દક્ષિણ – દક્ષિણ સહકાર : વિશ્વમાં દક્ષિણના વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહકાર સાધવા માટે થયેલા પ્રયાસો. બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય રાજકીય સ્વાતંત્ર્યનો અને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સહકારનો છે. દુનિયાના ઉત્તરના કહેવાતા વિકસિત ઔદ્યોગિક દેશોએ તેની પહેલ કરી છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે જ તેમણે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વબૅંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવાની દિશામાં વાટાઘાટો આરંભી હતી. યુદ્ધના અંત પછી યુદ્ધે સર્જેલી તારાજીમાંથી બહાર આવવા માટેના પ્રયાસોના એક ભાગ રૂપે 1948માં આર્થિક સહકાર માટેનું યુરોપના દેશોનું સંગઠન (Organisation for European Economic Co-operation – OEEC) રચવામાં આવ્યું, 1957માં ફ્રાંસ, પશ્ચિમ જર્મની વગેરે પશ્ચિમ યુરોપના છ દેશોએ યુરોપના સહિયારા બજાર(European Economic Community – EEC)ની રચના કરી, 1960માં પશ્ચિમ યુરોપના અન્ય સાત દેશોએ તેમના મુક્ત વેપાર વિસ્તાર (European Free Trade Association – EFTA)ની રચના કરી. આ બધાની અગાઉ સમાજવાદી દેશોએ તેમનું અલાયદું પરસ્પર આર્થિક સહાયનું સંગઠન (Council of Mutual Economic Assistance – CMEA – COMECON) રચ્યું હતું.

વિકસિત દેશોને જો વિવિધ આર્થિક બાબતોમાં સહકાર સાધવાનું આવશ્યક અને ઉપયોગી જણાયું હોય તો દક્ષિણના દેશો તરીકે ઓળખાતા દેશો માટે આર્થિક સહકાર સાધવાનો વિચાર સવિશેષ વાજબી ઠરે.

મોટા ભાગના વિકાસશીલ દેશો વસ્તી અને ભૌગોલિક કદની ર્દષ્ટિએ નાના છે. તેથી તેઓ બજાર(માંગ)ની મર્યાદાને કારણે, જે ઉદ્યોગોમાં મોટા પાયા પર ઉત્પાદન કરવાનું લાભદાયી હોય તે બધા જ ઘરઆંગણે સ્થાપી શકે તેમ નથી. બીજી બાજુ, ખેતીની બહાર રોજગારીની તકો સર્જવા માટે આ બધા દેશોમાં વત્તાઓછા પ્રમાણમાં ઉદ્યોગો વિકસે તે જરૂરી છે. જો આ દેશો ઔદ્યોગિક વિકાસના આયોજન માટે કોઈ એક દેશને એકમ ગણવાને બદલે, તેમણે રચેલા વિવિધ દેશોના સંગઠનને એકમ ગણે તો, પ્રત્યેક દેશમાં, તેને જેમાં તુલનાત્મક લાભ હોય એવા ઉદ્યોગો વિકસાવી શકાય અને એ રીતે રોજગારીની તકો વધારવાનો ઉદ્દેશ વધુ સારી રીતે હાંસલ કરી શકાય; કેમ કે, આ માર્ગે થતું ઉદ્યોગીકરણ વધુ કાર્યક્ષમ હોય. આમાં શરત એ છે કે સંગઠનમાં જોડાયેલા દેશોએ એકબીજામાંથી મુક્ત રીતે આયાતો કરવા માટે તૈયાર રહેવું જોઈએ; એટલું જ નહિ, સંગઠનમાં સામેલ દેશોમાંથી થતી આયાતોને અગ્ર પસંદગી આપવી જોઈએ.

ઉપર વર્ણવ્યા છે એવા દક્ષિણના જે દેશો ગાઢ સ્વરૂપે સહકાર સાધી શકે તેમ ન હોય તે દેશો તેનાથી હળવા સ્વરૂપે સહકાર સાધી શકે. તેઓ તેમની આયાતો એકબીજામાંથી જકાત વિના કે જકાતના નીચા દરે કરવા માટેની સમજૂતી કરી શકે. આ માર્ગે તેઓ એકબીજાના ઉદ્યોગોને બજાર પૂરું પાડીને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપી શકે.

ઉપર દર્શાવ્યા પ્રમાણેનો સહકાર સાધવા માટેના વિવિધ પ્રયાસો દક્ષિણના દેશોએ કર્યા છે. એશિયામાં અગ્નિ એશિયાના પાંચ દેશોએ 1967માં તેમનું સંગઠન રચ્યું (Association of South-East Asian Nations – ASEAN); 1985માં ભારત, પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુતાન અને નેપાળે પ્રાદેશિક સહકાર માટે ´સાર્ક´ નામથી ઓળખાતું પોતાનું સંગઠન રચ્યું (South Asian Association for Regional Co-operation – SAARC); આફ્રિકામાં આ પ્રકારનાં સાતેક સંગઠનો રચાયાં હતાં; દા. ત., પશ્ચિમ આફ્રિકાના 15 દેશોએ તેમનો આર્થિક સમુદાય 1975માં રચ્યો હતો (Economic Community of West African States – ECOWAS); આફ્રિકામાં રચાયેલું બીજું જાણીતું સંગઠન 1963માં અસ્તિત્વમાં આવ્યું હતું (East African Community – EAC), તે તેમાં જોડાયેલા ત્રણ દેશો વચ્ચે સહિયારું બજાર રચવાનો પ્રયાસ હતો; દક્ષિણ અમેરિકાના દેશોએ પણ તેમનાં કેટલાંક સંગઠનો રચ્યાં છે : 1961માં દક્ષિણ અમેરિકાના 11 દેશોએ તેમનો મુક્ત વેપારવિસ્તાર (Latin American Free Trade Association – LAFTA) રચ્યો હતો; એ જ રીતે મધ્ય અમેરિકાના ચાર દેશોએ 1960માં તેમના સહિયારા બજાર(Central American Common Market – CACM)ની રચના કરી હતી; દક્ષિણ અમેરિકાના દેશોના મુક્ત વેપારવિસ્તારનું અનુગામી સંગઠન 1980માં રચવામાં આવ્યું  (Latin American Integration Association –LAIA). આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા વધુ લાભ મેળવવા માટે વિકાસશીલ દેશો એક બીજી રીતે પણ સહકાર સાધી શકે. પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરતા દેશોનું સંગઠન (Organization of Petrolium Exporting Countries – OPEC) તેનું એક ર્દષ્ટાંત છે. આ દેશોએ સમજૂતી કરીને પેટ્રોલના ભાવો વધાર્યા અને ભાવવધારો ટકી રહે તે માટે સભ્ય દેશોએ પોતાના માટે ઉત્પાદનનો ક્વૉટા નક્કી કર્યો. પેટ્રોલ જેવી અન્ય પ્રાથમિક વસ્તુઓની નિકાસ કરતા દેશો આ પ્રકારની સમજૂતી કરીને તેમની નિકાસની ચીજો માટે વધુ ભાવો ઉપજાવી શકે, એવી એક શક્યતા આ અનુભવમાંથી ફલિત થઈ.

દક્ષિણના દેશોને પરસ્પર સહકાર સાધવા માટે એક બીજું ક્ષેત્ર છે. આંતરરાષ્ટ્રીય રાજકારણની જેમ અર્થકારણ પણ વિકસિત મૂડીવાદી દેશોના વર્ચસ નીચે કામ કરી રહ્યું છે એવી લાગણી વિકાસશીલ દેશો વ્યાપક રીતે ધરાવે છે. તેઓને એમ લાગે છે કે આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ વિકસિત દેશોનાં હિતોને જ પ્રાધાન્ય આપે છે. આવી સંસ્થાઓમાં વિશાળ બહુમતી ધરાવતા વિકાસશીલ દેશો વ્યક્તિગત રીતે તેની સામે કંઈ કરી શકે તેમ નથી, પરંતુ જો તેઓ એક જૂથ તરીકે વર્તે તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં થતા નિર્ણયોને અમુક અંશે પોતાની તરફેણમાં પ્રભાવિત કરી શકે. આ દિશામાં, સંયુક્ત રાષ્ટ્રસંઘના આશ્રયે રચાયેલી વેપાર અને વિકાસ અંગેની પરિષદ(United Nations Conference on Trade and Development – UNCTAD)માં વિકાસશીલ દેશોએ ´77ના જૂથ´ તરીકે સંગઠિત થઈને પોતાનાં હિતો જાળવવાનો પ્રયાસ કર્યો. સમય જતાં ´77ના જૂથ´માં સામેલ વિકાસશીલ દેશોની સંખ્યા 100થી અધિક થઈ; પરંતુ આ સંગઠિત પ્રયાસોના ફળ રૂપે વિકાસશીલ દેશોને કોઈ નક્કર લાભ સાંપડ્યા નથી.

ઉત્તરના દેશોની તુલનામાં દક્ષિણના દેશો વચ્ચેનો આર્થિક સહકાર ઝાઝો ફળદાયી નીવડ્યો નથી. આ માટે કેટલાંક કારણો છે. એક, વિકાસશીલ દેશો આર્થિક અને ઔદ્યોગિક વિકાસના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી આ દેશોનાં હિતો સમાન નથી. બીજું, વિકાસશીલ દેશો કદમાં અને વિકાસમાં ભારે અસમાનતા ધરાવે છે, દા. ત., ´સાર્ક´માં એક છેડે ભારત છે અને બીજે છેડે માલદીવ છે. આવી તીવ્ર અસમાનતા ધરાવતા દેશો વચ્ચે સહકાર મુશ્કેલ બની જાય છે. ત્રીજું, વિકાસશીલ દેશો વચ્ચે ઔદ્યોગિક આયોજન મુશ્કેલ બની જાય છે; કેમ કે, પ્રત્યેક દેશ શક્ય તેટલા વધુ ઉદ્યોગો પોતાને ત્યાં સ્થપાય તેવો આગ્રહ રાખે છે, જેથી પોતાના દેશમાં રોજગારીની વધુ તકો સર્જાય. છેલ્લે, યુરોપના વિકસિત દેશો વચ્ચેના આર્થિક સહકારની પાછળ રાજકીય સહકાર રહેલો છે. આપસમાં બે વિશ્વયુદ્ધો લડી ચૂકેલા યુરોપના દેશો ત્રીજું યુદ્ધ ટાળવા કૃતસંકલ્પ છે. ત્રીજા વિશ્વના ઘણા દેશો પરસ્પરના રાજકીય સંઘર્ષમાં સંડોવાયેલા છે. તેથી તેમની વચ્ચે આર્થિક સહકાર સાધવાનું મુશ્કેલ બની જાય છે.

રમેશ ભા. શાહ