દંડ-બેઠક : શરીરને ખડતલ અને સ્નાયુને બળવાન બનાવવા માટેનો સર્વ અંગની કસોટી કરતો ભારતીય વ્યાયામપ્રકાર. પ્રાચીન કાળથી કુસ્તીબાજો કુસ્તી માટે શરીરને કસવા દંડ-બેઠકની કસરત અવશ્ય કરે છે. આ કસરત નિયમિત કરવાથી ભુજાઓ મજબૂત અને ભરાવદાર બને છે; વક્ષસ્થળ ઉઠાવદાર અને ઘાટીલું બને છે; કરોડરજ્જુ બળવાન અને લચીલી બને છે. પગનાં સાથળ અને પિંડીઓ ર્દઢ અને તાકાતવાન બને છે; જેને પરિણામે શરીરનાં બળ તથા સૌષ્ઠવમાં વિશેષ વધારો થાય છે. દંડ-બેઠક લંગોટ પહેરીને કરવામાં આવે છે.

સર્વસામાન્ય દંડનો પ્રકાર એટલે કે સાદા દંડનો આરંભ ચોપગી  સ્થિતિમાંથી થાય છે. હાથને કોણીમાંથી વાળતા જઈ ધડને જમીનની નજીક સમાંતરે લઈ જઈ શક્ય તેટલું આગળ લંબાવી કમરથી ઉપરના ભાગને ઉપરની તરફ ખેંચી ફેણ કાઢેલા સાપની સ્થિતિમાં આવવું; પછી પૂંઠને ઊંચકી મૂળસ્થિતિ(ચોપગી)માં આવવું. દંડની કસરતને વધારે શ્રમકારક બનાવવાના હેતુથી દંડ કરનારના પગની પિંડી પર પગ ગોઠવી તથા હાથ પૂંઠ પર ટેકવી, જોડીદારને ઊભો રાખી દંડ કાઢવામાં આવે છે. આ સિવાય આગળ ઈંટો મૂકી તે પર હાથ ગોઠવી વધુ શ્રમ પડે તેવી દંડ કાઢવાની પદ્ધતિ પણ છે. તે જ પ્રમાણે બંને પગ દીવાલ સાથે ટેકવીને પણ દંડ કાઢવાની પદ્ધતિ છે. તદુપરાંત બાળંભટદાદા દેવધર પરંપરામાં દંડજોર, ગૂઠનદંડ, ગર્દનકસી, પાંવકસી, જુટદંડ, વીછુદંડ,  શેરદંડ, સીધે દંડ, બેવડદંડ, સર્પદંડ, મયૂરદંડ, સરકદંડ, પછાડદંડ, પલટદંડ, ચક્રદંડ જેવા અનેક પ્રકારો પ્રચલિત છે.

બેઠકની કસરતથી પગની સાથળ તથા પિંડીઓ ઘનિષ્ઠ અને તાકાતવાન બને છે જે કુસ્તીની રમત માટે અત્યંત ઉપયોગી છે. બેઠકનો સર્વસામાન્ય પ્રચલિત પ્રકાર એટલે ખડી બેઠક, જેમાં બંને પગ વચ્ચે 10 સેમી.થી 15 સેમી. જેટલું અંતર રાખી ઊભેલી સ્થિતિમાંથી પગને ઢીંચણમાંથી વાળી, એડી જમીનને અડકેલી રહે તથા નિતંબ એડીને અટકે તે પ્રમાણે બેસી તરત ઊભા થવાનું હોય છે. આ સમગ્ર ક્રિયા દરમિયાન બંને હાથનો સહેજ પાછળથી આગળની તરફ લયબદ્ધ ઝોલો આપવામાં આવે છે. બેઠકના અન્ય પ્રકારોમાં સરકબેઠક, દિશાફેર, પેટગૂઠન, હનુમાનબેઠક, પુટકી, લહેરા, ખડી ખમલી, નીમ ખમલી વગેરે જાણીતા પ્રકારો છે. દંડ અને બેઠક અરસપરસ પૂરક કસરતો છે અને સામાન્યત: દંડ કરતાં બમણી બેઠક કરવાનો રિવાજ છે.

ચિનુભાઈ શાહ