દરિયાઈ આડ અને અનુપ્રસ્થ આડ (bars and spits) : (1) નદી, સરોવર કે સમુદ્રના તટ પરનો કે તેમના કિનારા નજીકના તળભાગ પરનો અથવા નદીમુખ પરના જળમાર્ગમાં વહાણવટા માટે અવરોધરૂપ બનતો રેતી, ગ્રૅવલ (નાના ગોળાશ્મ) કે કાંપનો જથ્થો. (2) મોજાં અને પ્રવાહો દ્વારા નજીકના સમુદ્રતળ ઉપર રેતી અને ગ્રૅવલની જમાવટથી રચાયેલી, ડૂબેલી કે ઊપસેલી સ્થિતિમાં રહેલી અવરોધરૂપ આડશ. (3) નદીના મુખપ્રદેશમાં કે નદીનાળપ્રદેશમાં કે દરિયાકિનારાને લગભગ સમાંતર, જળમાં અંદર તરફ ટૂંકા અંતરે રહેલો રેતી, ગ્રૅવલ કે અન્ય દ્રવ્યનો જમાવટ પામ્યા વગરનો ટેકરો (ઢગલો) કે દૂરતટીય (offshore) ડુંગરધાર (ridge). (4) દરિયાઈ આડ શબ્દ સમુદ્રના બે ઊંડા જળવિસ્તારો વચ્ચે રહેલો છીછરો જળવિભાગ બનાવતા, જળ નીચે લંબાઈમાં રહેલા ખડકજથ્થા માટે પણ વપરાય છે.
સામાન્ય રીતે સમુદ્રજળમાં જોવા મળતા, કિનારાને સમાંતર કે લગભગ સમાંતર રહેલા રેતી અને/અથવા ગ્રૅવલના બનેલા ઓછાવત્તા રેખીય નિક્ષેપોને દરિયાઈ આડ તરીકે ઓળખાવવામાં આવે છે. કિનારાને અથડાયા પછી મોજાંની પાછા પડવાની ક્રિયાને કારણે તટપ્રદેશ પર જમા થયેલો કાંપ અંદર તરફ અપવહન પામી નજીકના અંતરે જમા થતો જાય છે. તે મોટે ભાગે ઉપસાગર કે નાના દરિયાઈ ફાંટાના મુખભાગ પર અનુપ્રસ્થ સ્થિતિમાં વિસ્તરે છે અને દરિયાઈ આડ રચે છે.
સમુદ્રતટ પરથી જળજથ્થામાં પ્રવેશતો નાનો ભૂમિભાગ અથવા સાંકડો ભૂમિ-જિહવાગ્રભાગ અનુપ્રસ્થ આડ તરીકે ઓળખાય છે. તે દરિયાઈ આડની માફક કિનારાને સમાંતર હોતો નથી, પરંતુ અનુપ્રસ્થ હોય છે. જ્યાં કિનારા-રેખા ખાંચાખૂંચીવાળી હોય ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. કિનારા તરફ આવતો નિક્ષેપ પાછો અપવહન પામીને ખાંચાખૂંચીવાળી ભૂમિજિહવાને જળ તરફ વિસ્તારે છે અને ભૂમિધાર રચાતી જાય છે.
ગિરીશભાઈ પંડ્યા