દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ : બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´ ઉ. અક્ષાંશ, 93° 54´ પૂ. રેખાંશ પર, બંગાળના ઉપસાગરમાં આવેલા બેરન ટાપુનો સુપ્ત ગણાતો જ્વાળામુખી આ પૈકી મહત્વનો છે. હાલમાં તેના ઘણા મોટા શંકુ જ્વાળામુખના અવશેષો જોવા મળે છે. એકબે સ્થાનમાં ખંડિત થયેલો, જૂના શંકુના અવશેષોથી બનેલો, આશરે ત્રણ કિમી.ના વ્યાસવાળો આ જ્વાળાકુંડ પ્રેક્ષાગાર (amphitheatre) જેવો દેખાય છે. તે અંદરના ભાગમાં આવેલા, પ્રમાણમાં નવા સમયના પ્રસ્ફુટનના નિયમિત થરવાળા લાવાપ્રવાહોથી બનેલા, નાના, સપ્રમાણ શંકુને ફરતો ગોઠવાયેલો છે. નવા શંકુની ટોચ ઉપર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ જ્વાળામુખ આવેલું છે, પરંતુ પાણીની ઉપરનો જ્વાળામુખીનો ર્દશ્યમાન ભાગ તેના આખા કદનો ઘણો જ નાનો અંશ છે. જ્વાળામુખી શંકુનો તળ ભાગ સમુદ્રસપાટીથી ઘણા મીટર ઊંડાઈએ રહેલો છે.
19મી સદીની શરૂઆતમાં તેની છેલ્લી પ્રસ્ફુટનસ્થિતિ જોવામાં આવેલી; ત્યાર પછી તે લગભગ સુપ્ત અવસ્થામાં રહ્યો છે; પરંતુ જ્વાળામુખની દીવાલો ઉપરની ગંધકની ઊર્ધ્વપાતનક્રિયા તેનું ગંધક-જ્વાળામુખી અવસ્થામાં થતું પરિવર્તન દર્શાવે છે. કૅપ્ટન બ્લેરે 1795માં થયેલા બેરન ટાપુના પ્રસ્ફુટનનું વર્ણન કરેલું છે, જેમાં નવા શંકુની ટોચ પર આવેલા જ્વાળામુખમાંથી ધગધગતી ભસ્મ, કેટલાક ટન વજનવાળા જ્વાળામુખીજન્ય ખડકજથ્થા તેમજ વાયુઓ અને વરાળનાં વાદળ બહાર ફેંકાયાની નોંધ મળે છે. બીજા એક નિરીક્ષકે 1803માં દર દસ મિનિટના તફાવતે જ્વાળામુખમાંથી થતા રહેલા અનેક ધડાકા સાંભળેલા છે અને તે દરમિયાન ખૂબ જ ઉગ્રતા સાથે ઘણી ઊંચાઈ સુધી ઘેરા કાળા વાયુઓ અને વરાળ ફેંકાયેલાં.
નારકોન્ડમ–પોપા : ઉપર વર્ણવેલા જ્વાળામુખીની રેખીય દિશામાં નારકોન્ડમ ટાપુમાં બીજો એક જ્વાળામુખી આવેલો છે. તે જ્વાળામુખવિહીન છે તેમજ સંપૂર્ણપણે ઍન્ડેસાઇટ ખડક લક્ષણવાળો છે. શંકુ પર થયેલી ધોવાણ(denudation)ની અસરથી તે એક જૂનો મૃત પ્રકારનો જ્વાળામુખી હોય તેમ લાગે છે. યેનાન્ગ્યાંગ તેલક્ષેત્રથી ઈશાનમાં આશરે 80 કિમી. દૂર આવેલો પોપા જ્વાળામુખી ત્રીજું ઉદાહરણ છે. તે ટ્રેકાઇટ, ભસ્મ અને જ્વાળામુખીજન્ય બ્રેસિયાથી બનેલા, મધ્યમાં આવેલા મોટા શંકુવાળો છે. હાલમાં તે મૃત સ્થિતિમાં છે. તેનો શંકુ ખૂબ જ ખવાણ પામેલો છે, માત્ર શંકુનો થોડો જ ભાગ જળવાઈ રહેલો છે. આજુબાજુના પ્રદેશના ઈરાવદી કક્ષાના ખડકો સાથે આંતર-સ્તરો રૂપે મળી આવતી કેટલીક જ્વાળામુખીજન્ય પેદાશ પરથી જણાય છે કે તે છેલ્લામાં છેલ્લો પ્લાયોસીન કાળમાં ક્રિયાશીલ અવસ્થામાં હોવો જોઈએ.
કોહ–ઈ–સુલતાન : પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પર, પશ્ચિમ બલૂચિસ્તાનના નુશ્કી રણમાં કોહ-ઈ-સુલતાનનો મોટો જ્વાળામુખી આવેલો છે. આ ઉપરાંત ઉત્તરે આવેલા મધ્ય તિબેટ અને ક્યુએન-લુન પર્વત હારમાળામાં અસંખ્ય ક્રિયાશીલ તેમજ સુપ્ત જ્વાળામુખીના કેટલાક અચોક્કસ પુરાવા મળી આવે છે, જોકે હાલમાં આ પૈકી એક પણ જ્વાળામુખી ક્રિયાશીલ નથી; કેટલાક જ્વાળામુખીની પ્રસ્ફુટનક્રિયા તિબેટના પ્રવાસીઓએ દૂરથી જોયેલી હોવાનો હેવાલ મળે છે.
જ્વાળામુખીજન્ય ઘટના સાથે સંકળાયેલાં અન્ય ઉદાહરણોમાં ભારત(મહારાષ્ટ્ર)માં આવેલા લોનાર સરોવરનો અહીં ઉલ્લેખ કરી શકાય. પાડિચેરી (પુદુચેરી) કિનારાથી દૂર 1756માં થયેલા જ્વાળામુખીપ્રસ્ફુટન (જે ક્રમશ: નિષ્ક્રિય થતું ગયેલું) દરમિયાન ભસ્મ તેમજ પ્યુમિસના મોટા પ્રમાણમાં ફેંકાયેલા જથ્થામાંથી તે જ સ્થાનમાં ત્રણ કિમી. લાંબો ટાપુ અસ્તિત્વમાં આવેલો. આ ટાપુ તરત જ સમુદ્રમોજાંની અસર થવાથી ઘસાઈ ગયેલો છે. શ્રીલંકાના પૂર્વ કિનારાના ભૂમિભાગ પર જ્વાળામુખીજન્ય ખડકોના સંકલનવિહીન પ્યુમિસના ટુકડા અને લઘુ ગોળાશ્મનું વિતરણ પ્રાક્-અર્વાચીન સમયમાં કિનારાના પાણી નજીક થયેલા વણનોંધ્યા પ્રસ્ફુટનને કારણે હોઈ શકે; ત્રિંકોમાલીના ઉત્તર કિનારાને સમાંતર કેટલાક કિલોમીટર સુધી પ્યુમિસનો પટ્ટો મળી આવતો હોવાનું નિષ્ણાતોએ જણાવેલું છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે