દ´કાર્ત, રેને (જ. 31 માર્ચ 1596, લા-હાયે, જિલ્લો તુરીન, ફ્રાન્સ; અ. 1 ફેબ્રુઆરી 1650, સ્ટૉકહોમ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ફિલસૂફ. બાળપણથી જ અસાધારણ બુદ્ધિશાળી દ´કાર્તને લા-ફ્લોચેમાં નવી શરૂ થયેલી રૉયલ કૉલેજમાં મૂકવામાં આવ્યા. દશ વર્ષ સુધી ત્યાં તેમણે શિક્ષણ મેળવ્યું. ગણિતશાસ્ત્ર તરફ તેમને ખાસ અભિરુચિ હતી. 1616માં તેમણે પ્વૅટિયે (Poitiers) યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી મેળવી. 1618માં તેઓ હોલૅન્ડમાં ઑરેન્જના રાજકુમારના લશ્કરમાં જોડાયા, જ્યાં આઇઝેક બેકમૅનને મળ્યા. બેકમૅને તે જમાનામાં ગણિતમાં થયેલી પ્રગતિ અને વિકાસ તરફ તેમનું ધ્યાન દોર્યું. તેમણે ડ્યૂક ઑવ્ બવારીઆના લશ્કરમાં પણ સેવા આપી હતી. 1628થી 1649 દરમિયાન તેમણે તેમનું જીવન વિદ્યાવ્યાસંગમાં હોલૅન્ડમાં ગાળ્યું હતું. હોલૅન્ડમાં ગાળેલા આ સમય દરમિયાન તેમણે ´ડિસ્કોર્સ ઑન મૅથેમેટિક્સ´ (1637), ´મેડિટેશન ઑન ફર્સ્ટ ફિલૉસૉફી´ (1641), ´પ્રિન્સિપલ્સ ઑવ્ ફિલૉસૉફી´ (1644), ´ટ્રીટાઇઝ ઑન પેશન્સ´ (1649) જેવા વિવિધ ગ્રંથો રચ્યા. આનાથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી અને આવનારા યુગ પર તેમનો ભારે પ્રભાવ પડ્યો.
1637માં લા-જ્યૉમેટ્રી દ્વારા ગણિતશાસ્ત્રમાં યામભૂમિતિની પ્રયુક્તિઓ અને તાત્વિક સિદ્ધાંતો દાખલ કર્યા. તેમણે ચાર સુરેખાઓના બિંદુપથની સમસ્યા(problem of four line locus)ના નિરાકરણથી શરૂ કરી, વક્રોને સ્પર્શકો કેવી રીતે દોરવા તે બતાવીને છેવટે દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના ઉકેલ અંગે પણ કામ કર્યું.
તેમણે ભૌમિતિક આકૃતિના ગુણધર્મોનો અભ્યાસ બૈજિક પ્રવિધિઓ (techniques) દ્વારા કરવાની પદ્ધતિ પણ શરૂ કરી. યામભૂમિતિમાં યામ-પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિને દ´કાર્તના નામ ઉપરથી કાર્તેઝીય પદ્ધતિ પણ કહેવામાં આવે છે.
આ પદ્ધતિમાં x-યામને સમક્ષિતિજ (horizontal) રેખા દ્વારા દર્શાવવામાં આવે છે અને y-યામને શિરોલંબ (vertical) રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. સંકેતન(notation)ના ક્ષેત્રમાં દ´કાર્તે અક્ષરો પર ઘાતાંક દર્શાવવાની પદ્ધતિ (x2, x3 વગેરે જેવી) શરૂ કરી. જ્ઞાત રાશિઓને મૂળાક્ષરના a, b, c, d જેવા શરૂઆતના અક્ષરો વડે અને અજ્ઞાત રાશિઓને x, y, z જેવા છેવટના અક્ષરો વડે દર્શાવવાનું શરૂ કર્યું.
બહુપદી સમીકરણ માટે મહત્તમ ધનબીજોની સંખ્યા શોધવાનો નિયમ આપ્યો, જે દ´કાર્તના ચિહન અંગેના નિયમ તરીકે જાણીતો છે. બહુપદીનાં પદોનાં ચિહન પર અને એક પદથી બીજા પદ તરફ જતા ચિહનમાં માલૂમ પડતા ફેરફારની સંખ્યા પર તે આધાર રાખે છે તેમ સૂચવ્યું.
ફિલસૂફ તરીકે દ´કાર્તને યુગ્મવાદી (dualist) ગણવામાં આવે છે. વિશ્વને દ્રવ્ય અને ગતિના સ્વરૂપમાં વર્ણવનાર તે પ્રથમ તત્વવેત્તા હતા. દ્રવ્ય એ ભૌતિક વિશ્વ છે, આપણું શરીર તેના ભાગ રૂપે છે. જ્યારે માનવમન એ ચેતના છે એમ તે માનતા. 1649માં તેમને સ્વીડનની રાણી ક્રિસ્ટાનીઆએ સ્વીડનની મુલાકાત લેવાનું નિમંત્રણ પાઠવ્યું જે તેમણે સ્વીકાર્યું. પરંતુ ત્યાં તે ગંભીર માંદગીમાં સપડાયા અને અવસાન પામ્યા.
શિવપ્રસાદ મ. જાની