દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠન

March, 2016

દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠન (South-West Africa People´s Organization – SWAPO) : દક્ષિણ આફ્રિકાની રંગભેદનીતિથી પ્રેરિત સરકારના તેના રાજકીય આધિપત્યમાંથી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાને (હાલના નામિબિયા) આઝાદી મળે તે માટે લડત આપનાર પક્ષ.

પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા (નામિબિયા) જર્મનરક્ષિત વિસ્તાર હતો. 1920માં લીગ ઑવ્ નૅશન્સ પાસેથી દક્ષિણ આફ્રિકાએ મૅન્ડેટ પ્રદેશ તરીકે તેનો વહીવટ સંભાળ્યો. 1946માં લીગ ઑવ્ નૅશન્સનું સમાપન થતાં દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા(નામિબિયા)ના રાજકીય દરજ્જાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો. ´મૅન્ડેટ´ પ્રથાનું સ્થાન યુનાઇટેડ નૅશન્સ(U.N.O.)ની ટ્રસ્ટીશિપ-પ્રથાએ લીધું. દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારે આ બદલાયેલી પરિસ્થિતિને સ્વીકારવાનો ઇનકાર કરીને ´બાન્ટુસ્તાન´ની સ્થાપના કરી (1968). યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભા (General Assembly)એ 11 રાષ્ટ્રોની સમિતિ નિયુક્ત કરી, જેનો હેતુ દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા(નામિબિયા)નો વહીવટ કરીને તેને આઝાદીના માર્ગે અગ્રેસર કરવાનો હતો. આમ, 1966માં યુનાઇટેડ નૅશન્સે ´મૅન્ડેટ´ રદ કરીને દક્ષિણ-પશ્ચિમ અફ્રિકાનો વહીવટ સીધો પોતાના હાથમાં લીધો. જોકે દક્ષિણ આફ્રિકાએ યુનાઇટેડ નૅશન્સના આ પગલાને માન્ય રાખ્યું ન હતું. ઊલટું, તેણે આ વિસ્તારમાં રંગભેદની નીતિ પર આધારિત ´આદિવાસી વતન´(ટ્રાઇબલ હોમલૅન્ડ)ની નીતિનો અમલ શરૂ કર્યો.

1968માં યુનાઇટેડ નૅશન્સે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાને સ્થાને ´નામિબિયા´ એવું નામ સત્તાવાર રીતે સ્વીકાર્યું. આફ્રિકન રાષ્ટ્રવાદીઓ દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાને ´નામિબિયા´ તરીકે ઓળખતા. 1971માં યુનાઇટેડ નૅશન્સની સલામતી સમિતિએ વિશ્વ અદાલત સમક્ષ દક્ષિણ આફ્રિકાના આ પ્રદેશ પરના અંકુશ બાબતે સલાહકારી અભિપ્રાય આપવા માટે વિનંતી કરી હતી. આ વિનંતીના અનુસંધાનમાં વિશ્વ અદાલતે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા (નામિબિયા) પરના દક્ષિણ આફ્રિકાના અંકુશ અને વર્ચસને ગેરકાયદેસર તથા તેણે અપનાવેલી રંગભેદની નીતિ યુનાઇટેડ નૅશન્સના ખતપત્રનો ભંગ કરે છે તેમ ઠરાવ્યું. આમ છતાં દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા(નામિબિયા)ના આઝાદીના પ્રશ્ને કોઈ મચક ન આપી.

1966 સુધી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા(નામિબિયા)ના રાષ્ટ્રવાદી પક્ષે યુનાઇટેડ નૅશન્સના ટેકા અને પ્રયાસો પર આધાર રાખ્યો હતો. પરંતુ 1962માં દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનમાં જોડાયેલા નુજોમાએ એમરુમ્બા કેરી પાસેથી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનની નેતાગીરી આંચકી લીધી તથા તેને એક ગેરીલા આંદોલનમાં ફેરવવાની તૈયારી શરૂ કરી. 1966માં દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનને સૌપ્રથમ વાર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ગેરીલા લડતની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો. 1966–79 સુધી નુજોમાની નેતાગીરી નીચે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોક-સંગઠને ઝામ્બિયા તથા ઍંગોલા ખાતેનાં પોતાનાં મથકો પરથી દક્ષિણ આફ્રિકા પર હુમલા શરૂ કર્યા. આ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા(નામિબિયા)ની આઝાદીના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય ટેકો મળી રહે તે માટે નુજોમાએ લુસાકા ખાતેના પોતાના વડામથકેથી પ્રયત્નો હાથ ધર્યા. પરિણામે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનના પ્રયાસોને ક્યૂબા અને સોવિયેત સંઘનો ટેકો મળી રહ્યો (1964). દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનને નામિબિયાના ઉત્તરે આવેલ આમ્બો લોકોનો મજબૂત રાજકીય ટેકો સાંપડ્યો હતો.

કાસિંગા (ઍંગોલા) દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનની ગેરીલા લડત માટેનું મુખ્ય મથક હતું. અહીંથી ગેરીલા હુમલા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન થતું હતું. આથી 1978 પછી દક્ષિણ આફ્રિકાએ ઍંગોલા પર અવારનવાર ભૂમિ અને હવાઈ હુમલાઓ શરૂ કર્યા.

દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનની આતંકવાદી પ્રવૃત્તિઓમાં વિદ્યુતમથકો, પાણીની પાઇપલાઇનો તથા ટેલિફોન લાઇનોના વિનાશનો સમાવેશ થતો હતો. આવી આતંકવાદી પ્રવૃત્તિઓના સંચાલન માટે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠનના સહસ્થાપક હર્મન ટોઈવો જા ટોઈવોને લાંબી કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠન સાથે સંલગ્ન ગેરીલાઓની સંખ્યા 4,000(1978)થી વધીને 8,000 (1981) થઈ હતી.

નામિબિયાના લોકોના અવિરત વિદ્રોહ અને આંતરરાષ્ટ્રીય ફલક પર દક્ષિણ આફ્રિકાની સરકારની નામિબિયા પ્રત્યેની નીતિ પ્રત્યેના ફિટકારને લીધે 5 ઑક્ટોબર, 1988ના રોજ ઍંગોલા, ક્યૂબા, દક્ષિણ આફ્રિકા અને નામિબિયા વચ્ચે શાંતિસંધિ થઈ. બંધારણ પરિષદની રચના માટે નવેમ્બર, 1989માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીઓના પરિણામસ્વરૂપે 30 વર્ષ સુધી નામિબિયાની આઝાદી માટે સબળ નેતૃત્વ પૂરું પાડનાર દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠને સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. 21 માર્ચ, 1990ના રોજ યુનાઇટેડ નેશન્સના ´મૅન્ડેટ´ નીચે નામિબિયા સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

નવનીત દવે