થ્રી સિસ્ટર્સ : રૂસી નાટ્યકાર અને વાર્તાકાર અન્તોન ચેહફનું જગતના નાટ્ય-સાહિત્યમાં ઉત્તમ ગણાતું ચાર-અંકી આધુનિક નાટક. એમાં પ્રઝરોવ પરિવારની ત્રણ બહેનો–ઑલ્ગા, માશા અને ઇરીના તથા એના ભાઈ આન્દ્રેઈના બીબાઢાળ, એકધારા, કંટાળાજનક જીવનની કથા છે. તેઓ એ વખતના રશિયાના એક નાના નગરમાં વસે છે; બાજુમાં એક લશ્કરી છાવણી છે, ત્યાંના અધિકારીઓ સાથેની મિલન-મુલાકાતોમાં ત્રણેય બહેનોને આ કંટાળાજનક જીવનમાંથી મુક્તિની શક્યતા દેખાય છે. વધુ સુખસગવડવાળા રંગીન મૉસ્કો શહેરમાં જવાનું એમનું સમણું છે. આન્દ્રેઈને અધ્યાપક બનવું હતું, પરંતુ નટાશા સાથેના લગ્નમાં એ એવો ફસાઈ પડે છે કે હવે એ અધ્યાપક બની શકે એમ નથી અને ભાભી નણંદોને ચેનથી જીવવા પણ દેતી નથી. એક શાળાના શિક્ષક કુલિજીન સાથે માશાનાં લગ્ન થયાં છે પરંતુ માશા લશ્કરી અધિકારી વેરસિનિનને છૂપો પ્રેમ કરી આનંદ મેળવે છે, સૌથી નાની બહેન ઇરીના તુઝેનબાઘ નામના બીજા લશ્કરી અધિકારી સાથે લગ્ન કરી કંટાળાજનક જીવનમાંથી છટકવા માગે છે; પરંતુ લશ્કરી છાવણી આ નગરમાંથી ઊપડે છે અને વેરસિનિન પરણેલો હોવાથી, એ માશાને સાથે લઈ જઈ શકતો નથી. બીજી બાજુ તુઝેનબાઘ એક દ્વન્દ્વયુદ્ધમાં માર્યો જાય છે. અંતે લશ્કરી બૅન્ડના સંગીતને સાંભળતી ત્રણેય બહેનો હજી પણ મૉસ્કો જવાનું સમણું વાગોળ્યા કરે છે. મૉસ્કો આર્ટ થિયેટરે 1901માં આ નાટકનો સૌપ્રથમ પ્રયોગ કર્યો. એમાં માશાની ભૂમિકા ચેહફની પત્ની ઑલ્ગા ક્નીપરે ભજવી હતી. દિગ્દર્શક સ્તાનિસ્લાવ્સ્કીએ વેરસિનિનની ભૂમિકામાં, બસો વરસ પછી ઊગનારા સોનેરી પ્રભાત અને રળિયામણા જીવનની જાણીતી એકોક્તિ એ રીતે પ્રસ્તુત કરી હતી, જેમાં 1917ની રૂસી ક્રાંતિ પૂર્વેની લોકોની પરિવર્તનની ઝંખનાનો પડઘો સંભળાતો હતો. આ નાટક રશિયા અને અનેક દેશોમાં કેટલાય દિગ્દર્શકોને હાથે ખૂબ ભજવાયું છે. ગુજરાતીમાં એનો અનુવાદ સુમન શાહે કરેલો છે.
હસમુખ બારાડી