દબાણ (pressure) : એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે લાગતું બળ. દબાણ = બળ/ક્ષેત્રફળ. તે ખાસ પ્રકારનું પ્રતિબળ છે. મીટર–કિલોગ્રામ – સેકન્ડ માપપદ્ધતિમાં દબાણનો એકમ = ન્યૂટન/મીટર2 છે.
સત્તરમી સદીમાં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી બ્લેઇઝ પાસ્કલે પ્રવાહીના દબાણને લગતા મહત્વના પ્રયોગો કર્યા અને તારવ્યું કે પાત્રમાં ભરેલ તરલ પદાર્થ(પ્રવાહી અથવા વાયુ)ના કારણે પાત્રના તળિયા તેમજ બાજુઓ પર સરખા પ્રમાણમાં બળ લાગુ પડે છે; દા. ત., પાણી ભરેલા રબરના દડામાં અસંખ્ય છિદ્રો પાડતાં, આ છિદ્રોમાંથી સરખા દબાણથી પાણી બહાર નીકળે છે. તરલ પદાર્થમાં ઉદભવતા દબાણના કારણે પાત્રની કોઈ પણ બાજુ પર લંબ રૂપે બળ લાગે છે. તરલ પદાર્થમાં ઉદભવતા દબાણનો રોજબરોજના વ્યવહારમાં વ્યાપક ઉપયોગ જોવા મળે છે; દા. ત., નદી પર બંધ બાંધી વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરવામાં, ઘરગથ્થુ પાણીના વિતરણમાં, હાઇડ્રૉલિક પ્રેસ તથા હાઇડ્રૉલિક જૅકમાં દબાણના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે.
દબાણમાં થતા વધારાના કારણે ઘન અને પ્રવાહી પદાર્થના ઘનફળમાં થતો ઘટાડો ઘણો ઓછો હોય છે, જ્યારે વાયુ પદાર્થમાં તે વધુ હોય છે. દબાણ એ પદાર્થની ઉષ્માગતિક અવસ્થા (thermodynamic state) નક્કી કરતી અગત્યની ભૌતિક રાશિ છે. વાયુમાં અણુઓ સતત યાચ્છિક ગતિ (random motion) કરતા હોવાથી અણુઓની પાત્રની દીવાલ પરની સતત અથડામણના કારણે પાત્રની દીવાલ પર અણુઓ દબાણ ઉત્પન્ન કરે છે. વાયુનું ઘનફળ અચળ રાખી તાપમાન વધારવામાં આવે તો દબાણમાં વધારો થાય છે.
પ્રવાહીની મુક્ત સપાટી પર વાતાવરણનું દબાણ લાગતું હોવાથી, h ઊંચાઈના પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પરના કોઈ પણ બિંદુએ ρ ઘનતાવાળા પ્રવાહીથી ઉદભવતું દબાણ P = H + hρg, જ્યાં H એ વાતાવરણનું દબાણ અને g ગુરુત્વપ્રવેગ છે. વાતાવરણનું દબાણ પારાના સ્તંભની ઊંચાઈના રૂપમાં દર્શાવાય છે. સામાન્ય દબાણ દર્શાવવા 0° સે. તાપમાને 760 મિમી. અથવા 76 સેમી. પારાના સ્તંભની ઊંચાઈ લેવામાં આવે છે. સામાન્ય વાતાવરણના દબાણનું નિરપેક્ષ મૂલ્ય લગભગ 105 ન્યૂટન/મીટર2 જેટલું છે, જેને 1 બાર = 75 સેમી. Hg દબાણ પણ કહે છે. ખૂબ નીચું દબાણ માપવા માટેનો એકમ ટોર છે. (1 ટોર = 1 મિમી. પારાના સ્તંભની ઊંચાઈનું દબાણ
રશ્મિ ન. દવે