દક્ષિણ દિનાજપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના 23 જિલ્લાઓમાંનો એક જિલ્લો. 1 એપ્રિલ, 1992ના વર્ષમાં બિહાર રાજ્યના કેટલાક વિસ્તાર સાથે નવા બે જિલ્લા બનાવાયા જે ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર. અગાઉ તે પશ્ચિમ દિનાજપુર તરીકે ઓળખાતો હતો.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 10´ ઉ. અ. થી 26 35´ ઉ. અ. અને 87 00´ પૂ. રે.થી 89 00´ પૂ. રે.ની વચ્ચે આવેલ છે. આ જિલ્લાની પૂર્વે બાંગ્લાદેશ, પશ્ચિમે અને દક્ષિણે માલ્દા જિલ્લો જ્યારે ઉત્તરે ઉત્તર દિનાજપુરની સીમા ધરાવે છે.
પશ્ચિમ બંગાળમાં વહેતી ગંગા અને પદમા નદીએ આ વિસ્તારને બે વિભાગમાં વિભાજી છે : ઉત્તર બંગાળ અને દક્ષિણ બંગાળ. ભૌગોલિક દૃષ્ટિએ ઉત્તર બંગાળ મુખ્યત્વે બે વિભાગમાં વહેંચાય છે. પર્વતીય વિસ્તાર અને મેદાની વિસ્તાર. જેમાં દક્ષિણ દિનાજપુર જિલ્લો તે મેદાની વિસ્તારનો એક ભાગ છે. આગળ જતાં તેના પણ બે ભાગ પડે છે જેમાં ઉચાણવાળો ભાગ, નીચાં મેદાનો અને આગળ જતાં સમુદ્ર તે સપાટીને સમકક્ષ બને છે. પરિણામે આ વિસ્તારમાં નદી અનેક શાખા–વિશાખાઓમાં વહેંચાઈ જાય છે.
આ પ્રદેશ બરીન્દ ભૂમિ તરીકે ઓળખાય છે. જેમાં જૂના કાંપવાળી જમીનનો સમાવેશ થાય છે. આવી જમીનનું દળ 27 મીટરથી 45 મીટર વચ્ચેનું હોય છે. અહીંનો Moribund એટલે કે ‘મેદાનો સમુદ્રની સપાટીએ આવેલો વિભાગ’ તરીકે ઓળખાય છે. આથી ઉત્તર બંગાળનાં મેદાનો 27 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે. પરિણામે આ વિસ્તારો કાદવકીચડવાળા જોવા મળે છે. દક્ષિણ દિનાજપુરનો જિલ્લો 27 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ગંગા અને બ્રહ્મપુત્રા વિપુલ પ્રમાણમાં કાંપ નિક્ષેપ કરે છે. પરિણામે તિસ્તા નદીનાં મેદાનો પ્રમાણમાં નીચાં જોવા મળે છે.
આ જિલ્લામાં નદીઓનું પ્રમાણ અધિક છે. અત્રાઈ (Atrai), પુનર્ભબા અને તાંગન – આ ત્રણ નદીઓનો વહન માર્ગ ખૂબ ટૂંકો છે. ઇચ્છામતી અને યમુના નદીઓ મુખ્ય છે. ઉનાળામાં મોટા ભાગની નાની નદીઓ નાળાં સ્વરૂપે વહે છે. ફક્ત ચોમાસાની ઋતુમાં નાની નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળે છે.
નદીઓ સિવાય અહીં અનેક તળાવો (tank) અને કુદરતી રીતે બનેલાં નાનાં સરોવર (pond) આવેલાં છે. કેટલાંક તળાવો સરોવરો જેવાં વિશાળ હોય છે. જેવાં કે તપનદીધી, કાલદીધી, ધલદીગી, મહિપાલદીધી અને પ્રાણસાગર વગેરે. જેમાં તપનદીધી તળાવ સૌથી મોટું છે. આ તળાવોનો ઉપયોગ સિંચાઈ, મત્સ્યઉછેર તેમજ પીવાના પાણીના સ્રોત માટે પણ થાય છે.
આબોહવા – કુદરતી વનસ્પતિ : અહીં બારેમાસ ઉષ્ણકટિબંધીય ચોમાસાની ઋતુ અનુભવાય છે. ઉનાળાની ઋતુમાં મે માસ સૌથી ગરમ અનુભવાય છે. સરેરાશ તાપમાન 32 સે. રહે છે. જ્યારે શિયાળાની ઋતુમાં જાન્યુઆરી/ફેબ્રુઆરી માસનું સરેરાશ તાપમાન 18 સે. રહે છે. વર્ષાઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન વરસાદ મહત્તમ પ્રાપ્ત થાય છે. અહીં સરેરાશ વરસાદ 388 મિમી. જેટલો પડે છે. આમ તો અહીં બારેમાસ થોડોઘણો વરસાદ પડતો જ રહે છે.
આ જિલ્લામાં કુદરતી વનસ્પતિની ટકાવારી ખૂબ ઓછી છે. ફક્ત 0.36% વિસ્તારમાં જ જંગલો આવેલા છે. કુલ વિસ્તારની સરખામણીએ સરેરાશ 33% જંગલો હોવાં જોઈએ. અહીં દરિયાકાંઠાની અને પંકભૂમિની વનસ્પતિ જોવા મળે છે. જેમાં હિજલ, સાલ, જુજુબા, લાકપાસનું વૃક્ષ, ફણસ, આંબો વગેરે જિલ્લાનો મોટો ભાગ ઝાડી-ઝાંખરાં અને ઘાસથી છવાયેલો જોવા મળે છે.
અર્થતંત્ર – પરિવહન : આ જિલ્લાના અર્થતંત્રમાં ખેતીનો ફાળો મહત્તમ છે. અહીંની જમીન જૂના કાંપની છે. નદીઓએ વર્ષોથી કાંપ નિક્ષેપિત કર્યો છે. પરિણામે જમીન વધુ દળદાર છે. જેનો રંગ પ્રમાણમાં રાતો છે. સમય જતાં તે પીળા રંગની લાગે છે. લાંબા સમય સુધી આ જમીન ઉપર પાણી ભરાયેલું રહે છે. તે વિસ્તારને ‘બિલ’ કહે છે. કેટલાક વિસ્તારની જમીન ઝીણા કંકરવાળી જોવા મળે છે. નદીના મુખત્રિકોણ વિસ્તારમાં જમીન નવા કાંપની હોવાથી જમીનનો રંગ ઘાટો કથ્થઈ જોવા મળે છે. આવી જમીન ખીઅર (khiar) પ્રકારની જમીન કહેવાય છે.
આ કાંપની જમીનમાં ડાંગર, શેરડી અને શણની ખેતી મુખ્ય છે. આ બંને પાક માટે મજૂરોની આવશ્યકતા વધુ રહે છે. પરિણામે શ્રમિકો મળી રહેતા હોવાથી ડાંગર અને શણની ખેતી વધુ થાય છે. આ સિવાય કુટિર ઉદ્યોગ પણ જોવા મળે છે. જેમાં ત્યાંના લોકોની જરૂરિયાતને લક્ષમાં રાખીને વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન મેળવાય છે. આ જિલ્લામાં એક પણ મોટી ઔદ્યોગિક વસાહત ઊભી થઈ શકી નથી. ખાદ્યાન્ન, મત્સ્ય, કાપડ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી નાની ફૅક્ટરીઓ આવેલી છે.
આ જિલ્લામાં બલુરઘાટ મહત્ત્વનું રેલવેસ્ટેશન છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ ન. 512 પસાર થાય છે. આ સિવાય રાજ્ય સરકાર પરિવહનની અને ખાનગી બસોની સુવિધા છે. આ સિવાય ટૅક્સી અને રિક્ષાઓ પણ ઉપલબ્ધ છે. નદીની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો જળમાર્ગનો પણ ઉપયોગ કરે છે. મહીનગર પાસે બલુરઘાટ હવાઈ મથક આવેલું છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 2,219 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 16,70,276 છે. આ જિલ્લાનું પાટનગર બલુરઘાટ છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યનો સીમાંત જિલ્લો છે. બાંગ્લાદેશના નિર્માણ પછી આ જિલ્લામાં શરણાર્થીઓનો ઝડપી ધસારો થયો છે. આ જિલ્લાનાં શહેરોમાં જીવન જીવવાની સુવિધાઓ મળી રહેતી હોવાથી શહેરીવસ્તીનું પ્રમાણ ક્રમશઃ વધતું રહ્યું છે. સેક્સ રેશિયો 1000 પુરુષોએ 950 મહિલાઓ છે. સાક્ષરતાનો દર (2011 મુજબ) 77.82% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી અનુક્રમે 28.80% અને 16.43% છે. અહીં હિન્દુઓની વસ્તી 73% છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વસ્તી અનુક્રમે 24% અને 1.48% છે. આ બંને ધર્મના લોકોનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે.
અહીં મહત્ત્મ બંગાળી ભાષા બોલાય છે. જેની ટકાવારી 84.14 છે. આ સિવાય સંતાલી, કુરુખ, સદરી, હિન્દી બોલાય છે. જેની ટકાવારી 9.68, 1.31, 1.25 અને 1.05 છે.
શિક્ષણના સંદર્ભમાં જોઈએ તો 2021ના વર્ષમાં દક્ષિણ દિનાજપુર યુનિવર્સિટી સ્થપાઈ હતી. આ સિવાય સરકાર દ્વારા સંચાલિત નર્સિંગ કૉલેજ, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શાળાઓ પણ આવેલી છે. DAV જૂથની શાળાઓ, ટૅકનિકલ શાળાઓ, CBSE, CISE માન્ય શાળાઓ પણ આવેલી છે.
આ જિલ્લાને વહીવટી સુગમતા માટે બે વિભાગમાં વિભાજિત કરેલ છે. બલુરઘાટ અને ગંગારામપુર. જેને કુલ 10 તાલુકામાં વહેંચેલ છે. ત્રણ શહેરોમાં મ્યુનિસિપાલિટી કાર્યરત છે અને 64 ગ્રામપંચાયત છે. જિલ્લામાં કુલ 2317 ગામડાં આવેલાં છે.
આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં બરીહટ્ટા, બાંગરહ, કલદીઘી પાર્ક, ગૌરદીઘી, ધાલદીઘી, બોલ્લા કાલી મંદિર, બિન્સીરા રથાયાત્રા, રાધા ગોવિંદો મંદિર વગેરેનો સમાવેશ થાય છે.
ઇતિહાસ : અવિભાજિત બંગાળનો દિનાજપુર જિલ્લો હતો. બ્રિટિશકાળ દરમિયાન દિનાજપુર મોટું હતું. જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો. બ્રિટિશ અધિકારી હેમિલ્ટને આ જિલ્લાને ‘ભિખારીઓના ધામ’ તરીકે ઓળખાવેલ. આ જિલ્લામાં દિનાજપુર પરિવારના લોકોનું પ્રમાણ વધુ હતું એટલે ‘દિનાજપુર’ નામ અપાયું હશે. 1947માં ભારતનું વિભાજન થતાં પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયું : પ. પાકિસ્તાન અને પૂ. પાકિસ્તાન. આ વિભાજનને કારણે દિનાજપુર પણ બે ભાગમાં વહેંચાયું, કારણ કે ‘સીમા’ આ જિલ્લામાંથી પસાર થતી હતી. જેથી તે પૂર્વ દિનાજપુર (પૂ. પાકિસ્તાન) પશ્ચિમ દિનાજપુર (ભારત). વહીવટી સુગમતાને લક્ષમાં રાખીને ભારતે પશ્ચિમ દિનાજપુરને બે વિભાગમાં વિભાજિત કર્યું. ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર. 1971માં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવતાં પૂર્વ દિનાજપુર આજે દિનાજપુર તરીકે જ ઓળખાય છે.
બલુરઘાટ (પાટનગર) : પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણ દિનાજપુર જિલ્લાનું પાટનગર.
તે 25 22´ ઉ. અ. અને 88 77´ પૂ. રે. પર આવેલું છે. ભારત–બાંગ્લાદેશની સીમાથી આશરે ત્રણ કિલોમીટરના અંતરે છે. આ શહેરના લગભગ મધ્યભાગમાંથી અત્રાઈ(Atrai) નદી વહે છે. જે સમુદ્રની સપાટીથી 24 મીટર ઊંચાઈ ધરાવે છે. જેનો વિસ્તાર 10.76 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 1,51,416 છે.
આ શહેર નદીઓના કાંપ-માટીના નિક્ષેપિત વિસ્તારમાં આવેલું હોવાથી તે પ્રમાણમાં સમતળ છે. અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય વર્ષાઋતુવાળી કહી શકાય. ઉનાળામાં સરેરાશ તાપમાન 24 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 16 સે. રહે છે. વર્ષાઋતુમાં વરસાદની માત્રા લગભગ 270 મિમી. છે. વર્ષ દરમિયાન ભેજનું સરેરાશ પ્રમાણ 73% છે.
પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ભાગનું મહત્ત્વનું શહેર છે. આથી અહીં વિવિધ ચીજવસ્તુઓની લેવડદેવડ મહત્તમ થાય છે. ડાંગર છડવાની મિલો, ખાંડનાં કારખાનાં તેમજ શણ બનાવવાની ફૅક્ટરીઓ આવેલી છે. નદીઓના મીઠા પાણીના મત્સ્ય અને નદીનાળ(estuary)ના વિસ્તારની મત્સ્યનું સૌથી મોટું બજાર છે. અહીંથી આંતરિક જળમાર્ગ દ્વારા તેની નિકાસ પણ થાય છે. તેલીબિયાંનો મહત્તમ વેપાર અહીં થાય છે. ગ્રામ્યવિસ્તારોમાં વસતા લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે અહીં આવતા હોવાથી ખરીદારીનું મોટું વેપારી કેન્દ્ર બન્યું છે.
દક્ષિણ દિનાજપુર જિલ્લાનું મહત્ત્વનું પરિવહનનું કેન્દ્ર છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 512 આ શહેરથી પસાર થાય છે. રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લા માર્ગોનું મુખ્ય કેન્દ્ર છે. કૉલકાતા, સિલીગુરી, કૂચબિહાર, દુર્ગાપુર, માલ્દા વગેરે શહેરોને સાંકળતી બસો મળી રહે છે. રાજ્ય પરિવહન સંચાલિત અને ખાનગી બસો, ટૅક્સી, રિક્ષા પણ ઉપલબ્ધ છે. એકલાખી–બલુરઘાટ રેલવેલાઇનનું મુખ્ય રેલવેસ્ટેશન છે. બલુરઘાટ અને કૉલકાતા જતી ટ્રેનો ગૌર એક્સપ્રેસ તેભાગા એક્સપ્રેસ અને હાવરા–બલુરઘાટ એક્સપ્રેસ મુખ્ય સ્ટેશન છે. બલુરઘાટ–સિલીગુરી ઇન્ટરસિટી એક્સપ્રેસની સુવિધા છે. અન્ય શહેરોને સાંકળતી ટ્રેનો પણ મળી રહે છે. બલુરઘાટ હવાઈ મથક મહીનગર ખાતે આવેલું છે. કૉલકાતા, માલ્દા, કૂચબિહારને સાંકળતી હવાઈ સેવાઓ શરૂ કરવાનું આયોજન છે. હેલિકૉપ્ટર માટે હેલિપેડ પણ છે. રાજકોટ(ગુજરાત)થી હીલ્લી(Hilli) (પ. બંગાળ) જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 27 જેનું અંતર 2,400 કિમી. છે. આ અંતર કાપતા લગભગ 43 કલાકનો સમય જાય છે. ભારત – બાંગ્લાદેશ વચ્ચેની મુખ્ય ચેકપોસ્ટ છે. બાંગ્લાદેશની વર્તમાન (2024) રાજકીય પરિસ્થિતિ અશાંત હોવાથી તે બંધ કરવામાં આવી છે.
શિક્ષણના સંદર્ભમાં આ શહેરમાં બલુરઘાટ હાઈસ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય, અત્રાઈ ડી. એ. વી. પબ્લિક સ્કૂલ, જવાહર નવોધ્યાય વિદ્યાલય, બલુરઘાટ ગર્લ્સ હાઈસ્કૂલ, નાલંદા વિદ્યાપીઠ વગેરે છે. જ્યારે કૉલેજોના સંદર્ભમાં બલુરઘાટ કૉલેજ, બલુરઘાટ મહિલા મહાવિદ્યાલય, બલુરઘાટ લૉ કૉલેજ, જમીની મજમુદાર મેમોરિયલ કૉલેજ, ઉત્તર બંગા કૃષિ વિશ્વવિદ્યાલય તેમજ દક્ષિણ દિનાજપુર યુનિવર્સિટી આવેલી છે.
આ શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ 84.8% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની વસ્તી અનુક્રમે 15,204 અને 3,008 છે. હિન્દુઓની વસ્તી 98.7% છે, જ્યારે મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વસ્તી 1% કરતાં પણ ઓછી છે.
અહીં હિન્દુઓની વસ્તી વધુ હોવાથી દુર્ગાપૂજા, કાલીપૂજા, છઠ્ઠપૂજા, રથયાત્રા, વિશ્વકર્મા પૂજા, ગણેશચતુર્થી, સરસ્વતીપૂજા જેવા મહોત્સવો ઊજવાય છે. બોલ્લા ખાતે બોલ્લા કાલીપૂજાનું મહત્ત્વ વધુ છે. બોલ્લા મંદિર જે બલુરઘાટથી 15 કિમી. દૂર છે.
નીતિન કોઠારી