દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ
March, 2016
દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ : અગ્નિ એશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિ એશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની ર્દષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે ઈસવી સન 20થી 1200ના સમયગાળા દરમિયાન આ અસર ક્રમશ: ફેલાઈ. અગ્નિએશિયામાં ભારતમાંથી સૌપ્રથમ વેપારીઓ અને ત્યારબાદ વસાહતીઓ કાંઠાળ વિસ્તારો તથા મુખ્ય નદીઓ અને માર્ગોની નજીકના પ્રદેશમાં આવી વસ્યા. ભારતીય વેપારીઓ તથા વસાહતીઓના પગલે પગલે ભારતના બે મહાન ધર્મો હિંદુ ધર્મ તથા બૌદ્ધ ધર્મનું પણ આગમન થયું. અગ્નિએશિયાની ભવ્ય કલાપ્રવૃત્તિ માટે આ બે ધર્મો પ્રેરણાસ્રોત બની રહ્યા. વળી બૌદ્ધ સાધુઓ તેમજ યાત્રિકોના નિરંતર પ્રવાસ પણ આ વિશાળ અને વિભિન્નતાભર્યા ભૂમિપ્રદેશમાં સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વનું કારણ બની રહ્યા.
ભારતીય સંસ્પર્શ પામેલી અગ્નિએશિયાની સંસ્કૃતિઓ પૈકી કલાર્દષ્ટિએ તેમજ રાજકીય રીતે સૌથી મહત્વની તે કંબોડિયાની સંસ્કૃતિ. ભારતીય વસાહતીઓએ સૌપ્રથમ કંબોડિયામાં ઈસવી સનના પ્રથમ શતકમાં વસવાટ શરૂ કર્યો. ઈસવી સનની પ્રથમ સદીમાં ફૂનાન વંશની અને ત્યારબાદ ઈસવી સનની પાંચમી સદીમાં ચેન-લા વંશની સ્થાપના થઈ હતી. આ બંને રાજ્યપ્રદેશોનાં ખંડેરોનું ઉત્ખનન હાથ ધરાયું છે; ત્યાંથી પથ્થરમાં ઉત્કૃષ્ટ કૌશલ્યપૂર્વક કંડારેલી હિંદુ અને બૌદ્ધ દેવદેવીઓની શ્રેણીબંધ મૂર્તિઓ મળી આવી છે. એમાં બુદ્ધની કેટલીક મૂર્તિઓ કાષ્ઠની પણ છે. આ બધી મૂર્તિઓ કદાચ ઈંટચણતરથી રચેલાં પૂજાસ્થાનોમાં ગોઠવાઈ હશે અને આ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિધિવિધાનનાં કેન્દ્રો બની રહ્યાં હશે. કંબોડિયાની આ પ્રારંભિક કલાપ્રવૃત્તિઓમાં સુખોપભોગ પ્રત્યેનો ઝોક તથા માનવ-અંગોની રચનાની ઝીણવટભરી માવજત એ તરી આવતી બાબતો છે; આ લાક્ષણિકતા ભારતીય શિલ્પકલાનો પ્રભાવ દર્શાવે છે.
કંબોડિયાની સંસ્કૃતિ સોળે કળાએ ખીલી ઊઠી તે તો ખ્મેર (Khmer) સામ્રાજ્ય દરમિયાન. સાતમીથી પંદરમી સદી સુધી આ રાજવીઓએ હાલના કંબોડિયા અને લાઓસના મોટા ભાગના પ્રદેશો પર શાસન કર્યું. ખ્મેર કલાનાં મૂળ ભારતીય સંસ્કૃતિ તથા કલાતત્વ સાથે ર્દઢપણે સંકળાયેલાં છે; પણ વિશેષ કરીને સ્થાપત્યકલા વિશે અને સ્થાપત્યલક્ષી સુશોભનોના ક્ષેત્રે વિશાળકાય અને અતિભવ્ય આકારો, આકૃતિઓ વડે ખ્મેર કલાએ નિજી મુદ્રા ઉપસાવી છે. દેવો અને રાજવીઓના ઉત્તરોત્તર માનભર્યા મોભા, સાતમી સદીનાં ઈંટચણતરનાં એકાંતિક પૂજાસ્થાનોને બદલે ખ્મેર રાજવીઓએ અતિવિશાળ ધાર્મિક ઇમારતો બાંધવાનો પ્રારંભ કર્યો; તેની ચરમસીમા તે અંગકોર નગરનું મંદિરોનું મહાસંકુલ (નવમીથી તેરમી સદી). અત્યાર સુધીમાં બંધાયેલી ઇમારતો પૈકી સ્થાપત્ય અને શિલ્પકલાનું આ ભવ્ય અને સંકલિત સંકુલ લેખાય છે. પથ્થરોમાં કંડારાયેલું આ એક પ્રચંડ નિર્માણ છે. ઉપાસના-ખંડો, પરસાળો અને દાદરા વગેરેથી સુયોજિત રીતે સંકળાયેલ આ વિશાળ મંદિરસંકુલમાં દરેક રાજવી પોતાના પૂર્વજ કરતાં વધારે કીર્તિવંત દેખાવાના આશયથી નવું નવું કલાત્મક ઉમેરણ કરતા ગયા; પરિણામે આ અનોખી ઇમારતનાં કદ તથા ભવ્યતા અનન્ય બનતાં ગયાં. 1500 મી. × 1300 મી.ના અતિવિશાળ ભૂમિવિસ્તારમાં પથરાયેલાં અંગકોરવાટનાં તમામ મંદિરોમાં ત્રિપરિમાણવાળી મૂર્તિઓ સ્થાપેલી છે, વળી માઈલોના માઈલ સુધી ભીંત પર જ્યાં જ્યાં ખાલી જગા મળી ત્યાં ત્યાં ઉપસાવેલાં શિલ્પાંકનો વડે ઇંચેઇંચ જગ્યા મનભર સુશોભનથી કંડારેલી છે. પંદરમી સદીમાં ખ્મેર સામ્રાજ્યનું પતન થતાં અંગકોર શહેર છોડી દેવું પડ્યું હતું.
મધ્ય અને દક્ષિણ વિયેટનામમાં ચૅમ પ્રજાનું ચંપા નામનું રાજ્ય હતું. તે પણ ભારતીય સંસ્કાર પામેલું અને બહુધા હિંદુ રાજ્ય હતું. એ રાજવીઓએ નાનાં પરંતુ શ્રેણીબંધ શિખરબંધી હિંદુ મંદિરોનું નિર્માણ કર્યું અને તે તમામ ઝીણવટભર્યાં સુશોભનથી કંડારેલાં હતાં. ચૅમ મંદિરોના સ્થાપત્યમાં મંડપો તથા ગવાક્ષો પર બહુલક્ષી વળાંકો ધરાવતી કમાનો તેનું લાક્ષણિક અંગ લેખાય છે. કૌશલ્યપૂર્વક કંડારાયેલા ત્રિપરિમાણી આકારો એ ચૅમ શિલ્પકલાની અનન્યતા છે.
પૂર્વની મોન પ્રજાએ સ્થાપેલ દ્વારાવતી રાજ્ય હાલના થાઇલૅન્ડનું સૌપ્રથમ મહત્વનું સામ્રાજ્ય હતું. મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળતી આ મોન પ્રજાએ વિશાળ સમૂહમાં અતિમહત્વના સ્તૂપ-સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું. તેના બહુ જૂજ અવશેષ રહ્યા છે. મોન-દ્વારાવતી કલાના સૌથી અગત્યના નમૂના બચવા પામ્યા છે તે છે છઠ્ઠીથી આઠમી સદીનાં બુદ્ધવિષયક શિલ્પો. આ શિલ્પાકૃતિઓ કાંસા કે પથ્થરમાં કંડારાયેલી છે અને તેમાં તત્કાલીન ઉત્તર ભારતીય શિલ્પકલાનો દેખીતો પ્રભાવ છે. જોકે તે શિલ્પાંકનોના ચહેરા મોન પ્રજાને મળતા આવે છે અને એ સ્વાભાવિક પણ છે. મોન-દ્વારાવતી કલા પરત્વે સુમાત્રાના અતિશક્તિશાળી શ્રીવિજય નામના રાજ્યનો પણ ભારે પ્રભાવ પડ્યો હતો. બોધિસત્વ નામની અતિજાણીતી અને લાલિત્યપૂર્ણ શિલ્પાકૃતિ (આઠમી સદી) શ્રીવિજય રાજ્યકાળના પ્રભાવનું જ પરિણામ મનાય છે. અગિયારમી સદીમાં દ્વારાવતી ખ્મેર સામ્રાજ્યનો ભાગ બન્યું ત્યારપછી તેનાં શિલ્પ-સ્થાપત્યમાં ખ્મેર શૈલીનો પ્રભાવ ઝિલાયો.
બર્માની કલા પણ મુખ્યત્વે બૌદ્ધધર્મલક્ષી હતી. અગિયારમી સદીમાં બર્માના રાજા અનાવર્તે વિભાજિત બર્માને એકત્રિત કરી મોન સાધુઓ તેમજ કસબી કારીગરોને પાટનગર પગાનમાં એકઠા કર્યા. એ રીતે પગાનનું સતત વિસ્તરણ કરી તેમાં અવનવાં સુશોભનોનું નિરંતર ઉમેરણ થતું રહ્યું હતું. છેવટે 1287માં માગોલોએ તે વિસ્તાર જીતી લીધો ત્યારથી એ કલાપ્રવૃત્તિ થંભી ગઈ; પરંતુ અગ્નિએશિયામાં એક વાર અતિપ્રચલિત બનેલ ઈંટ-પ્લાસ્ટરનાં સંકુલોના સૌથી મહાન અને ભવ્ય નમૂના તરીકે પગાન આજે ગૌરવપૂર્વક ખડું છે.
ભારતીય વેપારીઓ તથા વસાહતીઓ સૌપ્રથમ ઇન્ડોનેશિયાના ટાપુઓ પર પહોંચ્યા હતા અને પોતાની સાથે તે હિંદુ ધર્મ તથા બૌદ્ધ ધર્મ એમ બંને ધર્મો પણ લેતા ગયા હતા. ત્રીજીથી છઠ્ઠી સદી સુધી સુમાત્રાની રાજધાનીમાં દેખીતી રીતે જે બૌદ્ધ મઠોનું નિર્માણ થયું હતું, ત્યાંથી બુદ્ધની એક અતિસુંદર કાંસ્ય પ્રતિમા મળી આવી છે. જાવાનાં સૌથી પ્રાચીન સ્મારકો હિંદુ મંદિરો છે. તેમનું નિર્માણ જ્વાળામુખી પર્વતોના મેદાની પ્રદેશોમાં થયું છે અને એ તમામ મંદિરો શિવાલયો છે. આશરે 800માં બોરોબુદુર ખાતે પથ્થરો વડે અતિભવ્ય બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ થયું હતું. તેમાં કંડારાયેલી આલંકારિક શિલ્પની ભરચક સમૃદ્ધિ બેનમૂન લેખાય છે. ´મંડળ´ પ્રકારના નિર્માણનું એટલે કે વૈશ્વિક (cosmic) આકૃતિના નિરૂપણને લગતું વિશ્વનું આ સૌથી મોટું સ્થાપત્ય-નિર્માણ છે.
જાવાનું સૌથી મોટું ધાર્મિક સંકુલ તે લારા જોંગરેંગ ખાતે આવેલું હિંદુ મંદિર છે. તે આશરે 900માં પ્રમ્બનન ખાતે નિર્માણ પામ્યું હતું. આ પ્રમ્બનન સંકુલમાં મૂળે તો 232 જુદાં જુદાં મંદિરોને એકત્રિત કરી લેવાયાં હતાં. આ મંદિરોનાં શિખરો નાજુક અને નમણા બૌદ્ધધર્મી સ્તૂપોથી સુશોભિત કરાયેલાં છે. પૂર્વના બે મહાન ધર્મો પ્રાચીન ઇન્ડોનેશિયામાં સમરસ થઈ ગયા હતા તેનું આ ઇમારત લાક્ષણિક ર્દષ્ટાંત છે. તેમાં ઉત્કૃષ્ટ આકૃતિઓના સ્થાપત્ય વડે બોરોબુદુરના બૌદ્ધધર્મી નિર્માણની શૈલી પ્રમાણે ગોખ ફરતે હિંદુ મહાકાવ્યો આલેખાયાં છે.
રવીન્દ્ર વસાવડા