દત્ત, તોરુ (જ. 4 માર્ચ 1856, કૉલકાતા; અ. 1877, કૉલકાતા) : અંગ્રેજી લેખકોમાં નોંધપાત્ર સ્થાન ધરાવતાં બંગાળી લેખિકા. ગોવિંદચંદ્ર દત્તમાંથી અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી ખ્રિસ્તી ગોવિનચંદર બનેલા પિતાનાં ત્રણ સંતાનો અબ્જુ, અરુ અને તરુ. આ પૈકી તરુ સૌથી નાનાં, જે ´તોરુ´ નામે જાણીતાં થયાં. માતાનું નામ ક્ષેત્રમણિ. પિતા સુખી હોવાથી તેમણે ઘેર અંગ્રેજી શિક્ષકો રાખી પુત્રીઓને ઘનિષ્ઠ અંગ્રેજી કેળવણી આપી. ત્યારે બંગાળીઓમાં અંગ્રેજ અને અંગ્રેજી પ્રત્યે આદર અને આકર્ષણ પ્રબળ હતાં.
આ પરિસ્થિતિમાં તોરુ અંગ્રેજી કવિતા કરે એ સ્વાભાવિક હતું. જોકે આને કારણે બંગાળી સાહિત્ય એક સમર્થ સર્જકથી વંચિત રહ્યું. તોરુએ ફ્રેન્ચ ભાષામાં પણ લખ્યું. તેમની ફ્રેન્ચ નવલકથા ´લ જરનલ દ માદમ્વાઝેલ દ આરવર્સ´માં પણ કશું ફ્રેન્ચ નથી એવું એડમંડ ગૉસે લખ્યું. તોરુ-લિખિત ચરિત્રોની પણ તેણે આલોચના કરી.
તોરુએ ફ્રાન્સમાં થોડા મહિના જ વાસ કર્યો, પણ એટલી ટૂંકી અવધિમાં તેઓ ફ્રાન્સ અને ફ્રેન્ચનાં પરમ ચાહક બન્યાં. ´ફ્રેન્ચ તેમની પ્રથમ પસંદગીની ભાષા બની…´.
ફ્રાન્સમાં છ મહિના ગાળી પરિવાર 1870ની વસંતમાં લંડન પહોંચ્યો. તોરુ ભાષા અને સાહિત્યના અભ્યાસમાં ખૂંપી ગયાં. વચ્ચે તેમણે પાશ્ચાત્ય ગાયનવાદન શીખવાનું પણ રાખ્યું. પ્રશિષ્ટ સાહિત્યને કોરાણે રાખી નવજાગૃતિકાળના થોડા કવિઓ પર અછડતી ર્દષ્ટિ — આ તેમનો પશ્ચિમી સાહિત્યનો અભ્યાસ હતો. તેમનાં લખાણોમાં નિરાશાવાદની છાયા જ જાણે આકર્ષણ કરનારું તત્વ હતું. તેમાં તેમની ફ્રેન્ચ ક્રાંતિ પ્રત્યેની સહાનુભૂતિ તથા વ્યક્તિગતતાના સિદ્ધાંતનો સ્વીકાર પ્રગટ થતાં હતાં. તોરુએ કેટલાંક સૉનેટનું ભાષાંતર કર્યું. ´લંડન ર્ક્વાર્ટરલી રિવ્યૂ´માં બીજા વિવેચક ટૉમસે તોરુની ભરપૂર પ્રશંસા કરી. તેમણે ફ્રેન્ચ ઇતિહાસનું પુસ્તક પણ લખ્યું. તોરુ જન્મભૂમિથી એટલાં વેગળાં થઈ ગયાં કે એક વાર તેમની બ્રિટિશ મિત્ર મૅરી માર્ટિને ટકોર કરી કે તોરુ દેશભાઈઓ માટે ´નેટિવ´ શબ્દ વાપરે છે તે ઉચિત નથી.
1876માં તોરુનું સ્વાસ્થ્ય લથડ્યું. આ સમયે અંગ્રેજો ભારતીયો ગુલામો પ્રત્યે કેવો અપમાનજનક વર્તાવ કરતા હતા તે તેમના ધ્યાનમાં આવ્યું. એક અંગ્રેજના પાળેલા કૂતરાએ ભારતીય છોકરા પર આક્રમણ કર્યું ત્યારે રક્ષા માટે સ્વાભાવિક પ્રતિકાર કરનાર એ બાળકને ત્રણ સપ્તાહનો કઠોર શ્રમનો દંડ કરનાર અંગ્રેજ ન્યાયાધીશ ઉપર તોરુએ ભારે ઉકળાટ ઠાલવ્યો. પોતે જન્મથી ખ્રિસ્તી છતાં ખ્રિસ્તી ધર્મમાં પ્રવર્તતા દંભ પરત્વે તેમણે દુ:ખ વ્યક્ત કર્યું. લખ્યું, ´સવારે માતાને રામાયણનો પાઠ કરતી સાંભળું છું, ત્યારે ગદગદિત થાઉં છું.´ સતી સાવિત્રી વિશે લાંબું કથાકાવ્ય રચી શ્વાસના રોગમાં તેમણે દેહ મૂક્યો.
બંસીધર શુક્લ