દરમિયાનગીરી : આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ એક દેશે બીજા દેશની સંમતિ સિવાય તે દેશની આંતરિક બાબતોમાં રાજકીય હેતુસર આપખુદ રીતે કરેલી દખલ. તે રાજદ્વારી અને સશસ્ત્ર એમ બે પ્રકારની હોઈ શકે છે. પોતાના નાગરિકોના રક્ષણાર્થે અન્ય માર્ગોનો સહારો લીધા વિના અન્ય કોઈ દેશની આંતરિક બાબતમાં દખલ કરવાનો કોઈ દેશને હક નથી. તેમ ન કરવાની દરેક દેશની ફરજ છે. 1936–38ના સ્પેનના આંતરવિગ્રહ પહેલાં અન્ય દેશની ક્રાંતિ કે આંતરવિગ્રહથી પોતાના દેશની સલામતીને અસર થતી હોય તો દરમિયાનગીરી થઈ શકતી હતી; પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રોના હકનામાની રૂએ સશસ્ત્ર હુમલો ન થયો હોય તો અન્ય દેશની આંતરિક બાબતમાં દરમિયાનગીરી કરવી વાજબી ન ગણાય. 1895માં રશિયા, ફ્રાન્સ અને જર્મનીએ આપખુદ સંયુક્ત રાજદ્વારી પગલાથી જાપાનને ચીનનો લીઆઓતુંગ પ્રાંત પરત કરવાની ફરજ પાડી હતી. યુ.એસે. 1823માં ‘મનરો સિદ્ધાંત’થી નક્કી કર્યું કે કોઈ યુરોપીય રાજ્ય પોતાની ‘પદ્ધતિ’ ફેલાવવા માટે અમેરિકા ખંડમાં પ્રયત્ન શરૂ કરે તો તે યુ.એસ.ની શાંતિ અને સલામતીને ભયરૂપ ગણાશે અને તેવી દરમિયાનગીરીની ધમકી સામે તે ભાગમાં દરમિયાનગીરી કરી શકશે. ‘કાલ્વો સિદ્ધાંત’ (1868) અને ‘ડ્રેગો સિદ્ધાંત’ (1902) મુજબ પોતાનાં આર્થિક હિતોના રક્ષણાર્થે કોઈ દેશ સશસ્ત્ર દરમિયાનગીરી કરી શકે નહિ. જુલાઈ, 1956માં ઇજિપ્તે સુએઝ નહેર કબજે કરી તેનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેના જવાબમાં ઑક્ટોબર, 1956માં ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે પોતાનાં આર્થિક હિતો રક્ષવાના બહાના હેઠળ સુએઝ નહેર પર કબજો કરવાના ઇરાદાથી ઇજિપ્તમાં સશસ્ત્ર દરમિયાનગીરી કરી હતી, જેને સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ વખોડી કાઢી હતી.
ઘણા દેશો અન્ય દેશના રાજ્યકર્તાઓ કે રાજકીય પક્ષોના નિમંત્રણથી તે દેશમાં કરેલા સશસ્ત્ર પ્રવેશને દરમિયાનગીરી ગણતા નથી. આવા બહાને યુ.એસે. લેબેનૉનમાં (1958), ગ્રૅનેડામાં (1983), સોવિયેત સંઘે હંગેરીમાં (1956), ચૅકોસ્લોવૅકિયામાં (1968) અને અફઘાનિસ્તાનમાં (1979) સશસ્ત્ર દરમિયાનગીરી કરી હતી, જે સંયુક્ત રાષ્ટ્રોના હકનામાની કલમ 51 મુજબ સ્વબચાવમાં ન હોઈ અવૈધ ગણાય. અલબત્ત, નિમ્નલિખિત દરમિયાનગીરી ન્યાયસંગત ગણાય છે : (1) સંયુક્ત રાષ્ટ્રોના હકનામાની રૂએ સામૂહિક પ્રકારની દરમિયાનગીરી સંયુક્ત રાષ્ટ્રોએ 1950માં કોરિયામાં અને 1960માં કૉંગોમાં કરેલી, (2) પોતાના નાગરિકોના રક્ષણાર્થે કરેલી દરમિયાનગીરી, (3) સ્વબચાવમાં કરેલી દરમિયાનગીરી, (4) રક્ષિત પ્રદેશમાં પોતે કરેલી દરમિયાનગીરી, (5) પોતાને ત્યાં થયેલી દરમિયાનગીરીના જવાબમાં પ્રતિહિંસા રૂપે કરેલી દરમિયાનગીરી.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી