દબાણમાપક (mercurial barometer) : વાતાવરણનું દબાણ માપવા માટેનું સાધન. આ સાધનની રચના ટોરિસિલીએ 1643માં કરી હતી. મૂળ સાધનમાં ઘણા સુધારા કર્યા બાદ તેનો પ્રમાણભૂત વાયુભારમાપક તરીકે ઉપયોગ થવા લાગ્યો. વાતાવરણની હવાના સ્તંભને કાચની બંધ નળીમાં પારાના સ્તંભ વડે સમતુલિત કરવાના સિદ્ધાંત ઉપર આ સાધન કાર્ય કરે છે. આ રીતે, બંધ નળીમાં પારાની ઊંચાઈ હવાના દબાણનું માપ દર્શાવે છે. કાચની નળી ઉપર મિલીમીટર અથવા ઇંચમાં કાપા પાડીને તેનું અંકન કરવામાં આવે છે. સામાન્ય રીતે દરિયાની સપાટી આગળ વાતાવરણનું દબાણ પારાની 76 સેમી. ઊંચાઈને સમતોલે છે. દરિયાની સપાટી આગળ પારાની ઊંચાઈનું માપ 1013.2 મિલીબાર જેટલું થાય છે. દબાણમાં થતી વધઘટને લીધે પારાની ઊંચાઈમાં વધઘટ થાય છે. કાચની નળી સાથે અંકિત કરેલ વર્નિયર માપક્રમ જોડવામાં આવે છે. આવા સહાયક માપક્રમને આધારે વધુ ચોકસાઈથી અવલોકન લઈ શકાય છે. ઇંચના હજારમા ભાગનું માપ ચોકસાઈથી મળે છે. તાપમાનને કારણે પારાની ઊંચાઈમાં અને પિત્તળની માપપટ્ટી ઉપરના માપક્રમમાં ક્ષતિ પેદા થાય છે જેને લીધે દબાણના માપમાં સુધારો લાગુ પાડવો પડે છે. આ સાથે સ્થળની ઊંચાઈને કારણે ગુરુત્વાકર્ષણબળમાં પણ ફેરફાર થાય છે માટે આ બળને કારણે દબાણમાં સુધારો કરવો આવશ્યક બને છે. સુધારો કર્યા પછીનું અવલોકન સ્થિર દબાણ આપે છે.
નિષ્પ્રવાહી વાયુભારમાપક (aneroid barometer) : પ્રવાહીની મદદ વિના વાતાવરણનું દબાણ દર્શાવતું સાધન. આ સાધન સિલ્ફન કોષના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ કોષડબ્બી અંશત: શૂન્યાવકાશ કરેલી ધાતુની વેફર હોય છે. બાહ્ય હવાનું દબાણ વધે છે ત્યારે આ ડબ્બી દબાય છે અને દબાણ ઘટે ત્યારે ડબ્બી વિસ્તરણ પામે છે. દબાણના આવા ફેરફારોને યાંત્રિક દર્શક વડે અંકિત કરેલા ચંદા સાથે જોડી દેવામાં આવે છે. આ સાધન વજનમાં હલકું હોવાથી સુવાહ્ય છે. આથી હવાઈ ઉડ્ડયન અને પર્વતારોહણ વખતે આ સાધનનું મહત્ત્વ વધુ છે. ઊંચાઈમાપક(altimeter)નો સિદ્ધાંત પણ આવો જ છે. તેના ઉપર સીધેસીધું ઊંચાઈમાં જ અંકન કરેલું હોય છે. સાધારણ રીતે વાયુભારમાપકમાં પારો એક સેન્ટિમીટર નીચે ઊતરે ત્યારે દરિયાની સપાટીથી 110 મીટર ઉન્નયન ઊંચાઈ સૂચવે છે.
વાયુભારઆલેખક યંત્ર (barograph) : વાતાવરણમાં દબાણની સતત નોંધ રાખતું સાધન. નિષ્પ્રવાહી વાયુભારમાપકના સિદ્ધાંત પ્રમાણે આ સાધન કાર્ય કરે છે. આમાં એકબીજી ઉપર ગોઠવેલી સંખ્યાબંધ શૂન્યાવકાશ કરેલી પેટીઓ હોય છે જેથી સ્થાનાંતર વધુ મળે છે. ઉચ્ચાલન-પ્રણાલી આવા સ્થાનાંતરનું વિવર્ધન કરે છે. ગોળ ફરતા ડ્રમ ઉપર રાખેલા કાગળ ઉપર પેન વડે ગતિની નોંધ રાખવામાં આવે છે. ખાસ તૈયાર કરેલા સૂક્ષ્મ વાયુભારઆલેખક યંત્રમાં કેટલાક સિલ્ફન-કોષોનો ઉપયોગ કરવામાં આવે છે અને કાળજીપૂર્વક તૈયાર કરેલ યાંત્રિક સહલગ્નતા (linkage) વડે વધુ ચોક્કસ અવલોકન નોંધી શકાય છે. તેને કેટલીક વખત પારદ વાયુભારમાપક સાથે પ્રમાણિત કરવું પડે છે.
ફોર્ટિનનું વાયુભારમાપક : ઉપરથી બંધ અને નીચેથી ખુલ્લા છેડાવાળી પારો ભરેલી કાચની ઊભી નળી. આ નળીનો ખુલ્લો છેડો પારાના પાત્ર(cistern)માં ઉલટાવીને રાખવામાં આવે છે. આવા પાત્રનું તળિયું લચીલું હોય છે. આ તળિયા સાથે સ્ક્રૂ S રાખેલો હોય છે જેના વડે પાત્રમાં પારાનું સ્તર અવલોકન લેતાં પહેલાં નિશ્ચિત બિંદુ આગળ લાવી શકાય છે. વાતાવરણનું દબાણ ઘટે છે ત્યારે નળીની અંદરનો કેટલોક પારો બહાર નીકળી પાત્રમાં જમા થાય છે. વાતાવરણનું દબાણ વધે છે ત્યારે પાત્રની અંદરનો પારો બહાર નળીમાં દાખલ થાય છે. ફોર્ટિનના વાયુભારમાપકનો ઉપયોગ કરતાં પહેલાં નીચે પ્રમાણે ગોઠવણી કરવી જરૂરી છે :
પહેલાં તો સ્ક્રૂની મદદથી પાત્રમાં રહેલો પારો સૂચક I ને સ્પર્શે તે રીતે ગોઠવવામાં આવે છે. આ સૂચકના પારાની સપાટી ઉપર મળતા પ્રતિબિંબ અને સૂચકને એક રેખામાં ગોઠવવામાં આવે છે. બીજું, વર્નિયર માપક્રમ V ઉપરનો શૂન્ય કાપો નળીના પારાની સપાટી સાથે એકાકાર બનવો જોઈએ. આ માટે વર્નિયર માપક્રમ Vની નીચેની ધાર અને તેની પાછળ રાખેલ પિત્તળની તકતીને જોડતી સમક્ષિતિજ રેખાની બરાબર સામે આંખ રાખવી પડે છે. સ્ક્રૂ T વડે નળીમાં પારાનો ઉપલો સ્તર તે રેખામાં આવે ત્યાં સુધી ફેરવવો પડે છે. આમ થયા બાદ સાધન અવલોકન લેવા માટે તૈયાર થયું ગણાય.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. પ્રહલાદ છ. પટેલ