દગા, એડગર (જ. 19 જુલાઈ 1834, પૅરિસ; અ. 27 સપ્ટેમ્બર 1917, પૅરિસ) : ફ્રેન્ચ ચિત્રકાર. પૂરું નામ હિલેર જર્મેન એડગર દગા. ધનિક કુટુંબમાં જન્મ. દગાએ રૂઢિવાદી ચિત્રકાર આંગ્ર(Ingres)ના વિદ્યાર્થી લૅમોથ હેઠળ પૅરિસની એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સમાં અભ્યાસ આરંભ્યો (1855). યુવાચિત્રકાર તરીકે તેમને પણ ફ્રાન્સની ભવ્ય પ્રણાલી મુજબ ઇતિહાસ વિષયના ચિત્રકાર થવાની મહત્વાકાંક્ષા જાગી. તે માટે  તેમણે ફ્લૉરન્સ, અસીસી, રોમ તથા નેપલ્સ વગેરેનો પ્રવાસ કરી ત્યાં જોવા મળેલાં રેનેસાં અને બારોક ચિત્રો અને શિલ્પોનાં આકૃતિ-રેખાંકનનો ઊંડો અભ્યાસ કર્યો. તેમ જ તેમની શૈલીની અનુકૃતિ રૂપે કેટલાંક ચિત્રો પણ તૈયાર કર્યાં. 1860 અગાઉ તૈયાર કરેલાં કેટલાંક પારિવારિક વ્યક્તિચિત્રોમાં આ નિજી તાલીમનો પ્રભાવ દેખીતો છે. આ ચિત્રસમૂહનું એક લાક્ષણિક ર્દષ્ટાંત તે ´પૉટ્રેટ ઑવ્ ધ ડચેસ ઑવ્ મૉર્બિલ´. 1860માં તેમણે ´યંગ સ્પાર્ટન્સ એક્સરસાઇઝિંગ´થી પ્રાચીન ગ્રીક-રોમન વિષયના ચિત્રકાર તરીકેની પહેલ કરી. આમાં ગ્રામીણ પ્રાકૃતિક વાતાવરણની આદર્શરંગી નગ્નાકૃતિઓ નહિ, પણ સ્વાભાવિક પ્રકૃતિર્દશ્યોમાં આલેખાયેલી યુવાવયની વાસ્તવિક નગ્નાકૃતિઓ છે. 1861 પછી તે પ્રાચીન શાસ્ત્રીય અભિગમ છોડી પૅરિસના શહેરી જીવનમાંથી ચિત્રવિષયો શોધવા પ્રેરાયા અને તેમાં ઓગણીસમી સદીના ફ્રેંચ ચિત્રકારો કૂર્બે, મિલે તથા માનેમાંથી મળેલી પ્રેરણા સ્પષ્ટ ડોકાય છે.

1870–71ના ફ્રાન્સ-જર્મન યુદ્ધ દરમિયાન દગાએ તોપદળમાં સેવા આપી. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે રંગભૂમિ અને ઑરકેસ્ટ્રાનાં વૃંદોનું પોતાનાં ચિત્રોમાં ઝીણવટભર્યું આલેખન કર્યું. 1872માં તેઓ અમેરિકા ગયા અને ત્યાં પાંચ મહિનાના નિવાસ દરમિયાન તેમણે ´ન્યૂ ઑર્લિયન્સ કૉટન ઑફિસ´ ચિત્ર તૈયાર કર્યું. તેમાંની વ્યવસાયગત હલનચલનમાં મગ્ન બનેલી આકૃતિઓ તેમણે આલેખેલાં ઉત્તમ ર્દશ્યોમાં ગણના પામી છે.

1870થી તેમણે વાર્ષિક પ્રદર્શનમાં ભાગ લેવાનું બંધ કરી 1874થી માંડી છ વખત ઇમ્પ્રેશનિસ્ટ પ્રદર્શનોમાં ભાગ લીધો. જાહેર જનતાને આવાં સમૂહપ્રદર્શનોમાં કે ચિત્રવિક્રેતાને ત્યાં જ તેમનાં ચિત્રો જોવા મળતાં અને હંમેશાં તેમને વિરોધભર્યો તથા ઉપહાસભર્યો પ્રતિભાવ સાંપડતો. દગા ઉચ્ચ મધ્યમવર્ગી ચિત્રકાર હતા અને તેમની સારી અંગત આવક પણ હતી. એટલે જ મોટા પાયે યોજાતાં પ્રદર્શનોમાં દગા ભાગ લેવાને બદલે બીજા ચિત્રકારો તેમનાં ચિત્રો વેચાઈ શકે એ માટે વાર્ષિક પ્રદર્શનોમાં ભાગ લેતા નહિ.

નૃત્યાંગનાઓ વિશેનું તેમનું પ્રથમ ચિત્ર 1873માં આલેખાયું; ત્યારથી માંડીને બૅલે-નર્તકીઓ, ધોબીકામ કરતી સ્ત્રીઓ, સ્નાન અને વેશપરિધાનમાં મગ્ન સ્ત્રીઓ તથા કૅબરે ગાયિકાઓનાં પાત્રો તેમનો મુખ્ય ચિત્રવિષય બની રહ્યાં. પૅસ્ટલ કે રંગોની જેમ જ આ માનવ-આકારો પણ પ્રકાશ, રંગવૈવિધ્ય તથા રૂપવિધાન વિશેની તેમની સંશોધનપ્રક્રિયાની સામગ્રીરૂપ બની રહ્યા. ટૅકનિકની ર્દષ્ટિએ તે મહાન પ્રયોગકાર તથા પરિવર્તનકાર લેખાયા. તૈલચિત્રોની પરંપરાગત શૈલીની સૂક્ષ્મ જાણકારીના પરિણામે તેઓ અનેકવિધ માધ્યમો તથા મિશ્રણોના અખતરા કરી શક્યા. જેમ કે, શાહીચૂસ કાગળ વડે અમુક અંશે તેલ શોષી લીધા પછી તૈલરંગોને ટર્પેન્ટાઈન વડે પાતળા બનાવવા, ઉપરાઉપરી, રંગના સ્તર ચઢાવવા પૅસ્ટલનો ઉપયોગ કરવો અથવા જળરંગો સાથે અથવા સ્પિરિટ વડે કે પાણી વડે પાતળા કરેલા તૈલરંગો સાથે પૅસ્ટલનો ઉપયોગ, અપારદર્શક રંગદ્રવ્યોને પાણી સાથે લસોટી ગુંદર જેવા પદાર્થો વડે ઘટ્ટ બનાવીને ચિત્રકામ કરવું, ઈંડાનું ટેમ્પરા વાપરવું તેમ જ એચિંગ, ડ્રાયપૉઇન્ટ, મૉનોટાઇપ લિથોગ્રાફી, ઍક્વટિન્ટ તથા દરેક સામગ્રી વડે કરેલાં ડ્રૉઇંગ. ઉત્તરાવસ્થામાં તેમણે બીજી કોઈ પણ સામગ્રી કરતાં પૅસ્ટલનો વિશેષ ઉપયોગ કર્યો; વળી આંખો નબળી પડતી જવાથી તેમના ચિત્રવિષયનું નિરૂપણ મોકળાશભર્યું અને વ્યાપલક્ષી બન્યું; એટલું જ નહિ, તેમણે ચિત્રકામ ઓછું કરી મુખ્યત્વે શિલ્પકામ પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કર્યું. મીણમાં બનાવેલાં આવાં 74 શિલ્પોમાં મુખ્યત્વે બૅલેનર્તકો તથા ગતિમય આકૃતિઓનો સમાવેશ થાય છે. યુરોપભરમાં પ્રમુખ ચિત્રસંગ્રહાલયોમાં તેમનાં ચિત્રો કાયમી સ્થાન પામ્યાં છે; તેમનાં શિલ્પો લંડન તથા ન્યૂયૉર્કમાં પ્રદર્શિત થયેલાં છે.

મહેશ ચોકસી

અમિતાભ મડિયા