દક્ષિણ સુદાન : આફ્રિકા ખંડનો ભૂમિબંદિસ્ત દેશ.
ભૌગોલિક સ્થાન : 3થી 13 ઉ. અ. તથા 24થી 36 પૂ. રે. વચ્ચેનો 6,44,329 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની ઉત્તરમાં સુદાન, પૂર્વમાં ઇથિયોપિયા, દક્ષિણમાં કેન્યા, યુગાન્ડા, લોકશાહી પ્રજાસત્તાક કૉંગો અને પશ્ચિમે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક દેશ આવેલા છે. આ રીતે તેને કુલ છ દેશોની સીમાઓ સ્પર્શે છે. દક્ષિણ સુદાનને 10 રાજ્યોમાં તેમજ ત્રણ ઐતિહાસિક પ્રદેશોમાં વહેંચવામાં આવેલ છે. આ દેશે 9મી જુલાઈ 2011ના રોજ સ્વાતંત્ર્ય હાંસલ કર્યું.
પ્રાકૃતિક રચના અને જળપરિવહન : આ દેશ ઉષ્ણકટિબંધનાં જંગલો, પંકભૂમિ અને ઘાસભૂમિથી સભર છે. અહીં પારિસ્થિતિક પ્રદેશો (Ecoregion) આવેલા છે. જેમાં પૂર્વ સુદાનીયન સવાના, ઉત્તર કૉંગોલિયન જંગલો, સહરાના પૂરનિર્મિત ઘાસભૂમિ (sudd) સહેલિયન બાવળ સવાના, પૂર્વ આફ્રિકન પર્વતીય જંગલો અને ઉત્તરે બાવળનાં જંગલોનો સમાવેશ થાય છે. આ દેશમાંથી વ્હાઇટ નાઇલ નદી પસાર થાય છે. આ સિવાય અકોબો, બુસરી, લોલ, સુ, સોબત, કાંગેન વગેરે નાની નદીઓ આવેલી છે. વ્હાઇટ નદી અને ઉપનદીઓમાં આવતાં ભારે પૂરને પરિણામે સુદ(sudd) પ્રદેશ પંકયુક્ત બનેલો છે. જે વિશ્વના ગણનાપાત્ર અને મોટા પંકવિસ્તારો પૈકીનો એક છે.
આબોહવા, કુદરતી વનસ્પતિ તથા પ્રાણીજીવન : દક્ષિણ સુદાનનું ભૌગોલિક સ્થાન ઉષ્ણકટિબંધમાં આવેલું છે. તે ચારે દિશાએ ભૂમિબંદિસ્ત હોવાથી અત્યંત ગરમ આબોહવા ધરાવે છે. આબોહવાકીય લાક્ષણિકતા જોઈએ તો વર્ષાઋતુમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, પરિણામે શુષ્કઋતુમાં વરસાદનું પ્રમાણ અધિક રહે છે. જુલાઈ માસ પ્રમાણમાં ઠંડો રહે છે. મોટે ભાગે આ ગાળામાં તાપમાન 20થી 30 સે. જ્યારે માર્ચ માસમાં સૌથી વધુ તાપમાન 23થી 37 સે. રહે છે. અહીં વરસાદ મહત્તમ મે અને ઑક્ટોબર માસમાં થાય છે. કેટલીક વાર વરસાદ એપ્રિલથી નવેમ્બર સુધી પણ અનુભવાય છે. સમગ્ર વર્ષ દરમિયાન મે માસમાં સૌથી વધુ ભેજ હોય છે અને વાતાવરણ વાદળછાયું રહે છે.
વ્હાઇટ નાઈલ નદીકાંઠાના ભાગોમાં પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું હોવાથી વિશિષ્ટ પ્રકારનાં વનસ્પતિસમૂહો અને વૃક્ષો જોવા મળે છે. દક્ષિણ સુદાનમાં ટૂંકું ઘાસ, કાંટાળાં ઝાંખરાં, ઊંચા ઘાસનાં બીડ અને બાવળનાં વૃક્ષોના સમૂહો પૂર્વ-પશ્ચિમ લંબાયેલા પટ્ટાસ્વરૂપે આવેલાં છે. અહીંયાં ગોરડ બાવળનાં વૃક્ષો પરથી ગુંદર મેળવવાની પ્રવૃત્તિ થાય છે.
અહીંનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ તથા પક્ષીઓ નિવાસ કરે છે. પ્રાણીઓમાં ખાસ કરીને જંગલી ભૂંડ, હાથી, ચિમ્પાન્ઝી, જંગલી વાનરો, સાબર, હરણ, જિરાફ, સિંહ, જંગલી કૂતરા, જંગલી ભેંસ વગેરે જોવા મળે છે.
દક્ષિણ સુદાનમાં આરક્ષિત વિસ્તારોમાં બાન્ડીનગીલો રાષ્ટ્રીય ઉદ્યાન, જે વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ દ્વિતીય ક્રમે આવતું વન્યપ્રાણીઓનું સ્થળાંતરિત ક્ષેત્ર છે. આ સિવાય બીજાં રાષ્ટ્રીય ઉદ્યાન, સુદની પંકભૂમિ, દક્ષિણનો રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે આવેલા છે. સરકાર તરફથી અનેક પારિસ્થિતિ પ્રદેશો ઊભા કરાયા છે. જેમાં પૂર્વ, સુદાનીયન સવાના, ઉત્તરે કૉંગોલીયન જંગલ-સવાના પ્રદેશ, સહેલીઅન, બાવળ સવાના વગેરે મુખ્ય છે.
અહીં સદારહિત વિષુવવૃત્તીય જંગલો જોવા મળે છે. આ ઉપરાંત ન્યુબા પર્વતો પહાડી વનસ્પતિથી આચ્છાદિત છે. જંગલોમાંથી આદિમ જાતિજૂથોના લોકો ઇમારતી લાકડું તથા અન્ય પેદાશો મેળવવા કાર્ય કરે છે.
અર્થતંત્ર : આ દેશમાં વિવિધ પ્રકારની જમીનો નિર્માણ પામી છે. નૈર્ઋત્યમાં લેટેરાઇટ તેમજ પહાડી ક્ષેત્રોમાં પહાડી જમીન જ્યારે પૂરનાં મેદાનોની જમીનો કાંપવાળી હોવાથી ફળદ્રૂપ છે. અહીં મુખ્યત્વે વરસાદ પર આધારિત ખેતી કરવામાં આવે છે. આ દેશમાં મુખ્યત્વે કપાસ, ઘઉં, જવ, તલ, મકાઈ, કૉફી, શેરડી, ડાંગર, મગફળી, ચા, એરંડા, કસાવા, ફળો અને શાકભાજી, ઘાસચારો વગેરેની ખેતી થાય છે.
અહીં આવેલા ‘Sub-Saharan Alrica’માં સૌથી મોટો અનુમાનિત ખનિજતેલનો જથ્થો રહેલો છે, જે સુદાન કરતાં ચાર ગણો હોવાનું મનાય છે. આ દેશમાંથી ઇમારતી લાકડાની સૌથી વધુ નિકાસ થાય છે. અહીંની કુદરતી સંપત્તિમાં ખનિજતેલ, લોહઅયસ્ક, તાંબુ, ક્રોમિયમ, અયસ્ક, જસત, ટંગસ્ટન, અબરખ, સોનુ, હીરા, ચૂનાનો પથ્થર અને જળવિદ્યુત મુખ્ય છે. ખનિજતેલનું ઉત્પાદન મેળવવામાં ‘China National Petroleum Corporation’ કંપનીએ સૌથી મોટું રોકાણ કર્યું છે.
આ દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ વિકાસ સાધી શકાયો નથી. જેના માટે અપૂરતી પરિવહન સેવાઓ, નીચું જીવનધોરણ, રાજકીય અસ્થિરતા જવાબદાર લેખાય છે. અહીં મોટે ભાગે સુતરાઉ કાપડવણાટ, ખાંડ, સાબુ, સિગારેટ, દવાઓ, ખનિજતેલ-શોધન, કાગળ અને કાગળનો માવો બનાવવાના એકમો આપેલાં છે. આ સિવાય ફળો અને શાકભાજીને લગતા ઉદ્યોગો વિકસ્યા છે.
પરિવહન-વ્યાપાર-પ્રવાસન : આ દેશમાં સડકમાર્ગોનું પ્રમાણ તદ્દન ઓછું છે. પાકી સડકોનો અભાવ જોવા મળે છે. પાટનગર જુબા(Juba)ની આસપાસની વસાહતોને સાંકળતા સડકમાર્ગો આવેલા છે. અહીં 248 કિમી. લંબાઈના રેલમાર્ગો આવેલા છે. કેન્યા અને યુગાન્ડા દેશોના રેલમાર્ગો સાથે પાટનગર જુબાને સાંકળવાનું આયોજન થયું છે. સૌથી વધુ વિકાસ પામેલા અને ગીચ ટ્રાફિક ધરાવતું હવાઈમથક જુબા છે. આ હવાઈમથક કેરો, નૈરોબી, એડિસ અબાબા, ખાર્ટૂમ, અસ્મારા વગેરે આંતરરાષ્ટ્રીય ઉડાનો સાથે સંકળાયેલ છે. અને જે આ દેશની હવાઈસેવા આપતી કંપની છે.
આ દેશના વ્યાપારની મુખ્ય નિકાસ થતી વસ્તુઓમાં રૂ, તલ, સોનું, ખનિજતેલ, ઇમારતી લાકડું મુખ્ય છે. જ્યારે આયાતી વસ્તુઓમાં યંત્રો, વાહનોના પુરજા રસાયણો, ખાદ્ય સામગ્રી અને પેટ્રોલિયમ પેદાશો છે. મોટે ભાગે આ દેશના વ્યાપારિક સંબંધો બ્રિટન, સાઉદી અરેબિયા, જર્મની, જાપાન, થાઇલૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, યુ.એ.ઈ., ભારત અને ચીન સાથે છે.
આ દેશમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને રક્ષિત પ્રદેશો છે. તે વિવિધ પ્રકારનાં જંગલી પ્રાણીઓ તથા પક્ષીઓથી સમૃદ્ધ છે. અહીંની સરકારે શિકાર કરવાની છૂટ આપેલી હોવાથી પ્રવાસીઓ વધુ આકર્ષાય છે. વિદેશી સહેલાણીઓને પાલતુ હાથી કે ખુલ્લા વાહન પર સવારી કરાવવાની તેમજ ફોટોગ્રાફ લેવાની સગવડો અપાતી હોવાથી પ્રવાસીઓ વધુ આકર્ષાય છે.
વસ્તી અને વસાહત : આ દેશની વસ્તી આશરે 110 લાખ (11 મિલિયન) છે. આ દેશમાં થયેલા ગૃહ યુદ્ધને કારણે 20 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા અને 40 લાખ લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. આ દેશના વંશીય માળખામાં દિન્કા (Dinka), નુએર (Nuer), અઝાન્ડ (Azanda), બારી (Bari), શિલ્લુક (Shilluk) જાતિના લોકો વસે છે. તેઓ મોટે ભાગે સુન્ની મુસ્લિમ જ્યારે પરંપરાગત પૈચાશિક માન્યતા ધરાવતા લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવેલ છે.
દિન્કા જાતિના લોકોની વસ્તી 10 લાખ કરતાં વધુ છે. એટલે કે 45 ટકા જ્યારે નુએર લોકોનું પ્રમાણ કુલ વસ્તીના આશરે 5 ટકા છે. જાતિવાદના સંઘર્ષોને કારણે આશરે 8 લાખ લોકોએ સ્થળાંતર કર્યું છે. આ દેશની શિક્ષણવ્યવસ્થા લગભગ કેન્યા જેવી છે. એટલે કે 8 વર્ષ પ્રાથમિક, 4 વર્ષ માધ્યમિક અને ત્યાર બાદ 4 વર્ષ યુનિવર્સિટીના માળખામાં આવે છે. આ દેશમાં અંગ્રેજી ભાષા, વિજ્ઞાનના અને તકનીકીશાખાના શિક્ષકોની માંગ વધુ છે. અંગ્રેજી ભાષા એ મુખ્ય છે. જ્યારે રાષ્ટ્રીય ભાષાઓમાં દિન્કા, નુએર, મુરલે (Murle), લુઓ (Luo), માડી (Madi), ઓટુહો (Otuho) અને ઝાન્ડે (Zande) છે. તદ્ઉપરાંત 60 જેટલી તળપદી ભાષા પણ બોલાય છે.
નીતિન કોઠારી