convention) સ્વીકાર્યું તેમાં નીચે પ્રમાણેની મહત્ત્વની જોગવાઈઓ છે :
(1) કિનારાથી 12 દરિયાઈ માઈલ સુધીનો વિસ્તાર ક્ષેત્રીય દરિયાઈ વિસ્તાર ગણાશે જેના પર કિનારા પરના રાજ્યનું સાર્વભૌમત્વ રહેશે. વિદેશી જહાજો નિર્દોષ વાહનવ્યવહાર માટે તેનો ઉપયોગ કરી શકશે.
(2) કિનારા પરનું રાજ્ય તેના કિનારાને સંલગ્ન 24 દરિયાઈ માઈલ સુધીના વિસ્તાર પર તેની જકાત સંબંધી, નાણાકીય બાબતો સંબંધી, પ્રવાસીઓને લગતાં તથા સ્વાસ્થ્યને લગતાં નિયમનો કરી શકશે.
(3) 200 દરિયાઈ માઈલ સુધી અબાધિત આર્થિક વિસ્તાર ગણાશે, જેમાં કિનારા પરનું રાજ્ય તેની કુદરતી સંપત્તિ, આર્થિક પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક શોધ તથા પર્યાવરણની જાળવણી અંગે સત્તા ધરાવશે.
(4) 350 દરિયાઈ માઈલ સુધીની ખંડીય છાજલી અંગે પણ કિનારા પરના રાજ્યને ઉપર મુજબના અધિકારો રહેશે.
(5) દરિયાઈ તળ પર તથા મહાસાગરોના પેટાળમાં રહેલી સંપત્તિના ઉપયોગ અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરાશે.
આ સંધિપત્રમાં દરિયા સંબંધી કાયદાનાં બધાં પાસાંઓ અંગે વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે.
હ. છ. ધોળકિયા