દક્ષિણા (1947) : આધ્યાત્મિક ચિંતનનું ગુજરાતી ત્રૈમાસિક. શ્રી અરવિંદને સમર્પિત થયા પછી શ્રી અરવિંદ અને માતાજીની વિચારધારાનો ગુજરાતીભાષી જનતાને પરિચય થાય અને તેમનું જીવન ઊર્ધ્વગામી બને તે હેતુથી શ્રી અરવિંદના 76મા જન્મદિને 1947ની 15મી ઑગસ્ટે (ભારત પણ એ જ દિવસે સ્વતંત્ર થયું) પૉંડિચેરી(પુદુચેરી)માં આવેલા પોતાના નિવાસસ્થાનેથી કવિ-સાધક સુંદરમે (ત્રિભુવનદાસ લુહારે) ´દક્ષિણા´ નામનું ત્રૈમાસિક પ્રકટ કર્યું. તેમનાં સુપુત્રી સુધાબહેનનો ´દક્ષિણા´ના સંચાલન અને સંપાદનમાં તેમને સારો એવો સાથ અને સહકાર પ્રાપ્ત થયો.
´અમે યોગ દ્વારા મનુષ્યના વિકાસની પ્રક્રિયામાં એક ક્રાંતિકારી પલટો લાવવા માંગીએ છીએ´ એ શ્રી અરવિંદના શબ્દો ટાંકી સુંદરમે ´દક્ષિણા´-ના પ્રાગટ્યનો હેતુ જણાવ્યો. તેમાં સારા પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળતું.
આશ્રમમાં રહેતા અંબુભાઈ પુરાણી, પૂજાલાલ, ગિરધરલાલ વગેરે તો તેમાં લખતા હતા, પણ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિઓ ઉમાશંકર જોશી, ´ઉશનસ્´, પિનાકિન ઠાકોર, જયંત પાઠક, હરીન્દ્ર દવે, પ્રજારામ રાવળ વગેરે પણ તેમાં લખતા. શ્રી અરવિંદની વિચારધારાને વ્યક્ત કરતાં લખાણો સુંદરમ્ તેમાં પ્રગટ કરતા. તેઓ પણ તેમાં ઘણું લખતા હતા. તંત્રીલેખોમાં સાંપ્રત રાજકારણની પોકળતા અને દાંભિકતા પર પ્રહાર કરીને રાજકારણીઓને સન્માર્ગે વાળવાના ઉપાયો પણ સૂચવતા.
´દક્ષિણા´ની સામગ્રી અન્ય સામયિકો કરતાં જુદી તરી આવતી. તેમાં બે પ્રકારનું સાહિત્ય પીરસાતું. એક તો તાત્વિક પ્રકારનું એટલે કે માત્ર વિચારોનું નિરૂપણ કરતું અને બીજું વ્યાવહારિક એટલે કે જીવનઘડતરને લગતું, અલબત્ત, શ્રી અરવિંદની અને માતાજીની પ્રેરક વાણી દ્વારા.
સુંદરમે અત્યંત વિષમ સંજોગોમાં ´દક્ષિણા´ ચલાવ્યું. એકલે હાથે જ કાર્યભાર ઉપાડવાનો હોવાથી અને વારંવાર ગુજરાતમાં તથા વિદેશોમાં અને યોગની શિબિરોમાં જવું પડતું હોવાથી 1970 પછી અંકોનું પ્રકાશન અનિયમિત થવા લાગ્યું.
સુંદરમે પોતાના અવસાન પહેલાં 108મા અંકના મુખપૃષ્ઠ પર પોતાના હસ્તાક્ષરમાં ´છેલ્લો અંક´ લખ્યું, જે અંક તેમના અવસાન પછી સુધાબહેને પુસ્તક 27, અંક 4 તરીકે એપ્રિલ, 1994માં મુખપૃષ્ઠ પર કવિ સુંદરમની તસવીર સાથે પ્રગટ કર્યો.
શ્રી અરવિંદ અને માતાજીના જીવનદર્શનની ગંગા ગુજરાતમાં ઉતારવાનું કામ ´દક્ષિણા´ દ્વારા સુંદરમે પાર પાડ્યું એમ નિ:શંક કહી શકાય.
મુકુન્દ પ્રા. શાહ