દક્ષિણ ધ્રુવ : પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ધ્રુવ ઍન્ટાર્ક્ટિકા ખંડથી આવૃત છે.
દક્ષિણ ધ્રુવ શબ્દ ઍન્ટાર્ક્ટિક વિસ્તારમાંના હિમજથ્થા નીચે રહેલાં એક કરતાં વધુ અર્દશ્ય સપાટીબિંદુઓ માટે વપરાય છે. આ પૈકીનું વધુ જાણીતું બિંદુ તે દક્ષિણ ભૌગોલિક ધ્રુવ છે. અન્ય મહત્વનાં દક્ષિણ ધ્રુવ બિંદુઓ પૈકી તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ, સંતુલનનો દક્ષિણ ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવનો સમાવેશ થાય છે.
(1) દક્ષિણ ભૌગોલિક ધ્રુવ (the south geographic pole) : આ દક્ષિણ ધ્રુવીય બિંદુ ઍન્ટાર્ક્ટિકાની મધ્યમાં એવા સ્થાને આવેલું છે જ્યાં ગોળા પરના બધા જ રેખાંશ ભેગા થાય છે. આ બિંદુ હિમજન્ય બરફ જથ્થા પર 2,800 મીટરની ઊંચાઈએ રહેલું છે. નૉર્વેનો આરોહક રોઆલ્ડ ઍમંડસેન ગ્રેટ બ્રિટનના રૉબર્ટ સ્કૉટની રાહબરી હેઠળની ટુકડીના ત્યાં પહોંચવાનાં (17-1-1912) પાંચ અઠવાડિયાં અગાઉ (14-12-1911) પહોંચી ગયેલો. 1956માં યુ.એસ.દ્વારા અહીં ઍમંડસેન-સ્કૉટના સંયુક્ત નામે કાયમી ધોરણે વૈજ્ઞાનિક સ્થાનક તરીકે દક્ષિણ ધ્રુવમથક સ્થાપિત કરેલું છે.
(2) તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ (the instantaneous south pole) : આ બિંદુ ગોળામાંથી પસાર થતી ધરી ભૂમિસપાટીને છેદીને બહાર નીકળે છે એ સ્થાનને ગણવામાં આવે છે. પૃથ્વી જેમ જેમ તેની ધરી પર અક્ષભ્રમણ કરે છે તેમ તેમ તેમાં ફરતા રહેતા તેમજ ઘૂમરી ખાતા જતા ભમરડાની જેમ વમળગતિ પેદા થાય છે. આ કારણે આ ધ્રુવબિંદુ ઘૂમરી ખાતું રહે છે. આ ધ્રુવ વામાવર્ત બાજુએ અનિયમિત પથમાં ઘૂમવામાં 14 માસનો સમય લે છે. આ ગોળાકાર પથને ચેન્ડલર ચક્ર કહે છે, જેનો વ્યાસ 30 સેમી. કરતાં ઓછા અંતરથી માંડીને લગભગ 21 મીટર સુધી બદલાતો રહે છે.
(3) સંતુલનનો દક્ષિણ ધ્રુવ (the south pole of balance) : દક્ષિણ ધ્રુવનું આ બિંદુ ચેન્ડલર ચક્રની મધ્યમાં સ્થિત હોવાનું ગણવામાં આવે છે, અર્થાત્, તેની સ્થિતિ દક્ષિણ ભૌગોલિક ધ્રુવબિંદુને મળતી આવે છે. આ બિંદુ ઈ. સ. 1900થી આજ સુધીમાં પ્રતિવર્ષ આશરે 15 સેમી.ના દરથી ઑસ્ટ્રેલિયા તરફ ખસતું ગયું છે.
(4) ચુંબકીય દક્ષિણ ધ્રુવ (the south magnetic pole) : હોકાયંત્રની ચુંબકીય સોય દિશાનિર્દેશ કરે છે એ સ્થાનને આ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ બિંદુ પ્રતિવર્ષ વધુમાં વધુ 8 કિમી.ના અંતરમાં ફરતું રહી શકે છે. આજે તે ´વિલ્ક્સ લૅન્ડ´ના કિનારાથી થોડેક દૂર રહેલું છે.
(5) ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ (the geomagnetic south pole) : આ ધ્રુવ દક્ષિણ ભૌગોલિક ધ્રુવબિંદુથી આશરે 1,400 કિમી. દૂર વિન્સીનીઝના અખાત તરફ સ્થિત છે. ઉપલા વાતાવરણમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુથી દૂર ઉપર તરફ ફંટાયેલું રહે છે.
ધ્રુવોની સ્થિતિ આજે જ્યાં છે ત્યાં ભૂસ્તરીય અતીતમાં એકસરખી રહી નથી, લાંબા ગાળાના અંતરે તેનાં સ્થાન બદલાતાં રહ્યાં છે; જેમ કે, પરમિયન કાળ (28 કરોડ વર્ષથી 22.5 કરોડ વર્ષ વચ્ચેનો કાળગાળો) વખતે દક્ષિણ ધ્રુવ દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ નજીક હતો, જે પૃથ્વીના પ્રાચીન ચુંબકત્વ પરથી અને પ્રાચીન ચુંબકત્વખડકો પરથી જાણી શકાય છે. ખડકચુંબકત્વના અભ્યાસ પરથી ભૂતકાળ દરમિયાન ચુંબકીય ધ્રુવોની સ્થિતિનો નિર્ણય કરવાનું શક્ય બન્યું છે. દ. ધ્રુવના સ્થાન પર ઊભા રહી હોકાયંત્ર રાખતાં તેની સોય ગોળ ગોળ ફર્યા કરે છે.
ગિરીશભાઈ પંડ્યા