દત્ત, શ્રીકંઠ (ઈ.સ.ની બારમી સદી) : આયુર્વેદના ‘રોગનિદાન’ માટે શ્રેષ્ઠ ગણાતા ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર લખાયેલી ‘મધુકોશટીકા’ના લેખક.
શ્રીકંઠ દત્તને આયુર્વેદના ઇતિહાસકારો સુસ્પષ્ટ રૂપે બંગાળ-નિવાસી માને છે. તેઓએ રચેલી ટીકાથી જ તેમના પ્રખર પાંડિત્યનો પરિચય મળે છે. શ્રીકંઠ દત્ત અને તેમના ગુરુ શ્રી વિજયરક્ષિતજી બંને આયુર્વેદ ઉપરાંત વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા અને ન્યાયશાસ્ત્રમાં નિષ્ણાત હતા. આયુર્વેદના સારા ઇતિહાસકારોએ તેમનો હયાતીકાળ બારમી શતાબ્દીનો સ્વીકારેલ છે. ડૉક્ટર હાર્નરે (ઇતિહાસકાર) પણ શ્રીકંઠ દત્ત તથા વિજયરક્ષિત ઈ. સ. 1240ની આસપાસના સમયના હોવાનું કહ્યું છે.
‘મધુકોશ’ ટીકા લખનાર બે આચાર્યો છે. વિજયરક્ષિત અને તેમના શિષ્ય શ્રીકંઠ બંને આયુર્વેદના પ્રકાંડ પંડિત અને શિવભક્ત હતા.
‘મધુકોશ’ ટીકાનું લેખનકાર્ય પૂરું થતા પૂર્વે વિજયરક્ષિતનું અવસાન થતાં, તેમના શિષ્ય શ્રીકંઠ દત્તે ગુરુનું અધૂરું કાર્ય પૂરું કર્યું. આ ટીકા આજે પણ વિદ્વાનોમાં પરમ આદરણીય ગણાય છે.
શ્રીકંઠ દત્તે આ ઉપરાંત વૈદ્યવૃન્દકૃત ‘સિદ્ધયોગ’ ગ્રંથ ઉપર ‘કુસુમાવલી’ નામની ટીકા લખી, જેમાં તે સમયના બીજા અનેક ટીકાકારોનાં નામ લખ્યાં છે.
શ્રીકંઠ દત્ત અને વિજયરક્ષિત કૃત ‘મધુકોશ’ ટીકામાં તે સમયની પરિસ્થિતિ અનુસાર માત્ર પ્રાચીન ર્દષ્ટિકોણથી માધવાચાર્યના સંગૃહીત મૂળ શ્ર્લોકોનું સ્પષ્ટીકરણ કરવાની સાથે જ મૂળ ગ્રંથમાં જેનો ઉલ્લેખ ન થયો હોય પણ પ્રસંગવશાત્ જે જરૂરી હોય, તે અન્ય આર્ષવચનોનો પણ સમાવેશ કર્યો છે.
બળદેવપ્રસાદ પનારા