દંશ (ડંખ) : સાપ, વીંછી, જંતુઓ વગેરેના ડંખવાથી થતો વિકાર. ઘર બહારની પ્રવૃત્તિઓ જેમ વધે તેમ ડંખ લાગવાની સંભાવના વધે  છે. મોટા ભાગના ડંખ મારતા સજીવો સંધિપાદ (arthropod) જૂથના હોય છે. ડંખ બે પ્રકારના છે : (1) કરડવાથી થતો ડંખ (bite) અને (2) વીંધીને કરાતો ડંખ (sting).

કેટલાક પ્રકારના સાપ અને નાગ : (અ) ઝેરી સાપ વાઇપરનું માથું, (આ) ક્યારેક ઝેરી હોય તેવા એન્સી સ્ટ્રૉડૉનનું માથું, (ઇ) ઝેરી એ. હિમાલયનસનું માથું, (ઈ) ઝેરી નાગનું માથું, (ઉ) ઝેરી સાપ–ક્રેટના માથાનો નીચલો ભાગ, (ઊ) ઝેરી સાપ – કોલ્યુબ્રિડીના જૂથના સાપનું માથું – ઉપરથી, (એ) કોલ્યુબ્રિડીના જૂથના ઝેરી સાપના માથાનો એક બાજુથી દેખાવ, (1થી 4) હોઠની પોપડીઓ, (5) લઘુગુહિકા (pit).

સજીવો દ્વારા ડંખથી થતા રોગ અને વિકારોને 3 ભાગમાં વહેંચી શકાય છે: (ક) ઍલર્જી–સ્થાનિક (local) અથવા વ્યાપક (general), (ખ) ઝેરી અસર, અને (ગ) ચેપવાહક (vector) તરીકે અન્ય રોગ કરતા સૂક્ષ્મજીવનું વહન કરવું; દા.ત., એનૉફિલીસની માદા મચ્છરના કરડવાથી મલેરિયા થાય.

(1) સંધિપાદ (arthropod) જંતુઓના ડંખ : જૂ, ચાંચડ, માંકડ, મચ્છર, માખીઓ, ઇતરડી (mite), ચીંચડી (tick), કરોળિયા વગેરે કરડીને ડંખ મારે છે જ્યારે મધમાખીઓ, ભમરા તથા કીડીઓ ચટકીને અથવા છિદ્ર પાડીને ડંખ મારે છે. તેઓ વિવિધ રીતે માનવ-શરીરના સંસર્ગમાં આવે છે અને તે દ્વારા ડંખ મારીને તેમની લાળના પ્રવાહી વડે ઍલર્જિક કે ઝેરી અસર ઉપજાવે છે. તેઓ વિવિધ અન્ય રોગના વાહક તરીકે પણ વર્તે છે.

આવા ડંખથી થતા વિકારની સારવારમાં ઍડ્રિનાલિન, કૅલ્શિયમ ગ્લુકોનેટ, કૉર્ટિકોસ્ટીરૉઇડ, કૃત્રિમ શ્વસન, ઑક્સિજન અને હિસ્ટામીનવિરોધી મલમની જરૂર પડે છે.

(2) જૂ : તે નાનાં, મોતી જેવાં સફેદ 0.3 થી 0.8 મિમી. કદનાં ઈંડાં  મૂકતાં જંતુ (લીખ) છે. તે શરીરના વાળવાળા ભાગો – માથું, દાઢી, બગલ તથા જનનાંગોની આસપાસના વાળવાળા ભાગો  પર રહે છે. તેની લીખ   વાળને  ચોંટેલી રહે છે. તે ચામડી પર દોષવિસ્તારો (lesions) કરે છે. દોષવિસ્તારવાળી ચામડી લાલ અને સૂજેલી ચકતી જેવી બને છે, તેના પર ફોલ્લીઓ થાય છે અને ક્યારેક શીળસ નીકળે છે. ચામડીના ઉપલા પડના કોષોની પોપડીઓ ઊખડે છે (excoriation) અને તેમાં ખૂજલી આવે છે. ખંજવાળવાથી નાના ઉઝરડા પડે છે તથા તેમાં ચેપ લાગે તો પરુ થાય છે. તેને કારણે ક્યારેક સ્થાનિક લસિકાગ્રંથિઓ સૂજીને મોટી થાય છે. તેને ‘વેળ ઘાલવી’ કહે છે. તેની સારવાર માટે બેન્ઝિન હાઇડ્રૉક્લોરાઇડ અથવા પારેન્થ્રોનના જલ-તૈલ દ્રાવણ(lotion)ને વાળ તથા વાળવાળા ભાગ પર ચોપડવામાં આવે છે અને પછી તેને ધોઈને સાફ કરવામાં આવે છે. તેની લીખને દૂર કરવા વાળને બરાબર ચીવટથી ઓળવા પડે છે અને તેમાંથી બહાર નીકળતી જૂને મારવા માટે એક અઠવાડિયા પછી ફરીથી બેન્ઝાઇલ  હાઇડ્રૉક્લોરાઇડ વડે કેશશોધન (shampoo) કરાય છે.

સારણી 1 : માણસને કરાતા ડંખના પ્રકારો અને ઉદાહરણો

  સંસર્ગનો પ્રકાર સજીવ પ્રકિયા / પ્રતિક્રિયા
1. કરડવાથી થતો ડંખ (bite) (અ)   જંતુ : જૂ (louse)

: માંકડ (bug)

: ચાંચડ (flea)

: માખી

– કાળી માખી (black fly)

– રેતમાખી (sand fly)

– અશ્વમાખી (horse fly)

– તબેલામાખી (stable fly)

– ત્સે-ત્સે માખી

– કૅડોલ (kedol)

– સ્પૅનિશ માખી

:  મચ્છર

:  કીડી

ઍલર્જી

લાળનું

ઝેર

 

(આ)  કીલેટ (chelate)

અષ્ટપાદ (arachnids)

 

:  ઉંદર અને અન્ય પ્રાણીના

શરીર પર રહેતાં-ઇતરડી

:  ચીંચડી (ticks)

:  કરોળિયો (spider)

લાળની ઍલર્જી

લાળમાં ઝેર

(ઈ) શતપાદ કાનખજૂરો (centipede) ઍલર્જી

ઝેર 

2. વીંધીને ડંખ અથવા

ચટકો મારીને ડંખ (sting)

(અ) જંતુ કીડી, ભમરા, મધમાખી (bee) ઝેર
(આ) અષ્ટપાદ વીંછી(arachnid) ઝેર ઝેર
(ઈ) સાપ : કાળોતરો (krait) ચીતળો (Russel’s viper),

ફૂરસા અથવા ચીતળી (sawscald viper),

નાગ (cobra), દરિયાઈ સાપ (sea snake)

ઝેર
3. પ્રકીર્ણ કરડવાથી  કે વીંધીને ડંખ સાગર સજીવો : સાગર સાપ, અષ્ટસૂત્રાંગી (octopus), શંકુ

ગોકળ-ગાય (conenail), બૉક્સ-જેલી માછલી

તથા અન્ય કેટલાક પ્રકારની માછલીઓ

ઝેર

(4) માંકડ : તે 5 થી 7 મિમી. કદનાં ચપટાં છીંકણી રંગનાં અને પાંખ વગરનાં જંતુ છે. સામાન્ય રીતે પથારી, પલંગ, લાકડાં, ભોંયતળિયું, ભીંતો વગેરેની તિરાડો કે ખાંચમાં રહે છે. મોટા ભાગના માંકડ પંખીઓ અને ચામાચીડિયાંના લોહી પર જીવતા, શરીર બહાર રહેતા પરોપજીવી (parasitic) સજીવો છે. તેથી તેમને બાહ્ય પરોપજીવ (ectoparasite) કહે છે. સાઇમેક્સ લૅકચ્યુલારિસ (cimex lactularis) અને સાઇમેક્સ હેમિપ્ટેરસ (c. hemipterus) નામની બે ઉપજાતિઓ ફક્ત માણસને કરડીને તેના લોહી પર જીવે છે. તે સીધી રેખામાં ખૂજલી કરતા ડંખ મારે છે. જેમને તેની ઍલર્જી હોય તેમનામાં તે શીળસ, દમ તથા સાંધાનો  દુખાવો (સંધિપીડ, arthralgia) કરે છે. તેની સારવાર ચાંચડના ડંખની સારવાર જેવી જ હોય છે.(3) ચાંચડ (flea) : તે નાનાં નાનાં જંતુઓ છે જે કૂદકા મારીને એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. તે બિલાડી, કૂતરો, ઉંદર કે અન્ય  કૃંતક પ્રાણી(rodent)ના શરીર પર રહે છે. માનવશરીર પર પણ તે ક્યારેક જોવા મળે છે. સામાન્ય રીતે ઘણા સમયથી ખાલી રહેલા ઓરડામાં આ પ્રકારની જીવાત હોય છે અને તેથી તેવા ઓરડામાં રહેવાથી ઘૂંટી (ankle) અને પગ પર તેના ડંખ થાય છે. તે લોહી ચૂસવા માટે કરડે છે. તે જ્યાં કરડે છે, ત્યાં ખૂજલી થાય છે તથા લાલ ફોલ્લીઓ થાય છે. ફોલ્લીની ટોચ પર એક લોહીના ટીપાવાળું છિદ્ર હોય છે. ચાંચડની લાળ શરીરમાં પ્રવેશે છે અને તેની ઍલર્જી થાય તો શીળસ, ફોલ્લાઓ અને બહુરૂપ રક્તિમા (Erythema multiforme)ના દોષ-વિસ્તારો થાય છે, જેમાં ચામડીમાં વિવિધ આકારના ઊપસેલા લાલ વિસ્તારો થાય છે. સારવાર માટે ખૂજલી રોકતી તથા શોથ (inflammation) ઘટાડતી દવાઓના તૈલમલમ (cream) તથા ઍન્ટિબાયૉટિક અપાય છે.

(5) મચ્છર : બંધિયાર પાણી કે કચરાના ઢગલા પર ઉત્પન્ન થતા સહેલાઈથી ઓળખાઈ શકતા મચ્છરના ડંખને સ્થાને થોડો સોજો આવે છે તથા લાલ ફોલ્લી થાય છે. ઍલર્જિક પ્રતિક્રિયા થતી જોવા મળતી નથી અને તે મચ્છરના ડંખની ખાસ કોઈ સારવાર જરૂરી બનતી નથી, પરંતુ તે હાથીપગો, મલેરિયા, ડેન્ગ્યૂ વગેરે વિવિધ રોગના સૂક્ષ્મજીવોનું વહન કરે છે અને તેમનો ફેલાવો કરે છે.

(6) માખી : વિવિધ પ્રકારની માખીઓના ડંખ લાગે છે. કાળી માખી (ભેંસમાખી, buffalo gnat) 1થી 5 મિમી. કદની હોય છે. તેની પીઠ પર ઢેકો હોય છે. તે વહેતા પાણીમાં ઊછરે છે. તેના કરડવાથી લોહી ઝરતી ફોલ્લીઓ થાય છે તથા પીડા અને ખૂજલી કરતી ફોલ્લીઓ થાય છે. ક્યારેક સ્થાનિક સોજો અને નજીકની લસિકાગ્રંથિઓમાં વેળ ઘાલવાથી સોજો આવે છે. રેતમાખી તથા ત્સે ત્સે માખી પણ આવો જ વિકાર સર્જે છે. તેના ડંખની સારવાર લક્ષણો અને તકલીફો પ્રમાણેની હોય છે. ક્યારેક ડંખ દેતી માખીઓ અન્ય રોગનો ફેલાવો કરે છે.

(7) ઇતરડી (mite) અને લાલ લઘુજંતુ (red bug) : તે લાલ, કેસરી કે પીળા રંગનાં બાહ્ય-પરોપજીવી સજીવો છે અને તે પ્રાણીઓ પર કે ઘાસમાં જીવે છે. તેમના ડંખથી ટૂંકા કે લાંબા ગાળાનાં લાલ ચકામાં થાય છે અને તેમાં બળતરા કે ખૂજલી થાય છે. તેમનાં ડિંભ (larva) કેશમૂળમાં રહે છે અને તેથી ક્યારેક ત્વચાશોથ (dermatitis) કરે છે. તેમના ડંખની સારવાર લક્ષણલક્ષી છે.

(8) ચીંચડી (tick) : તેના બે પ્રકાર છે : મૃદુ પ્રાણી અને કઠણ પ્રાણી. મૃદુ પ્રાણી ઉંદરના દર અને પંખીઓના માળામાં રહે છે. તે ભાગ્યે જ માણસના લોહીનું ભક્ષણ કરે છે. જ્યારે તેનો ડંખ લાગે ત્યારે 3થી 30 મિમી. કદના લાલ ડાઘા થાય છે જેમાં દુખાવો, ખૂજલી, લાલ ચકામાં અને ચાંદું પડે છે. કઠણ પ્રાણી લીસી અને ચળકતી સપાટી ધરાવે છે, અને તે જંગલોમાંનાં પ્રાણીઓનાં શરીર પર હોય છે. બિલાડી કે કૂતરા દ્વારા તે માણસો સુધી પહોંચે છે અને તે તેમની ચામડીમાં રહે છે. તે દુખાવો કરે છે. કઠણ મસા જેવા દોષવિસ્તારો સર્જે છે. તેમના કરડવાથી પગની ઉપર તરફ ચઢતો ઢીલા પડી ગયેલા સ્નાયુઓવાળો લકવો થાય છે.

(9) કરોળિયાના ડંખ : કરોળિયાની નરભક્ષી માદા (window spider), છીંકણી (brown) રંગનો કરોળિયો તથા ગળણીરૂપ જાળાં કરતો કરોળિયો માણસ માટે ઝેરી છે. પથ્થરની નીચે કે અન્ય સુરક્ષિત સ્થળે માદા કરોળિયો રહે છે. તેના ડંખની ઘણી વખત ખબર પડતી નથી, પરંતુ થોડા સમય પછી સ્નાયુઓમાં સખત દુખાવો, છાતીમાં તીવ્ર દબાણ, પેટની આગલી દીવાલ અકડાઈ જવી, શ્વાસમાં તકલીફ તથા ચેતાતંત્રને સંબંધિત અન્ય તકલીફો થાય છે. તે 2 થી 3 દિવસ ચાલે છે. બાળકોમાં ક્યારેક હૃદય અને શ્વસનક્રિયા અટકી જાય છે. છીંકણી કરોળિયાનું ઝેર નાનાં બાળકોમાં નસોની અંદરના લોહીના રકતકોષોને તોડી નાંખે છે. તેનાથી મૂત્રપિંડ નિષ્ફળ જાય છે. તે ઊબકા, ઊલટી તથા લોહીનું ઊંચું દબાણ પણ કરે છે. તેની સારવારમાં ઘેન લાવતી દવાઓ, કૅલ્શિયમ ગ્લુકોનેટ, નિઓસ્ટિગમિન – એટ્રોપિનની સંયુક્ત-સારવાર, કુરારે જેવી દવા તથા નિશ્ચિત પ્રકારનું પ્રતિવિષ (antitoxin) અપાય છે.

(10) મધમાખીઓ, ભમરા અને કીડીઓ : મધમાખીઓ ગાઢા વાળવાળી તથા પીળાશપડતા છીંકણી રંગ કે કાળા રંગની હોય છે. તેમનો ડંખ સ્થાનિક પ્રતિક્રિયા કરાવે છે, જેમાં રતાશપડતો ડાઘો અને  આસપાસનો ફિક્કો વિસ્તાર થાય છે. તેમાં સોજો આવે છે અને ખૂજલી થાય છે. કેટલીક વ્યક્તિઓ તેમના જનીનીય બંધારણને કારણે, વારંવાર ડંખ લાગે તો, તેના તરફ અતિસંવેદિત થાય છે. તેઓમાં ક્યારેક તીવ્ર ઍલર્જી કે જીવનને જોખમી ઍલર્જીજન્ય આઘાત (anaphylaxis) થાય છે. ક્યારેક સ્થાનિક ઍલર્જી રૂપે દુખાવો અને ખૂજલીવાળો મોટો સોજાનો વિસ્તાર બને છે. ક્યારેક શ્વાસ લેવાની મુશ્કેલી તથા હૃદય તથા રુધિરાભિસરણના વિકારો થાય છે. ભમરા પીળા, લાલ, છીંકણી કે કાળા રંગનાં પાતળાં જંતુ હોય છે જ્યારે કીડી છ પગવાળું લાલ કાળું જંતુ છે અને સામાન્ય રીતે મોટા જૂથમાં જ તે જોવા મળે છે. કીડી તથા ભમરાના ડંખ પછી ક્યારેક ઉપર જણાવેલ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. સારવાર રૂપે ડંખના સ્થાનને સહેજ ખોતરી કાઢીને જરૂર પડ્યે હાઈડ્રોકૉર્ટિસોનનો મલમ લગાવવાથી સ્થાનિક વિકાર શમે છે. જો ઍલર્જીજન્ય આઘાત થાય તો એડ્રિનાલિન, કૉર્ટિકોસ્ટીરૉઈડ, ઍન્ટિહિસ્ટામિનિક દવાઓ તથા નસ વાટે પ્રવાહી આપીને જીવનને ટકાવી રખાય છે.

(11) વીંછી : ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં વીંછી જોવા મળે છે. તેમને આગળ અણિયાળાં જડબાં (claws) અને પાછળ એક વળાંકવાળો ડંખ મારતો કંટક હોય છે. તે પથ્થર, છત, લાકડું   વનસ્પતિની ઝાડી વગેરેમાં સંતાઈને રહે છે અને લાગ મળ્યે ડંખ મારે છે. મોટે ભાગે તે ટૂંકા ગાળાનો સ્થાનિક સોજો અને દુખાવો કરે છે. કેટલીક જાતોના ડંખમાં પુષ્કળ ઝેરી પ્રતિક્રિયા થાય જેમાં સ્થાનિક સોજો, કાળાશપડતું ચકામું, ખૂજલી તથા સ્થાનિક લસિકાગ્રંથિઓમાં વેળ ઘાલવી વગેરે થાય છે. ક્યારેક દુખાવો ન કર્યો હોય તે ડંખ પછી પણ 24 કલાકમાં તીવ્ર વિકાર થાય છે જેમાં ઘેન ચઢવું, અંધારાં આવવાં, મૂર્ચ્છા થવી, પરસેવો વળવો, ઝાંખું દેખાવું, પ્રકાશ-અસહ્યતા (photophobia) થવી, સ્નાયુઓમાં સતત આકુંચનો થવાં, ખેંચ (આંચકી, convulsion) આવવી, લોહીનું દબાણ ઘટવું , શ્વાસોચ્છવાસ અને મૂત્રપિંડના કાર્યમાં ઘટાડો થવો કે થોડીક જ મિનિટોમાં કે 40 કલાકમાં મૃત્યુ થવું વગેરેનો સમાવેશ થાય છે.

મુખ્ય સારવાર રૂપે ડંખના સ્થાને બરફ ઘસવાનું, જરૂર પડ્યે ચામડી બહેરી કરતો મલમ લગાવવાનું અને વ્યાપક ઍલર્જિક વિકાર થાય તો સુનિશ્ચિત પ્રતિવિષ (antitoxin) આપવાનું સૂચવાય છે. આવા સંજોગોમાં દર્દીને ઘનિષ્ઠ સારવાર આપતા કક્ષમાં રાખવામાં આવે છે.

(12) સાપ અને નાગ : સાપની લગભગ 3500 પ્રકારની જાતો છે જેમાંની 300 જેટલી જાત ઝેરી ગણાય છે. તેના ઝેરની જુદા જુદા અવયવો પર જુદી જુદી અસર થાય છે. કેટલાંક ઝેર લોહીનો વિકાર કરે છે, તો કેટલાંક હૃદય કે ચેતાતંત્રને અસર કરે છે. એક પ્રકારનું ઝેર એક-થી વધુ અવયવોને અસર કરે છે. મુખ્ય 4 જૂથના સાપોની ઝેરી અસરોને સારણી 2માં સાર રૂપે દર્શાવી છે.

સર્પદંશને કારણે સ્થાનિક સોજો, બે છિદ્રબિન્દુઓ તથા 10 મિનિટમાં દુખાવો થાય છે. જેટલું ઝેર વધુ પ્રવેશેલું હોય તેટલો સોજો પણ વધુ થાય છે. ઝડપથી વ્યાપક પ્રતિક્રિયાઓ ઉદભવે છે. દંશના સ્થાન, સાપની જાતિ તથા ઝેરની માત્રાને આધારે પ્રતિક્રિયાની તીવ્રતા અને ઝડપ નક્કી થાય છે.

ચેતાતંત્રીય વિકાર રૂપે ઝણઝણાટી અને પરાસંવેદના (paraesthesia), અંધારાં આવવાં, ચક્કર આવવાં, સ્નાયુતંતુઓનું સંકોચન થવું, ખોપરીની ચેતાઓનો લકવો થવો, ધનુર્વાની માફક જડબું ઝલાઈ જવુંં, ખેંચ આવવી તથા ક્યારેક નાગના ઝેર પછી શ્વાસોચ્છવાસના સ્નાયુઓનો લકવો થવો વગેરે વિવિધ લક્ષણો જોવા મળે છે.

હૃદય અને રુધિરાભિસરણ પરની ઝેરી અસરોને કારણે લોહીના દબાણમાં ઘટાડો, અનિયમિત નાડી, આઘાત (shock) વગેરે થાય છે. લોહીના વિકારને કારણે પેઢાંમાંથી લોહી વહેવું, લોહીની ઊલટી થવી, ઝાડા-પેશાબમાં લોહી પડવું, કાળો મળ થવો, ગળફામાં લોહી પડવું વગેરે વિવિધ લક્ષણો થાય છે. ક્યારેક દર્દીને પુષ્કળ પરસેવો, મૂંઝવણ, ઊબકા, ઊલટી, અશક્તિ, શરીરના તાપમાનમાં ઘટાડો વગેરે પણ થાય છે.

સારણી 2 : કેટલાક ઝેરી સાપના ઝેરની અસરો

સાપનો પ્રકાર ઝેરી અસર
1. પિટ વાઇપર (રૅટલ સ્નેઈક, બુશ માસ્ટર) લોહી તથા ચેતાતંત્ર

પર ઝેરી અસર

2. નાગ (કોબ્રા), કાળોતરો (ક્રેઈટ)

મેમ્બાસ, કોરલ સાપ, ડેથ ઍડર

ચેતાતંત્ર, હૃદય અને

લોહી પર ઝેરી અસર

3. સાગર સાપ ચેતાતંત્રીય અને લોહી

પરની ઝેરી અસર

4. ચીતળો કે ખડચીતળો (રસેલ્સ વાઇપર)

વિષ ફૂંકનાર (પફ ઍડર)

લોહી પર ઝેરી અસર

સારવારના મુખ્ય સિદ્ધાંતોને બે ભાગમાં વહેંચી શકાય છે : (1) તાત્કાલિક સારવાર (પ્રથમોપચાર, first aid) અને (2) હૉસ્પિટલમાં અપાતી ઘનિષ્ઠ સારવાર. દંશને સ્થાનેથી ઝેરનું અવશોષણ જેટલું ઘટે તેટલું વધુ સારું ગણાય છે. તે માટે વ્યક્તિના તથા તેના ડંખવાળા ભાગના હલન-ચલનને ઘટાડવાનું સૂચવાય છે. ડંખના સ્થાનને લૂછીને સાફ કરાય છે. શક્ય હોય તો સાપને મારી નાંખીને દર્દીની સાથે મરેલા સાપને દવાખાને લઈ જવાથી સાપની ઓળખ નિશ્ચિત કરી શકાય છે. ડંખ અને તેનાથી શરીર તરફના અંગના ભાગ પર દબાણ કરતો પાટો બાંધવામાં આવે છે જેથી ઝેરનું અવશોષણ ઘટે. દર્દીને ઝડપથી હૉસ્પિટલમાં ખસેડવાનું સૂચન કરાય છે, જ્યાં શ્વાસોચ્છવાસ અને રુધિરાભિસરણમાં ઘટાડો ના થાય તે સતત જોવાય છે.

સર્પદંશના કિસ્સામાં કેટલીક ક્રિયાઓ ન કરવાની ખાસ સૂચના અપાય છે, જેમ કે દંશના સ્થાને કાપો ન મૂકવો તથા તે ભાગને ચૂસવો નહિ, જીવતા કે મરેલા ઝેરી સાપને દર્દીની પાસે રાખવો નહિ તથા ડંખના સ્થાને કે તેની ઉપર ટુર્નિકેટ બાંધવો નહિ. દર્દીને આલ્કોહૉલ ન આપવાનું પણ સૂચન કરાય છે.

હૉસ્પિટલમાં દર્દીને ઘનિષ્ઠ સારવાર કક્ષ(intensive care unit)-માં શ્વાસોચ્છવાસ, રુધિરાભિસરણ, લોહી વહેવાના વિકાર કે મૂત્રપિંડના વિકારની સારવાર અપાય છે. યોગ્ય માત્રામાં ચોક્કસ પ્રકારનું પ્રતિવિષ આપવામાં આવે છે. ખડચીતળા (Russel’s viper) અને નાગના ડંખ પછી પ્રતિવિષ આપવા છતાં પણ ક્યારેક મર્યાદિત ફાયદો થાય છે. તેવા કિસ્સામાં મૃત્યુ નીપજે છે. નાગના ઝેરથી ઘણી વખત ફક્ત 15 મિનિટમાં જ શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય તો હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ મૃત્યુ થાય છે.

સારણી 3 : ડંખના ઝેર સિવાયના અન્ય રોગો

  જંતુ / પ્રાણી રોગ કે વિકાર
1. જૂ ટાઇફસ, પુનરાવર્તી (relapsing) તાવ,

ખાઈ (trench) જ્વર

2. ચાંચડ (flea) પ્લેગ, ટેલ્યુરિનિયા, મ્યુરાઈન ટાઇફસ
3. માંકડ છગાનો રોગ
4. મચ્છર પીતજ્વર, મલેરિયા, મસ્તિષ્કશોથ

(encephalitis), હાથીપગો વગેરે

5. કાળી માખી (નદીમાખી) નદી અંધાપો
6. રેતમાખી કાલા આજાર
7. ત્સે-ત્સે માખી આફ્રિકાનો નિદ્રાદાયક વિકાર
8. ઇતરડી (mite) એક પ્રકારનો સ્ક્રબ ટાઇફસ
9. ચીંચડી (tick) લોહી વહે તો તાવ, મસ્તિષ્કશોથ,

પથ્થરિયા પર્વતોનો ડાઘવાળો તાવ,

લાઈમ રોગ વગેરે

(13) સાગરનાં પ્રાણીઓના ડંખ : સાગરનાં કેટલાંક પ્રાણીઓ પણ ડંખ દે ત્યારે ચેતાતંત્ર, હૃદય કે લોહીના વિકારો થાય છે. તેમાંથી કેટલાક પ્રકારનાં વિષનાં પ્રતિવિષ ઉપલબ્ધ નથી હોતાં. સાગર સાપ, બૉક્સ જેલી ફિશ, વીંછી –માછલી, પથ્થર-માછલી વગેરેના ઝેર સામે પ્રતિવિષ મળે છે, જ્યારે ભૂરી વીંટીવાળા અષ્ટપાદ (octopus), શંકુરૂપ ગોકળગાયના ડંખનું પ્રતિવિષ ઉપલબ્ધ નથી.

(14) ડંખ દેતાં જંતુઓ / પ્રાણીઓ દ્વારા ફેલાતા રોગો : ઝેર ઉપરાંત આ પ્રાણીઓ / જંતુઓ વિવિધ પ્રકારના રોગો કરે છે અથવા વિવિધ ચેપ કરતા સૂક્ષ્મજીવોનું વહન કરે છે.

શિલીન નં. શુક્લ

શ્રીપ્રકાશ ત્રિવેદી