દયાન, મોશે (જ. 20 મે 1915, ડેગન્યા, પૅલેસ્ટાઇન; અ. 16 ઑક્ટોબર 1981, તેલ એવીવ) : ઇઝરાયલના મુત્સદ્દી અને લશ્કરી નેતા. ઇઝરાયલને 1967માં તેના અરબ પડોશી દેશો સાથેના યુદ્ધમાં જે વિજય મળ્યો તેનો જશ મહદંશે દયાનને આપવામાં આવે છે અને તેને લીધે તે તેમના જીવનકાળ દરમિયાન પોતાના દેશની સલામતીનું પ્રતીક બની રહ્યા હતા.
તેમણે પોતાની લશ્કરી કારકિર્દી 1937માં શરૂ કરી. બ્રિટિશ અધિકારી કૅપ્ટન ઓર્ડે વિનગેટ પાસેથી તેમણે ગેરીલા યુદ્ધની તાલીમ લીધી હતી. યહૂદીઓને પોતાના સ્વાતંત્ર્ય માટે લડવું પડશે તેવી તેમને ખાતરી થતાં તે ગેરકાનૂની યહૂદી સંરક્ષણ દળ હગ્નાહમાં જોડાયા. પાછળથી બ્રિટિશ સત્તાવાળાઓએ તેમની ધરપકડ કરી. તેમણે 1939–41 દરમિયાન કારાવાસ ભોગવ્યો. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે સીરિયામાં વિચિ ફ્રેન્ચ દળો વિરુદ્ધ ઇઝરાયલી દળોનું નેતૃત્વ કર્યું. આ કામગીરી દરમિયાન તેમણે પોતાની ડાબી આંખ ગુમાવી. ઈજાગ્રસ્ત આંખ પર કાયમી ધોરણે બાંધવામાં આવતો કાપડનો કાળો ટુકડો એ તેમનું આજીવન ઓળખચિહન બની રહ્યો.
ઇઝરાયલના સ્વાતંત્ર્યયુદ્ધ(1948)માં દયાન જેરૂસલેમ વિસ્તારના સેનાપતિ હતા. ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચેની 1949માં યોજાયેલ યુદ્ધબંધીની વાટાઘાટોમાં તેમણે ભાગ લીધો હતો. ઇઝરાયલી દળોના સર્વોચ્ચ સેનાપતિ (1953–58) તરીકે સિનાઈ દ્વીપકલ્પ પરના ઇઝરાયલી આક્રમણનું આયોજન અને નેતૃત્વ તેમણે કર્યું હતું. ઇજિપ્ત સાથેના આ સંઘર્ષે તેમને બાહોશ લશ્કરી સેનાપતિ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. આ સંઘર્ષની સ્મૃતિગાથા ‘ડાયરી ઑવ્ ધ સિનાઈ કૅમ્પેઈન’ 1966માં પ્રસિદ્ધ થઈ છે.
1959માં દયાન ઇઝરાયલી મજૂર પક્ષ ‘મપાઈ’ના સભ્ય તરીકે ઇઝરાયલી પાર્લમેન્ટ – નેસેટ(Knesset)માં ચૂંટાઈ આવ્યા અને વડાપ્રધાન ડેવિડ બેન-ગુરિયનના મંત્રીમંડળમાં કૃષિમંત્રી બન્યા (1959–64). ડેવિડ બેન-ગુરિયન અને નવા વડાપ્રધાન લેવી ઈસ્કોલ વચ્ચેના રાજકીય સંઘર્ષ દરમિયાન દયાને મંત્રીપદેથી રાજીનામું આપ્યું (1964). 1965માં ડેવિડ-બેન ગુરિયનના અલગ પડેલા જૂથના ‘રાફી’ સભ્ય તરીકે દયાન ફરી વાર દેશની સંસદમાં ચૂંટાઈ આવ્યા. જૂન, 1967માં તેમને સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા અને તે દ્વારા આરબ દેશો સાથેના ઇઝરાયલના સંભવિત યુદ્ધ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવવાની તેમને તક મળી. સર્વોચ્ચ સેનાપતિ ઈત્ઝાક રબીનની સાથે રહીને તેમણે 1967ના છ દિવસીય આરબ-ઇઝરાયલ યુદ્ધમાં ઇઝરાયલી લશ્કરને અસરકારક દોરવણી પૂરી પાડી. આ યુદ્ધમાં ઇઝરાયલે કબજે કરેલ પ્રદેશનો વહીવટ તેમને સોંપવામાં આવ્યો. 1970ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં ઇઝરાયલી વિદેશનીતિ પર તેમનો સારો પ્રભાવ રહ્યો; પરંતુ જ્યારે ઇજિપ્ત અને સીરિયાએ 6 ઑક્ટોબર, 1973માં ઇઝરાયલ પર એકાએક હુમલો કર્યો, ત્યારે તેમના પર લશ્કરી સજ્જતાના અભાવ માટે પસ્તાળ પડી. ગોલ્ડા મેયરના સ્થાને વડાપ્રધાનપદે ઈત્ઝાક રબીન આવતાં દયાનને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા. ચાર વર્ષ બાદ 1977માં તેમને વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા અને મીનાચેમ બેગીનના વડાપ્રધાનપદ હેઠળ મોશે દયાન કેમ્પ ડેવિડ સંધિના મુખ્ય સ્થપતિ બન્યા. ત્યારબાદ ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠા તરફના જૉર્ડનના વિસ્તાર પર ઇઝરાયલી સાર્વભૌમત્વ લાદવાની બેગીનની યોજનાથી ગુસ્સે ભરાયેલા દયાને ઑક્ટોબર, 1979માં મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું. 1981માં દયાને ટેલેમ નામનો નવો પક્ષ રચ્યો. આ પક્ષની એવી માંગ હતી કે 1967ના યુદ્ધ દરમિયાન જે પ્રદેશો ઇઝરાયલે કબજે કર્યા હતા તે ઇઝરાયલે એકપક્ષીય ધોરણે ખાલી કરવા જોઈએ.
તેમની આત્મકથા ’ધ સ્ટોરી ઑવ્ માય લાઇફ’ 1976માં પ્રસિદ્ધ થઈ છે.
નવનીત દવે