દધિવાહન (જ. ઈ. પૂ. 601–603; અ. ઈ. સ. પૂ. 556) : ચંપાપુરીના રાજા રણવીરનો પુત્ર. આ વંશની ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદી પહેલાં 5–6 પેઢીની તૂટક હકીકત મળે છે. જૈન ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર કુશસ્થળ ઉપર પ્રસેનજિતથી છઠ્ઠી પેઢીએ દધિવાહન અંગદેશની રાજ્યગાદી પર બેઠો. તેને (1) અભયાદેવી (2) પદ્માવતી અને (3) ધારિણી રાણીઓ હતી. તેની વચેટ રાણી પદ્માવતી ગર્ભવતી હતી, છતાં સંયોગવશાત્ વનમાં જૈન આશ્રમમાં શ્રેષ્ઠ સાધ્વી થઈ હતી અને તેનો પુત્ર કરકંડુ કલિંગ રાજ્યના રાજા તરીકે પસંદ થયો હતો.
(1) આ નામનો એક ચંદ્રવંશી રાજા પણ હતો. તેનું બીજું નામ ખનપાન રાજા હતું. એનું નામ યોગીઓમાં આવે છે. (2) મત્સ્ય અને વાયુ પુરાણના મતે એ અંગપુત્ર જ ખનપાન તરીકે ઓળખાતો હતો.
એ અંગદેશનો, ચંપાપુરીનો રાજા હતો તે નિર્વિવાદ છે. આ દધિવાહનના સંદર્ભમાં દંતપુર, કંચનપુર, કલિંગદેશ અને વંગદેશનાં વૃત્તાંતો આવે છે.
વિભૂતી વિ. ભટ્ટ