દંડવતે, મધુ (જ. 21 જાન્યુઆરી 1924, અહમદનગર; અ. 12 નવેમ્બર 2005, મુંબઈ) : ભારતના સંઘર્ષ અને સ્વાધ્યાય-પ્રવણ સમાજવાદી નેતા તેમજ સદા સજ્જ સાંસદ. પિતાનું નામ રામચંદ્ર. મુંબઈના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ખાતે ઉચ્ચ શિક્ષણ લઈ એમ.એસસી. થયા બાદ તેમણે 1946થી 1971નાં વરસો દરમિયાન સિદ્ધાર્થ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપવા સાથે કેટલોક વખત મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ પણ પરમાણુ-ભૌતિકશાસ્ત્રનો વિષય શીખવ્યો હતો.

મધુ દંડવતે
1942માં, અઢાર વરસની વયે, ‘હિંદ છોડો’ આંદોલન મારફતે જાહેર જીવનની દીક્ષા બાદ મધુ દંડવતે સમાજવાદી ચળવળમાં સતત સક્રિય રહ્યા હતા. 1948માં પ્રજાસમાજવાદી પાર્ટીમાં જોડાયા તથા તેના મહારાષ્ટ્ર એકમના ચૅરમૅન બન્યા હતા. 1972માં પ્રજાસમાજવાદી પાર્ટી અને સંયુક્ત સમાજવાદી પાર્ટીનો વિલય થતાં નવા પક્ષના જનરલ સેક્રેટરી બન્યા હતા. 1955ના ગોવામુક્તિ આંદોલનમાં તથા 1969ના ભૂમિમુક્તિ આંદોલનમાં ભાગ લેવા સાથે તેમણે 1975–1977 દરમિયાન કટોકટીકાળમાં મિસા હેઠળ અઢાર માસનો કારાવાસ ભોગવ્યો હતો.
મુંબઈ મહાનગરના સ્નાતક મતદાર મંડળમાંથી 1970માં મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં ચૂંટાઈ આવ્યા બાદ એમણે સંસદીય કારકિર્દીની શરૂઆત કરી; અને મહારાષ્ટ્રના રાજાપુર મતવિસ્તારમાંથી 1971, 1977, 1980, 1984, 1989 – એમ લાગટ પાંચ વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. પહેલી વાર સમાજવાદી પક્ષની ટિકિટ પર અને ત્યારબાદ તે પક્ષ જનતાપક્ષમાં વિલીન થતાં તેની ટિકિટ પર અને છેલ્લે જનતાદળની ટિકિટ પર તેઓ ચૂંટાયા હતા. એમની સંસદીય કામગીરી દરમિયાન 1977–1979ની મોરારજી દેસાઈની કેન્દ્રસરકારમાં રેલવે પ્રધાન તરીકેની તેમજ 1989–1990ની વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વ હેઠળની સરકારમાં નાણાપ્રધાન તરીકેની કામગીરી ઉલ્લેખનીય છે. વચગાળાનાં વરસોમાં ગૃહમાં જનતા પક્ષ (1980–1988) અને જનતા દળ(1988–1989)ના નેતા તરીકેની જવાબદારી પણ તેઓએ સંભાળી હતી. ઑગસ્ટ, 1996થી સંઘ સરકારના આયોજનપંચના ઉપાધ્યક્ષપદે.
1973–75 દરમિયાન બૅંક ઑવ્ બરોડા કર્મચારી ફેડરેશનના પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી. તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા, જેમાં યૂસુફ મેહરઅલી એજ્યુકેશન ટ્રસ્ટ, મહારાષ્ટ્ર રાજ્ય સિટિઝન્સ ડિફેન્સ કાઉન્સિલ જેવી અગ્રણી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
‘ગાંધીજીઝ ઇમ્પૅક્ટ ઑન સોશલિસ્ટ થિન્કિંગ’, ‘માકર્સ ઍન્ડ ગાંધી’, ‘થ્રી ડિકેડ્ઝ ઑવ્ ઇન્ડિયન કમ્યુનિઝમ’, ‘કાશ્મીર – એ ટેસ્ટ કેસ ફૉર સેક્યુલૅરિઝમ’ જેવા વિચારગ્રંથો, યૂસુફ મહેરઅલી અને જયપ્રકાશ નારાયણ વિષયક ચરિત્રગ્રંથો તથા ‘ફ્યુચર ઑવ્ પાર્લમેન્ટરી ડેમૉક્રસી ઇન ઇન્ડિયા’ અને ‘ઈકોઝ ઇન પાર્લમેન્ટ’ સહિતનાં સંખ્યાબંધ પુસ્તકો એમણે લખ્યાં છે. તેમના કારાવાસ દરમિયાનના પત્રો તથા વિજ્ઞાનવિષયક લોકભોગ્ય વ્યાખ્યાનોનો સંચય મરાઠી ભાષામાં પ્રકાશિત થયો છે.
તેમનાં પત્ની પ્રમિલા દંડવતે પણ અગ્રણી સામાજિક કાર્યકર તથા ભૂતપૂર્વ સંસદસભ્ય છે.
પ્રકાશ ન. શાહ